રોગચાળો:પાણીજન્ય રોગચાળો વકરતાં સિવિલમાં વધારાનો વોર્ડ શરૂ

સુરત15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાંડેસરામાં ઝાડા-ઊલટીના કેસ વધતાં પાલિકાની ટીમે સર્વે કરી પાણીનાં નમૂનાં લીધાં, કુલ 10 ટીમ કામગીરીમાં જોડાઈ

શહેરમાં વકરેલા પાણીજન્ય રોગચાળાને પગલે સિવિલમાં મેડિસીન વિભાગના વોર્ડ દર્દીઓથી ઉભરાઈ જતાં આખરે હોસ્પિટલમાં ચોથા માળે વધારાનો વોર્ડ શરૂ કરાયો છે. બીજી તરફ પાલીકાનો આરોગ્ય વિભાગ સિવિલ હોસ્પિટલ દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી. જેમાં ઝાડા ઉલટીના દર્દીઓ પાંડેસરાના હોવાનું સામે આવતા સર્વે શરૂ કરી પાણીના નમુના લેવાનું શરૂ કર્યું છે. ઉપરાંત શંકાસ્પદ ડેન્ગ્યુ અને મેલેરીયાના કેસ પણ શહેરીના વિવિધ વિસ્તારોમાંથી સામે આવતા અલગ અલગ 10 જેટલી ટીમો કામે લગાડી દેવામાં આવી હોવાની માહિતી મળી રહી છે.

શહેર અને જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે પાણીજન્ય રોગચાળાએ માથુ ઉચક્યું છે. સિવિલ હોસ્પિટલમાં જ તાવ, ઝાડા ઉલટીના દર્દીઓનો વધારો થતા સિવિલ હોસ્પિટલના મેડિસીન વિભાગના વોર્ડ ફુલ થઈ જતા દર્દીઓને નીચે સુવડાવવાની તેમજ એક પલંગ પર બે-બે દર્દીઓને દાખલ કરવાની ફરજ પડી હતી. પાણીજન્ય રોગચાળાના કારણે દર્દીઓની સંખ્યામાં થયેલા વધારાને પગલે આખરે સિવિલના ચોથા માળે વધારાનો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. સિવિલમાં ચોથા માળે એફ-૪ વોર્ડમાં વધારાનો મેડિસીન વોર્ડ શરૂ કરવાની સાથે ત્યાં વધારાના દર્દીઓને શીફ્ટ કરી દેવાયા છે.

પાંડેસરામાંથી વધુ કેસ સામે આવતાં સર્વે
પાલિકાના આરોગ્ય વિભાગને ઝાડા ઉલટીના 4 કેસ મળી આવ્યા હતા. જે તમામ ઉધના ઝોનમાં પાંડેસરા વિસ્તારના હતા. આ જ રીતે 4 કેસ શંકાસ્પદ ડેંગ્યુના હતા. જેમાં 2 અઠવા ઝોન અને 2 ઉધના ઝોનના હતા. જ્યારે 2 કેસ મેલેરીયાના હતા જેમાંથી 1 કેસ અઠવા ઝોનમાંથી અને 1 કેસ કતારગામ ઝોનનો હોવાનું સામે આવ્યું હતું. જેથી પાલિકાના આરોગ્ય વિભાગે આ તમામ 10 દર્દીઓના રહેઠાણની આસપાસ 10 ટીમ મોકલી સર્વે કરવાની સાથે પાણીનાં સેમ્પલ પણ લેવામાં આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...