સુરતમાં ભાજપના કાર્યાલય પર વિરોધ પ્રદર્શન માટે ગયેલા આપના કાર્યકરો અને ભાજપી કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. આ ઘર્ષણમાં આપના કાર્યકરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. જેથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. છૂટા હાથની મારમારીમાં ઈજાગ્રસ્ત થયેલા કાર્યકરોને આજે સારવાર બાદ રજા આપવામાં આવી હતી. જેથી ડિસ્ચાર્જ બાદ પોતાના વિસ્તારમાં પહોંચેલા કાર્યકરોનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. તથા ખભે બેસાડવામાં આવ્યાં હતાં.
તબિયત સુધરતા રજા અપાઈ
આ ઘર્ષણમાં આપના કતારગામ વિધાનસભા પ્રભારી દિનેશ જિકાદરા તેમજ આપ યુવા વિંગ પ્રમુખ પંકજ આંબલિયા ઈજાગ્રસ્ત થયા હતા.જેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમને માર મારવાનો વીડિયો પણ ખૂબ વાઈરલ થયો હતો. આજ રોજ બંન્નેની તબિયત સુધારા પર હોવાથી હોસ્પિટલથી રજા મળતા કતારગામ વિધાન સભા વિસ્તારના આપ કાર્યકરોએ ખભે બેસાડી રેલી કાઢી ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું.
કાર્યકરોએ હિંમતથી મુકાબલો કર્યો
આપના દક્ષિણ ગુજરાતના પ્રભારી રામ ધડૂકે જણાવ્યું હતું કે, ભાજપના ગુંડાઓ દ્વારા પોલીસની હાજરીમાં અમારા બન્ને કાંતિકારી યુવાનો પર હુમલો કરવામાં આવ્યો હતો.અમારા બન્ને ક્રાંતિકારી યુવાનો ભાજપના ગુંડાઓના હુમલા સામે મુકાબલો કર્યો છે. હોસ્પિટલથી ડિસ્ચાર્જ થઈ ઘરે પરત ફર્યા છે, ત્યારે કતારગામ વિસ્તારમાં તેમને ઠેર ઠેર લોકો આવકારી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.