તાપી જિલ્લાના વ્યારાના ગામમાં રહેતી પરિણીતાના પિતા પાસે લગ્ન પહેલાં જ દહેજે પેટે 4.25 તોલા સોનુ સહિત લગ્નનો ખર્ચ કરાવી પરિણીતાને નવી મુંબઈ લઈ જઈ પતિ સહિત સસારિયાએ 10 લાખના દહેજ માટે ત્રાસ આપ્યો હતો. બળજબરી દારૂ પીવડાવી સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરી નગ્ન ફોટો પાડી લીધા હતા. અન્ય યુવતીઓ સાથે આડાસંબંધ ધરાવતા નશાબાજ પતિએ પત્નીને ફોટો અને વીડિયો વાઈરલ કરી દેવાની ધમકી પણ આપી હતી. જેથી પરિણીતાએ પતિ સહિત સાસરિયાં સામે વ્યારા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
લગ્નનો તમામ ખર્ચ પણ પરિણીતાના પિતા પાસે કરાવ્યો
વ્યારામાં રહેતી 31 વર્ષીય પરિણીતાના લગ્ન 2016માં મહારાષ્ટ્રના નવી મુંબઈ ખાતે રહેતા સતલિંગ ભાલેરાવના દીકરા સતીષ સાથે થયા હતા. સતીષને કાકા અને કાકીએ દત્તક પુત્ર તરીકે રાખ્યો હતો. લગ્ન પહેલા સોનું પહેરવાનો રિવાજ હોય છે એમ કહી સાસરી પક્ષે પરિણીતાને પિતા પાસે 4.25 તોલા સોનુ લીધું હતું. આ સાથે લગ્નનો તમામ ખર્ચ પણ પરિણીતાના પિતા પાસે જ કરાવ્યો હતો.
પતિ પત્ની સાથે સતત મારઝૂડ કરતો હતો
લગ્ન બાદ સતીષ પત્નીને કાકા-કાકીના ઘરે રહેવા લઈ ગયો હતો. ત્યારબાદ તેણીને ખબર પડી હતી કે, પતિ નશાબાજ છે, દારૂ સાથે ગાંજો પણ લેતો હતો. અઠવાડિયા બાદ સતીષ બદલાઈ ગયો હતો અને વગર કામે પત્નીને મારઝૂડ કરતો હતો. જેમાં કાકા-કાકી પણ સાથ આપતા હતા. પતિ તેણી સાથે બળજબરી કરી દારૂ પીવડાવતો અને ત્યારબાદ સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરતો હતો. જોરથી માર મારી ગળું દબાવી રાખતો હતો. જોકે, સમાજમાં ઈજ્જત જવાના ડરે પરિણીતાએ પિતાને કોઈ વાત કરી ન હતી.
જ્યુસમાં વ્હિસ્કી નાખીને પીવડાવી દીધી
દિવસે દિવસે પરિણીતા પર ત્રાસ વધતો જતો હતો. સતીષ મનાલી ફરવા લઈ ગયો ત્યારે જ્યુસમાં વ્હિસ્કી નાખીને પીવડાવતા બેભાન થઈ ગઈ હતી. અન્ય બે ત્રણ યુવતીઓ સાથે સંબંધ ધરાવતો પતિ તેણીને બાથરૂમમાં સારી રીતે નાહવા પણ દેતો ન હતો, બહાર ખેંચીને કાઢતો હતો. બહાર ગામ જતો ત્યારે પત્ની પાસે વિકૃત ફોટો પડાવી મંગાવતો હતો અને ઈમોસનલ અત્યાચાર કરતો હતો.
પતિની પ્રેમિકા પણ પરિણીતાને ધમકાવતી હતી
લગ્નના ત્રણ માસ બાદ અન્ય એક યુવતી ઘરે આવી સતીષ સાથે સંબંધ હોવાનું જણાવી ધમકાવી ગઈ હતી. ત્યારબાદ સતીષે 10 લાખના દહેજની માંગણી કરી હતી અને રાત્રે ઘરની બહાર કાઢી મૂકી હતી. પરિણીતા પિતાના ઘરે ગયા બાદ પણ પતિએ ફોન પર ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું હતું. દરમિયાન પતિના કાકાએ ફોન પર જણાવ્યું હતું કે, સતિષનું બીજી યુવતી સાથે ફિક્સ થઈ ગયું છે, તારે ડિવાર્સના પેપર પર સહી કરવી પડશે. જેથી પરિણીતાએ વ્યારા મહિલા પોલીસ મથકમાં પતિ સહિત સાસરિયાં સામે શારીરિક, માનસિક ત્રાસ અને દહેજ માંગવાની ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.