ભાઈબીજની ઉજવણી:સ્વામિનારાયણ ભગવાનની પાઘડી ધરાવતો સુરતી પરિવાર, ભક્તોની ભીડ એકઠી થતા દર્શન બંધ કરાયા

સુરતએક મહિનો પહેલા
સ્વામિનારાયણ ભગવાનની પાઘના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા.
  • 195 વર્ષ પહેલાં આપેલી પાઘ સાચવીને રાખી છે
  • દર વર્ષે ભાઈબીજના દિવસે પાઘ દર્શન માટે મૂકાય છે

સુરતના સૈયદપુરામાં ભગવાન સ્વામિનારાયણે પારસી પરિવારને આપેલી પાઘ ભાઈબીજના દિવસે જાહેરમાં દર્શન કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. આજે પણ દર્શન માટે પાઘ મૂકવામાં આવી હતી. જોકે, લોકોની ભીડ એકઠી થતા દર્શન બંધ કરાવ્યા હતા.

વર્ષમાં માત્ર ભાઈબીજના દિવસે દર્શન માટે મૂકાય
ભગવાન સ્વામિનારાયણ દ્વારા પોતે સુરતના હરદેશા કોટવાલ પારસી પરિવારને પોતાની પાઘડી અને શ્રીફળની ભેટ આપી હતી. 195 વર્ષ પહેલાં આપેલી પાઘ સાચવીને રાખી છે. વર્ષમાં માત્ર ભાઈબીજના દિવસે દર્શન માટે મુકવામાં આવે છે. મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવ્યા હતા. સ્વામિનારાયણ ભગવાને પાઘ સવંત 1881 માગશર સુદ બીજને દિવસે આપી હતી. પારસી પરિવારના કેરસિભાઈ વાડિયા પાઘની જાળવણી કરે છે. ભગવાન સ્વામિનારાયણની આપેલી ભેટને પારસી પરિવાર જીવની જેમ સાચવે છે.

દર્શન માટે આવેલા ભક્તોને સમજાવી પરત મોકલ્યા.
દર્શન માટે આવેલા ભક્તોને સમજાવી પરત મોકલ્યા.

દર્શન કરવા માટે લોકોના ટોળેટોળા ઉમટ્યા
સૈયદપુરા વિસ્તારની અંદર વર્ષોથી ભગવાન સ્વામિનારાયણના ભક્તો પાઘના દર્શન કરવા માટે પારસી પરિવારના ઘરે પહોંચી જાય છે. વર્ષોથી બીજના દિવસે વહેલી સવારે મોટી સંખ્યામાં સ્વામિનારાયણ ભગવાનના સંતો દ્વારા તેમની આરતી કરવામાં આવતી હોય છે એ જ પ્રકારે આરતી આજે સવારે પણ કરવામાં આવી હતી. આરતી કરાવ્યા બાદ દર્શન માટે પાઘ અને શ્રીફળ વર્ષોની પરંપરા મુજબ દર્શન કરવા માટે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. સ્વામિનારાયણ સંતો પણ અહીં દર્શન કરવા માટે પહોંચતા હોય છે.

પાઘને કાચની પેટીમાં મૂકી દર્શન માટે મૂકવામાં આવે છે.
પાઘને કાચની પેટીમાં મૂકી દર્શન માટે મૂકવામાં આવે છે.

ભક્તનો ઘસારો વધતા દર્શન બંધ કર્યા
શહેઝાદ વાડિયાએ જણાવ્યું કે, આજે સવારે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અમારા ઘરે પધરામણી કરી હતી. ત્યારબાદ જાહેરમાં આ પાઘને મૂકીને તેની વિધિવત રીતે આરતી કરી પૂજા વિધિ પણ સંપન્ન કરી હતી. દર વર્ષે આ પ્રકારે જાહેરમાં દર્શન કરવા માટે મુકતા હોવાથી માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયના નહીં પરંતુ તમામ સંપ્રદાયના લોકો અહીં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં આવતા હોય છે. આજે સવારે આરતી થયા બાદ દર્શન માટે ભક્તોનો ધસારો વધતા કોરોના સંક્રમણના ભયને કારણે દર્શન બંધ કર્યા છે. આવેલા તમામ ભક્તોને સમજણ આપ્યા બાદ દર્શન બંધ કરી દેવાયા હતા.

ભક્તોની ભીડ એકઠી થતા દર્શન બંધ કર્યા.
ભક્તોની ભીડ એકઠી થતા દર્શન બંધ કર્યા.