સુરતમાં પાડંસેરા જીઆઈડીસીની આરમો કંપનીની નજીક એક યુવકને બાંધીને જ્વલનશીલ પદાર્થ નાખી માર મારવામાં આવતા ચર્ચાનો વિષય બન્યો છે. યુપીમાં મામાની હત્યાની અદાવતમાં આરોપીઓએ યુવક ઉપર જ્વલનશીલ પદાર્થ નાખી 'ઈસ બાર બચ ગયા હૈ, અગલી બાર માર દેંગે' તેમ કહી ચારેય હુમલાખોરો ભાગી ગયા હતા. જ્વલનશીલ પદાર્થથી થયેલા હુમલામાં ગંભીર રીતે દાઝી ગયેલા યુવકને 108ની મદદથી સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયો છે. પાંડેસરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
યુવક ગંભીર રીતે દાઝી જતા સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયો
પાંડેસરા પોલીસે જણાવ્યું હતું કે, વડોદ ગુરુકૃપા નગર લાલધારીના મકાનમાં રહેતાં રાજેશ ગોપાલ રાયદાસને આરમો કંપની નજીક ચાર ઈસમોએ બાંધીને જ્વલનશીલ પદાર્થ નાખી સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલામાં રાજેશ ગંભીર રીતે દાઝી જતા સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયો છે. હુમલા પાછળ 5 મહિના પહેલા વતન યુપીમાં થયેલી હત્યાની અદાવત હોવાનું સામે આવ્યું છે. ચારેય હુમલાખોરો યુપીના હમીરપુર જિલ્લાના વતની અખિલ સુમેર રાયદાસ, શ્યામ સુમેર રાયદાસ, શિવમકુમાર રાયદાસ, પ્રમોદકુમાર રાયદા(રહે.પટેલનગર હિરાનગર) હોવાનું સામે આવ્યું છે.
પીડિત યુવકના મોટાભાઈએ કરેલી હત્યાની અદાવતમાં હુમલો
પાંડેસરા પોલીસે વધુમાં જણાવ્યું હતું કે મોત સામે લડી રહેલા રાજેશ રાયદાસના મોટાભાઈએ વતન હમીરપુર ખાતે ગત વર્ષે હોળીના દિવસે અખિલ રાયદાસના મામા સર્વેશની હત્યા કરી નાંખી હતી. જેની અદાવત રાખી અખિલેશ રાયદાસ, શ્યામ રાયદાસ,શિવકુમાર રાયદાસ અને પ્રમોદકુમાર રાયદાસે મળી ને બદલાની ભાવનાથી રાજેશ ની હત્યાનું ષડયંત્ર કર્યું હતું. રાજેશ રાયદાસ ને રસ્તામાં આતરી જબરજસ્તીથી હાથ-પગ બાંધી માર મરાયા બાદ એસીડ જેવા જ્વલનશીલ પદાર્થ નાંખી "ઈસ બાર બચ ગયા હૈ અગલી બાર માર દેંગે" તેમ કહી ચારેય જણા ત્યાંથી નાસી છૂટ્યા હતા.
ચાર યુવકો વિરુદ્ધ ગુનો નોંધાયો
જીતેન્દ્ર વર્મા (સંબંધી) એ જણાવ્યું હતું કે ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં મળી આવેલા રાજેશને 108ની મદદથી સ્મીમેરમાં દાખલ કરાયો છે. પરિવારમાં દાદા, પિતા, બહેન અને નાના ભાઈઓ છે જેઓ વતન યુપીમાં રહે છે. પાંડેસરા પોલીસે રાજેશ રાયદાસની ફરિયાદના આધારે આ ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.