એકસરખો 12 ટકા GST:વીવર્સને લેજરમાં ક્રેડિટ જમા નહીં મળે, દર મહિને ટેક્સ ભરવો પડશે

સુરત5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેપારીની ઉઘરાણી આવે કે ન આવે ટેકસની જવાબદારી આવી પડી, નહીં ભરે તો નંબર રદ
  • હવે યાર્ન અને કાપડ પર એકસરખો 12 % GST

કાપડ પર જીએસટીના બદલાયેલાં દરના લીધે હવે વિવર્સ પર ટેક્સ ભરવાની જવાબદારી આવી પડી છે. અગાઉ યાર્ન અને કાપડ પર જીએસટી દરના 7 ટકા ડિફરન્સના લીધે વીવર્સ પર રોકડમાં ટેક્સ ભરવાની જવાબદારી આવતી ન હતી. ઉપરાંત વીવર્સ માટે સૌથી મોટી મુસીબત એ છે કે આ ટેક્સ દર મહિને ભરવાનો રહેશે. એટલે સમગ્ર કાપડ માર્કેટમાં 90 દિવસના પેમેન્ટ સાયકલને ઝડપી બનાવવાની પણ આગામી દિવસોમાં ફરજ પડશે.

અગાઉ કેમ ટેક્સ ભરવો પડતો નહતો: અગાઉ કાપડ પર 5 ટકા ટેક્સ હતો અને યાર્ન પર 12 ટકા હતો. એટલે 7 ટકાનો ગેપ રહેતો હતો. 12 ટકા ભરીને વીવર્સ યાર્ન લાવ્યો હોય અને 5 ટકા ટેક્સ ઉઘરાવી કાપડ વેચતો હોય તો તેને ભરવો પડતો ટેક્સ લેજરમાં બચતી ક્રેડિટમાંથી કપાઇ જતો હતો, પરંતુ હવે યાર્ન અને કાપડ પર એક સરખો ટેક્સ હોય કોઈ પ્રકારની ક્રેડિટ જમા રહેશે નહીં. આથી નાછૂટકે રોકડમાં જ ટેક્સ ભરવાનો આવશે.

એક્સપર્ટ: પાછળથી નાણાંની ખેંચ વર્તાશે
CA હાર્દિક શાહ કહે છે, હાલ તુરંત જ વાંધા નહીં આવે, ખાતામાં જ્યાં સુધી ક્રેડિટ પડી છે ત્યાં સુધી ટેક્સ ભરાઈ જશે. ક્રેડિટ પુરી થતાં જ કેશ લેજર મારફત ટેક્સ ભરવાનો રહેશે. એટલે રોકડની જરૂર પડશે. પ્રશાંત શાહ કહે છે, વીવર્સે 20 તારીખ સુધી ટેક્સ ભરવાનો રહેશે. જે કેસમાં ત્રિમાસિક રિર્ટન ભરવાના છે તેમાં પણ ટેક્સ તો મહિને જ ભરવાનો છે.

કાપડ પર જીએસટીના નવા સ્લેબ સામે 35 વીવિંગ સંગઠનોનો વિરોધ
નાણા મંત્રાલયે ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીની વેલ્યુ ચેઈનના જીએસટી ટેક્સ સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેને લઈને દેશભરના અકળાઈ ઊઠેલા વીવર્સે રજૂઆતોનો મારો ચલાવ્યો છે. સુરત ચેમ્બરે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક અને વડાપ્રધાન મોદીને આવેદન આપીને રજૂઆત કરી છે. શહેરના 35 વીવિંગ સંગઠનો પણ 23મીએ મોદીને લેખિત રજૂઆત કરશે. ટેક્ટાઈલ ઈન્ડસ્ટ્રીમાં ફેબ્રિક્સના 5 ટકાની જગ્યાએ 12 ટકા અને ગારમેન્ટમાં 1000 રૂપિયાની અંદરની વસ્તુ પર 5 ટકા અને ઉપરની વસ્તુ પર 12 ટકા જીએસટી હતો જે હવે 12 ટકા સરખો કરી દેવાયો છે. દેશના 33 ટકા વણાટ એકમો સુરતમાં છે. ચેમ્બરે પટનાયકને રજૂઆત કરી છે કે, ‘ઓડિશાથી સુરતમાં આવેલા લાખો લોકો બેરોજગાર થઈ શકે છે.’ ફોગવા સહિતના 35 વીવિંગ સંગઠનો મોદીને પત્ર લખીને વિરોધ કરશે.

અન્ય સમાચારો પણ છે...