દીદી MISS U:ફેનિલને ફાંસીની સજા બાદ ગ્રીષ્માના ભાઈએ હૃદયદ્રાવક વીડિયો શેર કર્યો, લખ્યું- આરોપી એક જ વાર મરશે, પણ પરિવાર પુત્રીની યાદમાં ઝૂરતો રહેશે

સુરત8 દિવસ પહેલા
  • ગ્રીષ્માની હત્યાના 82 દિવસમાં ફેનિલને ફાંસીની સજા

સુરતના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં થયેલી હત્યામાં દોષિત ફેનિલ ગોયાણીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. ત્યારે ફેનિલને સજા બાદ ગ્રીષ્માના ભાઈ ધ્રુવે સોશિયલ મીડિયા પર એક હૃદયદ્રાવક વીડિયો શેર કર્યો છે. વીડિયોની સાથે લખ્યું છે કે આરોપીને ફાંસીની સજા થઈ...એક જ વાર મરશે, પરંતુ પરિવાર રોજ પુત્રીની યાદમાં આંસુઓ સાથે ઝૂરશે.

ગીત સાથે વીડિયો શેર કર્યો
ગ્રીષ્માના ભાઈ ધ્રુવ વેકરિયાએ સોશિયલ મીડિયામાં ગ્રીષ્માની યાદમાં વીડિયો શેર કર્યો છે, જેમાં તેરી લાડકી મૈં.. ગીત પર ગ્રીષ્મા સાથેની ભાઈ, માતા-પિતા અને પિતરાઈ ભાઈ-બહેનોની તસવીરો વીડિયોમાં એડ કરી છે. આ સાથે એક હૃદયદ્રાવક મેસેજ પણ લખ્યો છે.

ગ્રીષ્માને કપડાંનો ખૂબ જ શોખ હતો.
ગ્રીષ્માને કપડાંનો ખૂબ જ શોખ હતો.

ભાઈએ ગ્રીષ્માને બચાવવાનો પ્રયાય કર્યો હતો
ગત 12 ફેબ્રુઆરીના રોજ ફેનિલ જ્યારે ગ્રીષ્માનો મારવા માટે પહોંચ્યો હતો ત્યારે ધ્રુવ જ ગ્રીષ્માને બચાવવા માટે પહોંચ્યો હતો, જેમાં તેને પણ ફેનિલે ચપ્પુનો ઘા માર્યો હતો. ત્યાર બાદ જ ફેનિલે ગ્રીષ્માનું ચપ્પુથી ગળું કાપી હત્યા કરી નાખી હતી.

ગ્રીષ્મા પરિવારની લાડકી દીકરી હતી.
ગ્રીષ્મા પરિવારની લાડકી દીકરી હતી.

ભાઈએ જ બહેનને મુખાગ્નિ આપી
15 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્માના પિતા વિદેશથી આવ્યા બાદ અંતિમયાત્રા યોજાઈ હતી. ત્યાર બાદ ભાઈના હાથે બહેન ગ્રીષ્માને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. અશ્વિનીકુમાર સ્મશાનગૃહમાં ગ્રીષ્માની યોજાયેલી અંતિમવિધિમાં સ્મશાન પણ જાણે શોક મગ્ન બની ગયું હોય એવાં દૃશ્યો સર્જાયાં હતાં. મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને બે હાથ જોડીને વિદાય આપી હતી.

ગ્રીષ્મા પરિવાર સાથે ફરવા ગઈ એ સમયની તસવીર.
ગ્રીષ્મા પરિવાર સાથે ફરવા ગઈ એ સમયની તસવીર.

ગ્રીષ્માના ભાઈની જુબાની લેવાઈ હતી
કોર્ટમાં ટ્રાયલ દરમિયાન ભાઇની જુબાની લેવાઈ હતી. સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા સમક્ષ હત્યા અગાઉનું અને હત્યા બાદનું સમગ્ર ચિત્ર ગ્રીષ્માના નાના ભાઈએ કોર્ટ સમક્ષ રજૂ કર્યું હતું. ઘટનાને શબ્દો વડે તાજી કરતાં ભાઇનું દિલ ભરાઈ ગયું હતું. તેણે કહ્યું હતું, આરોપી જ્યારે સોસાયટીના નાકે ઊભો હતો ત્યારે તેને સમજાવવા ગયો તો ચપ્પુ પેટમાં મારવા જતાં હું બચી ગયો, પછી તેણે ગ્રીષ્માને પકડી લીધી. અમે બચાવવા ગયા એ પહેલાં ચપ્પુ ફેરવી દીધું હતું.

ગ્રીષ્માની ગત 12 ફેબ્રુઆરીએ ગળું કાપી હત્યા કરાઈ હતી.
ગ્રીષ્માની ગત 12 ફેબ્રુઆરીએ ગળું કાપી હત્યા કરાઈ હતી.

ઘટના શું હતી?
સુરતમાં કામરેજના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાની એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી. ત્યાર બાદ હાથની નસ કાપી અને ઝેરી દવા પીવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગ્રીષ્માની હત્યા કરનારા આરોપી ફેનિલને હોસ્પિટલમાંથી રજા મળતાં પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં જ્યુડિશિયલ કસ્ટડીમાં ખસેડાયો હતો. ઘટના બન્યાના 82 દિવસમાં ફેનિલને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે.