ગૃહ રાજ્યમંત્રીનો દાવો:સુરતમાં પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરતાં હર્ષ સંઘવીએ કહ્યું- કાયદો-વ્યવસ્થામાં જાળવવામાં ગુજરાત નંબર વન

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પાલીસ સેવા સુલભ બને તે માટે જનસહયોગથી ભરથાણા ગામ, અલથાણ પાસે સાકાર થયેલા અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. અલથાણ પોલીસ સ્ટેશન શરૂ થતા ડાયમંડ બુર્સ, આભવા ચોકડી, શ્યામ મંદિર, અલથાણ ચાર રસ્તા વિસ્તારના નાગરિકોને સુગમ ન્યાય-પોલીસ સેવા મળશે તેમ જણાવતા ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, છેલ્લા 20 વર્ષમાં અનેક સંઘર્ષનો સામનો કરીને ગુજરાત કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં નંબર વન બન્યું છે.

પોલીસે અનેક પહેલ કરી
ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં શાંતિ, સુરક્ષા સલામતીના મૂળમાં ઉત્તમ કાયદો અને વ્યવસ્થા અને ગુજરાત પોલીસની ઉમદા કામગીરી છે. ન્યાયની આશામાં પોલીસ સ્ટેશને આવતા ફરિયાદી-આમ નગારિક નિરાશ ન થાય તેમજ નાગરિકોની સમસ્યાઓ, ફરિયાદોમાં અલથાણ પોલીસ સ્ટેશન મદદરૂપ થાય તેવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી. મંત્રીએ કહ્યું કે, દેશમાં ગુજરાત રાજ્યને સર્વશ્રેષ્ઠ બનાવવા પોલીસ તંત્ર સજાગ-સતર્ક છે.

રાજ્યની શાંતિ અને સલામતી માટે પોલીસ હંમેશા કાર્યરત
છેલ્લા 20 વર્ષમાં અનેક સંઘર્ષોનો સામનો કરીને કાયદો-વ્યવસ્થા જાળવવામાં ગુજરાત રાજ્ય નંબર વન બન્યું છે. રાજ્યની શાંતિ અને સલામતી માટે પોલીસ હંમેશા કાર્યરત છે. સમગ્ર ગુજરાત અને સુરત શહેરના ઝડપી વિકાસના પરિણામે વસ્તીને ધ્યાને લઇને નવા પોલીસ સ્ટેશનોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે એમ જણાવી મંત્રીએ સુરત શહેર પોલીસ દ્વારા ડ્રગ્સને નાથવા માટે લેવામાં આવેલા પગલાંઓ, પોલીસ સેવાની ડિજિટલ એપ, મોર્નિંગ વોક જેવી અનેક નવતર પહેલોને બિરદાવી હતી.

ટૂંકા ગાળામાં ચાર્જશીટ કરાઈ
ગૃહ મંત્રીએ વધુમાં જણાવ્યું કે, શહેર પોલીસ દ્વારા અનેક ગંભીર પ્રકારના ગુનાઓમાં એકથી બે મહિના જેવા ટૂંકાગાળામાં ચાર્જશીટ રજૂ કરીને ગુનેગારોને ફાંસીની સજા અપાવવાનું સરાહનીય કાર્ય કર્યું છે. પ્રજાજનોની શાંતિ-સલામતી અને સુખાકારી માટે સરકારે લીધેલા સંખ્યાબંધ કડક પગલાં, નિર્ણયોના કારણે લોકોને સુરક્ષાનો અહેસાસ થઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...