ચપ્પુના ઘા ઝીંકી હત્યા:સુરતમાં સિગારેટ ન આપવાની બાબતે થયેલા ઝઘડામાં યુવકની હત્યા, એક સિગારેટ કરતાં પણ માનવીનો જીવ સસ્તો

સુરત14 દિવસ પહેલા
  • જીવલેણ હુમલા બાદ યુવકનું સારવાર દરમિયાન મોત

સુરત શહેરના ક્રાઈમ રેટમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. હવે તો નજીવી બાબતે પણ મારામારી અને હત્યાના બનાવો સામે આવી રહ્યા છે. આવો જ વધુ એક બનાવ સુરતના ઉન વિસ્તારમાંથી સામે આવ્યો છે. ગત સાત તારીખના રોજ ઉન વિસ્તારમાં બે યુવકોએ સિગારેટ ન આપવાની બાબતે ઝઘડો કરી એક યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. જેનું ત્રણ દિવસ બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જેથી પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મૃતક યુવક યુપીના અયોધ્યાનો વતની
મૂળ યુપીના અયોધ્યાનો વતની અને સુરતના ઉન પાટિયા વિસ્તારમાં શેરડીના રસની લારી ચલાવતા યુવાન ચંદ્રભાન કોરી પર ગત 7 સપ્ટેમ્બરના રોજ જીવલેણ હુમલો થયો હતો. ચંદ્રભાન કોરી ગત 7 તારીખના રોજ પોતાના નિત્યક્રમ મુજબ રાત્રે 11:00 વાગ્યાની આસપાસ લારી બંધ કરીને ઉન પાટિયાથી ભેસ્તાન તરફ પોતાના ઘરે પગપાળા જઈ રહ્યો હતો.

સિગારેટ ન આપતા યુવક પર જીવલેણ હુમલો કર્યો
ભેસ્તાન પાસે આવેલા ગોલ્ડન એપાર્ટમેન્ટ પાસે બે અજાણ્યા યુવકોએ બાઈક પર આવીને તેને આંતર્યો હતો અને ચંદ્રભાન પાસે સિગારેટની માગણી કરી હતી. જોકે ચંદ્રભવન પાસે સિગારેટ ન હોવાથી તેણે સિગારેટ આપવાની મનાઈ કરી હતી. જેને કારણે ઉશ્કેરાઈ ગયેલા બંને અજાણ્યા યુવાનોએ બાઈક પરથી ઊતરીને ચંદ્રભાનને માર માર્યો હતો અને પોતાની પાસે રહેલા તીક્ષ્ણ હથિયાર વડે ચંદ્રભાન પર ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા.

સારવાર દરમિયાન યુવકનું મોત
બંને અજાણ્યા યુવકોએ ચંદ્રભાન પર કરેલા હુમલાને પગલે તે ગંભીર રીતે ઘવાયો હતો. તેનાં આંતરડાં પણ બહાર આવી ગયાં હતાં. જોકે હુમલો કરી બંને યુવકો નાસી છૂટ્યા હતા. ત્યારબાદ આસપાસના લોકોએ ચંદ્રભાનને સારવાર અર્થે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ત્રણ દિવસની સારવાર બાદ આખરે ચંદ્રભાનનું મોત નીપજ્યું હતું. ચંદ્રભાનનું મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી
ઘટનાને પગલે પાંડેસરા પોલીસે સૌપ્રથમ બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો હતો અને તપાસ કરી રહી હતી. જોકે યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજતા પોલીસે ગુનાને વધુ ગંભીરતાથી લીધો છે. હાલ પાંડેસરા પોલીસે તાત્કાલિક હત્યાની કલમનો ઉમેરો કરીને બંને અજાણ્યા હત્યારાઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યાં છે.

અન્ય સમાચારો પણ છે...