શંકામાં મર્ડર:સુરતમાં ચોર સમજી યુવકને થાંભલા સાથે બાંધી ઢોરમાર મારતા મોત, સાતની અટકાયત

સુરત14 દિવસ પહેલા
થાંભલા સાથે બાંધી યુવકને માર માર્યો હોવાનો વીડિયો સામે આવ્યો.
  • યુવકને ચોર સમજી ઢીકમુક્કી અને લાકડાના ફાટકા વડે ઢોરમાર મારી પતાવી દેવામાં આવ્યો

સુરતના સચિન વિસ્તારમાં આવેલા શ્રીરામ નગ૨માં સોમવારની મોડીરાત્રે સોસાયટીમાં આંટાફેરા મારતા યુવકને ચોર સમજી થાંભલા સાથે બાંધી ઢીકમુક્કી અને લાકડાના ફાટકા વડે ઢોરમાર મારી પતાવી દેવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે સાત ઈસમોની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોંચેલી પોલીસ યુવકને લઈને સિવિલ પહોંચી હતી. જ્યાં યુવકને મૃત જાહેર કરાયો હતો. સોસાયટીવાસીઓએ બાંધીને યુવકને ફટકાર્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે.

ચોરી કરવા આવ્યો હોવાની આશંકામાં યુવકને પકડ્યો
સચીન પોલીસે જણાવ્યું હતું કે, સચિન ગુજરાત હાઉસીંગ બોર્ડ પાસે આવેલ શ્રીરામ નગર સોસાયટીમાં ગઈકાલે રાત્રે બે વાગ્યાના આરસામાં મહારાષ્ટ્રના અમલનેરના વતની સમાધામ મગનભાઈ કોળી (ઉ.વ.22) ફરી રહ્યો હતો. આ સમયે સોસાયટીના કેટલાક લોકોએ સમાધાનને ચોરી કરવા આવ્યો હોવાની આશંકા રાખી તેને પકડી લીધો હતો. અને થાંભલા સાથે બાંધી દીધો હતો. સમાધાન હજુ કઈ બોલે અને સમજે તે પહેલા જ લોકોએ તેને ઢીકમુક્કીનો તેમજ લાકડાના ફટકાથી ઢોર માર મારતા તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું.

પરિવાર શોકમાં ગરકાવ થયો.
પરિવાર શોકમાં ગરકાવ થયો.

મૃતદેહ પોસ્ટોમોર્ટમ અર્થે ખસેડાયો
યુવકની હત્યાની જાણ થતા સચીન પોલીસ મથકના સર્વલન્સ સ્ટાફના સહિતના માણસો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસ મૃતક સમાધાનની લાશને પીએમ માટે નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસે હત્યામાં સંડોવાયેલા લોકો પૈકી સાતેક જણાને અટકમાં લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૃતક યુવક સુરતમાં એક ભાઈ, બહેન અને માતા સાથે રહેતો હતો.
મૃતક યુવક સુરતમાં એક ભાઈ, બહેન અને માતા સાથે રહેતો હતો.

ઊલટીઓ થયા બાદ યુવકનું મોત થયું
ભૂષણ દેવરે (વતનવાસી) એ જણાવ્યું હતું કે સમાધાન મહારાષ્ટ્ર અમલનેરનો રહેવાસી હતો. એક ભાઈ, બહેન અને માતા સાથે રહેતો હતો. રોજગારીની શોધમાં સુરત આવ્યો હતો. સચિનની એક સોસાયટીમાં સરનામું પૂછવા દરવાજો ખખડાવ્યો અને લોકોએ ચોર સમજી થાંભલે બાંધીને ઢોરની જેમ ફટકાર્યો હતો. કલાકો બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચતા સમાધાનને ઊલટીઓ શરૂ થઈ ગઈ હતી. સિવિલ લાવતા મૃત જાહેર કરાયો હતો.