વિવાદ:લિવઇનમાં રહેતી યુવતીના પરિવારે લગ્નની વાત કરી તો યુવકે ફટકાર્યા

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • લિંબાયતની યુવતીના અગાઉ બે છૂટાછેડા થઇ ચૂક્યા છે
  • યુવકની માતાએ કહ્યું ‘મને આ સંબંધ પસંદ નથી, જતા રહો’

લિંબાયતમાં અગાઉ બે પતિઓથી ડિવોર્સ લઈને ત્રીજા યુવક સાથે લિવ ઇનમાં રહેતી મહિલાના પિતા અને ભાઈને યુવકે માર માર્યાનો બનાવ બન્યો છે. યુવતીના પરિવારજનો લગ્નની વાત કરવા યુવકના ઘરે ગયા ત્યારે યુવકની માતાએ ‘મને આ સંબંધ પસંદ નથી’ તેમ કહીને મહિલાના પિતા-ભાઈ સાથે ઝઘડો કરી માર મારી કાઢી મુક્યા હતા. ડિંડોલીમાં રહેતી મોનાલી( નામ બદલ્યું છે)ના પહેલાં લગ્ન 2001માં થયા હતા. પ્રથમ પતિ સાથે ડિવોર્સ થયા બાદ તેણીએ 2013માં બીજા લગ્ન કર્યા હતા. બીજા પતિથી 2020માં ડિવોર્સ થયા હતા. ત્યાર બાદ મોનાલીનો કૈલાસ રામભાઉ ધોબી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો.

જેથી તે કૈલાસ સાથે લિવ ઇનમાં રહેવા લાગી હતી. લીવઈનના તેમના સંબંધો સારા ચાલ્યા હતા. અને તેમની વચ્ચે મનમેળાપ પણ બેસી ગયો હતો. પરંતુ મોનાલી અને કૈલાસના આ સંબંધથી કૈલાસનો પરિવાર સહમત નહોતો. તેઓ ઈચ્છતા ન હતા કે કૈલાસ મોનાલી સાથે સંબંધ રાખે. મોનાલી 31મી તારીખે લગ્નની વાત કરવા માટે ભાઈ અને માતા-પિતા સાથે કૈલાસના ઘરે લિંબાયતના શિવાજીનગરમાં ગઈ હતી.

ત્યાં મોનાલીના પિતા અને ભાઈએ લગ્નની વાત કરી ત્યારે કૈલાસની માતાએ કહ્યું કે, ‘મને આ સંબંધ પસંદ નથી, તમે અહીંથી જતા રહો.’ મોનાલી ભાઈ અને પિતા સાથે જવા લાગી ત્યારે કૈલાસની પહેલી પત્નીના દીકરા વિજયે મોનાલીના પિતાને ગાળો આપી ‘બીજી વખત અહીં આવવું નહીં’ કહેતા ઝઘડો થયો હતો. વિજય અને કૈલાસે મોનાલીના માતા-પિતા અને ભાઈને માર માર્યો હતો. પિતાને લાકડાના ફટકાથી મારતા તેમને ઇજા થઈ હતી. જેથી મોનાલીએ કૈલાસ અને તેના દીકરા વિરુદ્ધ લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...