વીડિયો વાઇરલ:સુરતના પાંડેસરામાં કર્ફ્યૂમાં લિસ્ટેડ બૂટલેગરના લગ્ન યોજાયા, જમણવારમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, બૂટલેગરની ધરપકડ

સુરત8 મહિનો પહેલા
મોડી રાત સુધી જમણવાર ચાલતો હોવાનો વીડિયો વાઇરલ થયો.
  • કર્ફ્યૂ લાગી ગયો હોવા છતાં મોડી રાત સુધી જમણવાર ચાલ્યો
  • પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી 10ની અટકાયત કરી

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા ડુંડી ગામમાં લિસ્ટેડ બૂટલેગર કાળુ ડુંડીના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. મોડી રાત સુધી જમણવાર શરૂ રહેવાનો વીડિયો વાઇરલ થયો છે. સુરત શહેરમાં સતત નિયમોના ધજાગરા ઊડી રહ્યા છે. લોકો જાણે બેખોફ થઈને તમામ કાર્યક્રમો ઊજવી રહ્યા છે. મોડી રાત સુધી જમણવાર ચાલતો હોવાનું સામે આવ્યું છે. કર્ફ્યૂનો સમય લાગી ગયા બાદ પણ બૂટલેગર જાણે કોઈ પરવા કરતો ન હોય એ રીતે પોતાના લગ્નનું જમણવાર ચલાવતો રહ્યો હતો, જેમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઊડ્યા હતા. વીડિયો સામે આવ્યા બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે અને બૂટલેગર કાળુ ડુંડીની ધરપકડ કરી છે.

પોલીસ દ્વારા બૂટલેગરની સામે કાર્યવાહી
મોડી રાત સુધી ચાલતા લિસ્ટેડ બૂટલેગરના લગ્નની માહિતી પાંડેસરા પોલીસને મળતાં પોલીસે લગ્ન પ્રસંગમાં પહોંચીને કાર્યવાહી શરૂ કરી હતી. મળતી માહિતી મુજબ, પોલીસે 10 લોકોની અટકાયત રાત્રે કરી લીધી હતી. બૂટલેગરની સામે પોલીસે પગલાં લીધા છે અને ધરપકડ કરી છે. તાજેતરમાં જ સિંગણપોર પોલીસ સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટરના વિદાય સંભારમનો વીડિયો પણ વાઇરલ થયો હતો. ત્યાર બાદ પોલીસ-ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.

લિસ્ટેડ બૂટલેગરના લગ્નમાં સોશિયલ ડિસ્ટન્સ અને કર્ફ્યૂ ભંગ.
લિસ્ટેડ બૂટલેગરના લગ્નમાં સોશિયલ ડિસ્ટન્સ અને કર્ફ્યૂ ભંગ.

કર્ફ્યૂમાં થતાં આયોજનો પોલીસ માટે એક મોટો પડકાર
સુરતમાં એક બાદ એક મોડી રાતે થતા કાર્યક્રમોના વીડિયો સામે આવી રહ્યા છે. પાંડેસરા વિસ્તારમાં કર્ફ્યૂના સમયે લોકો મોટી સંખ્યામાં લગ્નમાં એકત્રિત થયા હતા. સવાલ એ ઊભો થાય છે કે શું આયોજનની કોઇ પરમિશન પોલીસ પાસે લેવામાં આવી હશે ખરી અને જો લેવામાં આવી હશે તો એના માટે સમયમર્યાદા નક્કી કરવામાં આવી હશે. પરમિશન ન પણ લેવામાં આવી હોય, તો કર્ફ્યૂ સમયે પણ પ્રસંગ ચાલુ ન રહે એની ખાસ કાળજી આયોજકોએ રાખવી જોઈએ, પરંતુ લોકોને કોઈ ગંભીરતા ન હોય તેવાં દૃશ્યો સુરત શહેરમાં સતત સામે આવી રહ્યાં છે, જે પોલીસ માટે પણ એક મોટો પડકાર બની રહ્યો છે.

પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.

વિદાય સમારંભ યોજનાર પીઆઈ સસ્પેન્ડ
સુરત શહેરના સિંગણપોર વિસ્તારના કુમકુમ ફાર્મ હાઉસમાં પોલીસ સ્ટાફ દ્વારા ઉજવણી કરતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. જે અંગે ગત રોજ વીડિયો પ્રસારિત કરવામાં આવ્યો હતો. કોરોના સંક્રમણ કાળ દરમિયાન રાતે 9 વાગ્યા સુધીનો સમય વધારવામાં આવ્યો હતો. નવ વાગ્યાના સમય વીતી ગયા બાદ પણ પોલીસ કર્મચારીઓ કુમકુમ ફાર્મ હાઉસમાં પીઆઇ એ.પી.સલયીયાનો વિદાય સમારંભ સરકારના નિતી નિયમોના લીરે લીરા ઉડાવી દીધા હતા. દિવ્ય ભાસ્કરે વીડિયો પ્રસારિત કર્યા બાદ સુરત પોલીસ કમિશનર અજય તોમરે તપાસના આદેશ આપ્યા છે. જેની એસીપી ડી.જે. ચાવડા સમગ્ર ઘટનાની તપાસ કરશે. દરમિયાન પીઆઇ એ.પી.સલયીયા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, પીઆઈની બદલી ઇકો સેલમાં બદલી કરવામાં આવતા સિંગણપોર સ્ટાફે વિદાય આપી હતી.

દારૂનો ધંધો કરતા યુવકે રાત્રે જાહેરમાં કેક કાપી હતી
સુરતમાં જાણે કાયદાનો કોઈને ભય ન હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. બે દિવસ પહેલાં હેમંત પીયો ઉર્ફે માંજરો નામના શખ્સનો વીડિયો વાઈરલ થયો છે. જેમાં જાહેરમાં મોડી રાતે કેક મૂકીને ઉજવણી કરતો દેખાઈ રહ્યો છે. કોરોના સંક્રમણ વચ્ચે રાત્રિ કર્ફૂયુ છે. સાથે જ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, જાહેરમાં કોઈએ પોતાના જન્મ દિવસની ઉજવણી કરવી નહીં ,છતાં પણ આ લોકો બેખોફ થઈને યુવાનો સેલિબ્રેશન કરતા જોવા મળી રહ્યા છે.જેની સામે પોલીસ છાસવારે પગલાં પણ લેતી હોય છે.