ફોન કોલમાં અકસ્માત 'કેદ':સાપુતારામાં બસ ખીણમાં ખાબકી ત્યારે મહિલા સાથે પરિવાર વાત કરતો હતો, ઘડાકા બાદ સંભળાઈ માત્ર ચિચિયારીઓ

સુરત3 મહિનો પહેલા

સુરતથી સાપુતારાના પ્રવાસે ગયેલી શ્યામ ગરબા ક્લાસીસની 67 મહિલા મુસાફરોની બસને પરત ફરતી વેળા માલેગાંવ નજીક મોડી સાંજે અકસ્માત નડ્યો હતો. બસ 50 ફૂટ ઉંડી ખાઇમાં ખાબકી હતી. આ ઘટનામાં બે મહિલાનું મૃત્યું થયા હતા. આ અકસ્માત થયો ત્યારે સુરતથી પરિવારજનની બસમાં સવાર મહિલા સાથે ફોન કોલમાં વાત ચાલી રહી હતી. જેમાં આ અકસ્માત થયાનો અવાજ સંભળાય છે. ઘડાકા બાદ માત્ર બૂમાબૂમ અને ચિચિયારીઓ જ સંભળાઈ રહી છે.

મહિલાઓએ પરિવારજનોને અકસ્માતની જાણ કરી હતી.
મહિલાઓએ પરિવારજનોને અકસ્માતની જાણ કરી હતી.

અચાનક બનેલી ઘટનાથી વાતાવરણ ચિચિયારીથી ગૂંજી ઉઠ્યું
સુરતના અડાજણના શ્યામ ગરબા ક્લાસીસની મહિલાઓએ સાપુતારા પ્રવાસનું આયોજન કર્યું હતું. જેને લઇ વહેલી સવારથી તેઓ સુરતથી સાપુતારા રવાના થયા હતા. સાંજના સમયે પ્રવાસ પૂર્ણ કરી તેઓ સુરત પરત થઇ રહ્યાં હતા ત્યારે માલેગાંવ નજીક બસ (GJ-02-W-0150) ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. માલેગાંવ નજીક બસ ઉંડી ખીણમાં ખાબકી હતી. અચાનક બનેલી આ ઘટનાથી વાતાવરણ ચિચિયારીથી ગૂંજી ઉઠ્યું હતું. ઘટનાની જાણ થતાં જ આસપાસના વિસ્તારના લોકો ઘટના સ્થળે ધસી આવ્યા હતા અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108માં સારવાર અર્થે સામગહાન પીએચસીમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

બસ 50 ફૂંટ ઉંડી ખીણમાં ખાબકી હતી.
બસ 50 ફૂંટ ઉંડી ખીણમાં ખાબકી હતી.

3થી વધુ મહિલાઓને ગંભીર ઇજા
આ ઘટનામાં બે મહિલા મુસાફરના મોત થયા હતા. કુંદનબેન સાપલિયા અને સોનલબેન ઘાવડાના મોત થયા હતા. આ ઘટનામાં 3થી વધુ મહિલાઓને ગંભીર ઇજા પહોંચી છે. જ્યારે અન્ય તમામ મહિલાઓને નાની મોટી ઈજાઓ થવા પામી હતી.

સુરત ખાતે પરિવારજનો ચિંતાતુર.
સુરત ખાતે પરિવારજનો ચિંતાતુર.

ફોન કોલના અંશો

બસમાં સવાર મહિલાઃ હા બોલો
પરિવારજનઃ શું થયું?
બસમાં સવાર મહિલાઃ કંઈ નહીં આ સાપુતારાથી ઉતરીએ છીએ.
પરિવારજનઃ જમવાના ક્યારે?
બસમાં સવાર મહિલાઃ હજુ જમવા લઈ જશે
પરિવારજનઃ હજુ તો તમારે નીચે ઉતરતા અડધો કે એક કલાક થઈ જશે
પરિવારજનઃ હેલો...હેલો..
બસમાં સવાર મહિલાઓઃ એ...એ...એ.. એ....
19 સેકન્ડ સુધી માત્ર બૂમો અને ચિચિયારીઓ જ સંભળાઈ ત્યારબાદ કોલ કટ થઈ ગયો