નશાનો કારોબાર:સુરતમાં મોપેડ પર ગાંજાનું વેચાણ કરતા બે ઇસમો ઝડપાયા, 21 કિલો ગાંજો મળી આવ્યો

સુરતએક વર્ષ પહેલા
ઉત્કલ નગર ઝુપડપટ્ટી પાસેથી ગાંજાનું વેચાણ કરતા બે ઝડપાયા.
  • ગાંજાનું વેચાણ કરતા બે ઇસમોને પકડવામાં કતારગામ પોલીસને સફળતા મળી

સુરત શહેરમાં કતારગામ પોલીસે મોપેડ પર ગાંજાનું વેચાણ કરતા બે ઇસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 2.10 લાખની કિંમતનો 21 કિલો 075 ગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો છે. ગાંજો આપનાર કાલુ બિહારી નામના ઈસમને વોન્ટેડ જાહેર કર્યો છે.

બાતમી આધારે પોલીસે પર્દાફાશ કર્યો
સુરતમાં કેટલાક સમયથી નશીલા પર્દાથો લાવવાનું અને વેચાણ કરવાના રેકેટનો પોલીસ પર્દાફાશ કરી રહી છે. ત્યારે ગાંજાનું વેચાણ કરતા બે ઇસમોને પકડવામાં કતારગામ પોલીસને સફળતા મળી છે. કતારગામ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન બાતમી મળી હતી કે કેટલાક ઈસમો મોપેડ પર ગાંજાનું વેચાણ કરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ઉત્કલ નગર ઝુપડપટ્ટી પાસે આવેલા જી.આઇ.ડી.સી. બ્રીજની નિચેથી સાગર શશી પ્રધાન અને મુકેશ ઉર્ફે ભાલુ હિન્ના રાઉત નામના બે ઇસમોને ઝડપી પાડ્યા હતા.

3.18 લાખની મત્તા કબજે
પોલીસે આરોપીની મોપેડમાં તપાસ કરતા તેમાંથી કુલ 2.10 લાખની કિંમતનો 21 કિલો 075 ગ્રામ ગાંજાનો જથ્થે મળી આવ્યો હતો. જેથી પોલીસે મોપેડ, વજન કાંટો, ગાંજાનો જથ્થો, ત્રણ મોબાઈલ ફોન મળી કુલ 3.18 લાખની મત્તા કબજે કરી હતી.

પોલીસે મોપેડ, વજન કાંટો, ગાંજાનો જથ્થો, ત્રણ મોબાઈલ ફોન મળી કુલ 3.18 લાખની મત્તા કબજે કરી.
પોલીસે મોપેડ, વજન કાંટો, ગાંજાનો જથ્થો, ત્રણ મોબાઈલ ફોન મળી કુલ 3.18 લાખની મત્તા કબજે કરી.

કાલુ બિહારી નામના ઈસમને વોન્ટેડ જાહેર કર્યો
પોલીસે આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ કરતા આરોપીઓને આ ગાંજાનો જથ્થો વરાછા ખાતે રહેતા કાલુ બિહારી નામના ઇસમે આપ્યો હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે કાલુ બિહારી નામના ઈસમને વોન્ટેડ જાહેર કર્યો છે અને ઝડપાયેલા બંને આરોપીઓ સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.