સુરત ભાજપમાં જૂથવાદ?:પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા કારોબારીની બેઠકનું આયોજન, 16માંથી માત્ર 2 જ કોર્પોરેટર હાજર રહ્યા

સુરતએક મહિનો પહેલા
ભાજપમાં પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારનો આંતરિક જૂથવાદ સામે આવ્યો.

રામનગર સિંધી સમાજની વાડીમાં પશ્ચિમ વિધાનસભાની કારોબારીની બેઠક મળી હતી. પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય અને મંત્રી પૂર્ણેશ મોદીની અધ્યક્ષતામાં આ આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, 16 કોર્પોરેટરમાંથી માત્ર 2 કોર્પોરેટર હાજર રહ્યા હતા. જેથી સુરત ભાજપમાં પણ જૂથવાદ હોય એવું લાગી રહ્યું છે.

કારોબારીમાં જૂથવાદ સ્પષ્ટ દેખાયો
પૂર્ણેશ મોદીએ વોર્ડના તમામ કાર્યકર્તાઓ બુથ લેવલનું કામ કરવા માટે અને કઈ રીતે કામ કરવું તેનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કારોબારીમાં જૂથવાદ સ્પષ્ટ દેખાયો હતો. બુથ લેવલ સુધી સંગઠનની ચર્ચા કરવાની હોય ત્યારે સ્વાભાવિક રીતે તમામ મહત્વના હોદ્દેદારો અને કોર્પોરેટર હાજર રહેવા જરૂરી છે પરંતુ અહીં સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી હતી.

કારોબારીની બેઠકમાં કોર્પોરેટર ગેરહાજર
આ કારોબારીમાં માજી કોર્પોરેટરો પૈકી મોટાભાગના જ ઉપસ્થિત હતા. પરંતુ વર્તમાન કોર્પોરેટર ફક્ત બે જ હાજર રહ્યા હતા. કોર્પોરેટરોમાં પણ બે ભાગ જોવા મળે છે. જે પૂર્ણેશ મોદીને સપોર્ટ કરતા નથી તેવા કોર્પોરેટરો ગેરહાજર રહેવાનો સ્પષ્ટ દેખાઈ આવ્યું હતું. હાજર કાર્યકર્તાઓમાં ચર્ચા શરૂ થઈ હતી કે કોર્પોરેટરો કેટલાક પોતાના વ્યસ્તતાના કારણે નથી આવ્યા પરંતુ કેટલાક જાણી જોઈને હાજર ન રહ્યા હોવાની વાત કરી રહ્યા હતા. પૂર્ણેશ મોદી સામે ભાજપનો જ એક વર્ગ હંમેશા વિરોધમાં રહેતો હોય છે.તેને સમર્થન કરતા કોર્પોરેટરોની સૂચક ગેરહાજરી અને પ્રશ્નો ઊભા કરી રહી છે.

માત્ર બે જ કોર્પોરેટરો હાજર
આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને પોતાના મતવિસ્તારમાં સંગઠનને મજબૂત કરવાનો પ્રયાસ પૂર્ણશ મોદી દ્વારા કરવામાં આવી રહ્યો છે પરંતુ જે રીતે પોતાના જ વિધાનસભા વિસ્તારના કોર્પોરેટરો જાણે તેમની સાથે ન હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે. અંદાજે 16 જેટલા કોર્પોરેટરો એક વિધાનસભા મતવિસ્તારમાં આવતા હોય અને તેમાં માત્ર બે જ કોર્પોરેટરો જો હાજર રહેતા હોય તે સ્પષ્ટ બતાવે છે કે આંતરિક જૂથવાદને કારણે પૂર્ણશ મોદીના કાર્યક્રમમાં ઘણા ખરા કોર્પોરેટરો હાજર રહ્યા નથી. પૂર્ણેશ મોદી સામે ભાજપના જ કેટલાક આંતરિક જૂથો હંમેશા સામે પડેલા રહે છે. તે હંમેશા ચર્ચામાં રહે છે.

અન્ય સમાચારો પણ છે...