પાલિકા વોટર મીટર બેઝ પર પાણી સપ્લાય પેટે ધારક પાસેથી દર મહિને-બે મહિને બિલ વસૂલે છે. જોકે જાન્યુઆરી-2022થી બિલ જનરેટ કરતી એજન્સીની ટેન્ડર અવધી પૂર્ણ થતાં નવી એજન્સી નિમવામાં વિલંબ થતા બિલ જનરેટ થઇ શક્યા નથી. જેથી બાકી નીકળતાં લેણાં 5 ડિજીટમાં થઇ ગયા છે.
એક અંદાજ મુજબ પ્રત્યેક ઝોનમાં બિલ પેટે વર્ષે 3 કરોડની સરેરાશ ડિમાન્ડ છે, જે મુજબ 9 ઝોનમાં 27 કરોડથી વધુની બાકી બોલાઇ રહી છે. હવે બિલ કાઢવાની પ્રક્રિયા એકસાથે શરૂ થશે તો ધારકો પર મસમોટો આર્થિક બોજો આવી શકે છે. આવું કેમ થયું તે અંગે હાલ પાલિકા કંઇ કહેવા તૈયાર નથી છતાં નવી એજન્સી નિમવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોવાનું રટણ ચલાવ્યું હતું.
2 વાર ક્રાઇટેરિયા બદલવા છતાં 7 પ્રયાસે પણ એજન્સી ન મળી
નવી એજન્સી નિમવાની કામગીરી ટેન્ડર પ્રક્રિયામાં અટવાઈ ગઈ છે. સેન્ટ્રલ, ઉધના, લિંબાયત અને વરાછા-બી ઝોનમાં કોઈ એજન્સીએ રસ લીધો નથી. 7માં પ્રયાસ બાદ 2 વખત ક્રાઇટેરિયા બદલ્યા છતાં કોઇ એજન્સી આગળ આવતી નથી. રાંદેર-અઠવા ઝોનમાં એજન્સી મળી તો પ્રોગ્રામ તૈયાર નથી.
ઍસેસમૅન્ટ અને રિકવરીનું ભારણ ટેક્નિકલ સ્ટાફ પર
વોટર મીટર લગાડવાની કામગીરી હાઇડ્રોલિક ઇજનેરોને સોંપાઇ છે. જોકે આ ટેક્નિકલ સ્ટાફ પાસે ઍસેસમૅન્ટ અને બિલ રિકવરી જેવી કામગીરીનું પણ ભારણ થોપી દેવાયું છે. જેથી રોષ ફેલાયો છે. આ માટે અલાયદું મહેકમ ઊભું કરવા મે મહિનાથી ડિમાન્ડ કરવા છતાં કોઇ નિર્ણય લેવાયો નથી.
ચૂંટણીની આચાર સંહિતાના લીધે કામગીરી લંબાઈ ગઈ
હાઇડ્રોલિક વિભાગે કહ્યું કે, નવી એજન્સી નિમવાની પ્રક્રિયા આચાર સંહિતામાં લંબાઈ હતી. બીડરોએ ભાવ વધારો માંગ્યો હોય તેવા કિસ્સામાં ટેન્ડર દફતરે કરવા પડ્યા હતાં. હજુ પણ 9 ઝોનમાં બિલ સાઇકલ પ્રમાણે નવા બિલ કાઢવાની પ્રક્રિયા થઈ શકી નથી.
ગત જાન્યુઆરી માસથી દરેક ઝોનમાં બિલ કાઢી શક્યા નથી
જાન્યુઆરી-2022 બાદથી દરેક ઝોનમાં વોટર મીટર બિલ કાઢવાની પ્રક્રિયા અટકી પડી હતી. વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ કહ્યું કે, ચૂંટણી પહેલા જો વોટર બિલના બાકી લેણાં ધારકોને આપવામાં આવતે તો ચૂંટણીનો માહોલ બગડવાની સંભાવના હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.