ભટાર અને પનાસમાં રહેતા પ્રેમીપંખીડાએ અલગ અલગ જગ્યાએ ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. પનાસ ખાતે રહેતી કિશોર વયની પ્રેમિકાએ પનાસ ખેતીવાડી ફાર્મની અંદર નવા બંધાયેલા બિલ્ડીંગના પહેલા માળે રૂમમાં જઈ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જેના કલાકમાં પ્રેમીએ ભટારમાં પોતાના ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બન્ને બનાવો અંગે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી તપાસ શરૂ કરી છે.
ભટાર આઝાદ નગર શિવશક્તિ સોસાયટી ખાતે રહેતા દિપક રાજુ મેડા(18)કેટરર્સને ત્યાં કામ કરતો હતો. દિપકને 6-7 મહિનાથી પનાસ વેસુ પોલીસ સ્ટેશનની પાસે ફુટપાથ પર ઝુપડામાં રહેતી 15 વર્ષીય કિશોરી સાથે પ્રેમસંબંધ બંધાયા હતા. મંગળવારે દિપકે તેના ઘરમાં મોભ સાથે કપડાના ટુકડા વડે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બીજી તરફ વેસુ પોલીસ સ્ટેશનની પાસે ફુટપાથ પર ઝૂંપડામાં રહેતી 15 વર્ષીય કિશોરી તેની માતા સાથે ઘરકામ કરતી હતી. કિશોરીએ પણ પનાસ ખેતીવાડી ફાર્મની અંદર નવા બંધાયેલા બિલ્ડીંગના પહેલા માળે રૂમમાં જઈ બારીના સળીયા સાથે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
વાતની જાણ થતા માતાએ ઠપકો આપ્યો
બહેન બનેવી સાથે રહેતા દિપકના પિતાનું એક વર્ષ અગાઉ અવસાન થઈ ગયું છે. ખટોદરા પોલીસે જણાવ્યું હતું કે દિપકે પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. જ્યારે ઉમરા પોલીસે જણાવ્યું હતું કે 15 વર્ષીય કિશોરી મોબાઈલ ફોનમાં કોઈ યુવક સાથે ઈન્સ્ટાગ્રામ પર વાતચીત કરતી હતી. તે બાબતે માતાએ ઠપકો આપ્યા બાદ તેણે આપઘાતનું પગલું ભરી લીધું હતું. બનાવો અંગે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.