તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 41 Corona Warriors Of Surat Municipality Who Died In Corona Have Not Yet Received The Assistance Of Rs 25 Lakh Announced By CM

સરકાર ખાલી વાતો કરે છે:કોરોનામાં મોતને ભેટેલા સુરત પાલિકાના 41 વોરિયરને CMએ જાહેર કરેલી 25 લાખની સહાય હજી સુધી મળી નથી, પરિવારજનોની હાલત કફોડી

સુરત2 મહિનો પહેલાલેખક: દેવેન ચિત્તે
  • કૉપી લિંક
મૃતક કોરોના વોરિયર ઈનાયત પટેલનો પુત્ર હુઝેફા પટેલ. - Divya Bhaskar
મૃતક કોરોના વોરિયર ઈનાયત પટેલનો પુત્ર હુઝેફા પટેલ.
  • મોટા ભાગના પરિવારે પોતાના મોભીને ગુમાવ્યા
  • કેન્દ્ર સરકારની પણ સહાય ચૂકવવામાં આવી નથી
  • દિવ્ય ભાસ્કર સાથે આર્થિક સ્થિતિની વ્યથા વર્ણવી

કોરોના સંક્રમણમાં સુરત કોર્પોરેશનના કર્મચારીઓએ ફરજ બજાવતાં પોતાનો જીવ ગુમાવ્યો છે એવા 45 કરતાં વધુ કર્મચારીઓની કોરોના સંક્રમણના પહેલા તબક્કામાં અને બીજા તબક્કામાં મોત નીપજ્યાં છે. ફ્રન્ટલાઈન વોરિયર તરીકે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ફરજ બજાવવા દરમિયાન કોઇપણ કર્મચારીનું નિધન થાય તો તેના માટે રૂપિયા 50 લાખ કેન્દ્ર સરકાર દ્વારા અને રૂપિયા 25 લાખ રાજ્ય સરકાર દ્વારા આપવાની જાહેરાત કરવામાં આવી હતી. અત્યારસુધીમાં કોર્પોરેશનના 4 કર્મચારીને આર્થિક સહાય મળી ચૂકી છે, પરંતુ અન્ય 41 જેટલા કર્મચારીના પરિવારને 7થી 8 મહિના થયા છતાં હજી સુધી રાજ્ય સરકારની આર્થિક સહાય મળી નથી. કોરોના સંક્રમણ દરમિયાન મોતને ભેટેલા મૃતક કોરોના વોરિયરનાં પરિવારજનોએ દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીતમાં પોતાની આર્થિક સ્થિતિની વ્યથા વર્ણવી હતી.

મૃતક પિતાના પગાર પર પરિવારના 11નું ગુજરાન ચાલતું હતું
કામરેજના ખોલવડ ખાતે રહેતા હુઝેફા ઇનાયત પટેલે જણાવ્યું હતું કે મારા પિતા ઇનાયત પટેલ હાઇડ્રોલિક વિભાગમાં બેલદાર તરીકે ફરજ બજાવતા હતા. 30 જુલાઈ 2020ના દિવસે તેમનું મોત નીપજ્યું હતું. અમારો 11 સભ્યોનો પરિવાર છે. મારા પિતાના પગાર પર અમારો પરિવાર નભતો હતો. બેલદાર તરીકે તેમનો રૂ.50 હજાર માસિક પગાર હતો. અમે ત્રણ ભાઈઓ પૈકી હું સૌથી નાનો હોવાથી ભાઈઓની સહમતીથી કોર્પોરેશન દ્વારા રહેમરાહે મારા પિતાના સ્થાને મને નોકરી આપવામાં આવી છે. મેં પોતે ડિપ્લોમા ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. હાલ નોકરી મળી છે, પરંતુ અમારી આર્થિક સ્થિતિ ખૂબ જ કફોડી બની રહી છે, કારણ કે મને નોકરી પર લીધા બાદ મારો પગાર રૂ.7500 ચૂકવવામાં આવી રહ્યો છે. મારા પિતાનો રૂ 50 હજાર પગારમાંથી અમારા પરિવારનું ભરણપોષણ થતું અને તમામ ઘરના સભ્યો સુખેથી ગુજરાન કરી લેતા હતા.

કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત પણ કરી હતી.
કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત પણ કરી હતી.

રૂપિયા ક્યારે મળશે એ અંગે કોઈ સ્પષ્ટ જવાબ મળી રહ્યો નથી
હુઝેફા ઇનાયત પટેલે વધુમાં જણાવ્યું હતું કે મારા બે મોટા ભાઈઓ મુસ્લિમ ધર્મનું ધાર્મિક શિક્ષણ લીધું હોવાથી મસ્જિદમાં કામ કરે છે, જેમને 4 -4 હજાર રૂપિયા પગાર મળી રહ્યો છે. આવી સ્થિતિમાં પરિવારનું ગુજરાન ચલાવું ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે. મારા પિતાની ફાઈલ ગાંધીનગર ખાતે મોકલવામાં આવી છે. રાજ્ય સરકારે જાહેર કરેલા 25 લાખ રૂપિયા ક્યારે મળશે એ અંગે કોઈ સ્પષ્ટ જવાબ મળી રહ્યો નથી. અધિકારીઓ પણ ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે. બીજી તરફ અમારી આર્થિક સ્થિતિ ખૂબ નબળી રહેવાથી પરિવારના ભરણપોષણ પર પણ એની માઠી અસર થઇ રહી છે. મુખ્યમંત્રી દ્વારા જાહેર કરવામાં આવેલી આર્થિક સહાય કોઈ કારણસર 7થી 8 મહિના થઇ ગયા બાદ પણ નથી મળી, એ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

પરિવારજનો ધક્કા ખાઈ રહ્યાં છે.
પરિવારજનો ધક્કા ખાઈ રહ્યાં છે.

જાહેરાત કરી દીધી, પણ આર્થિક સહાય ન આપી
કોરોના સંક્રમણ દરમિયાન કર્મચારીઓ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે મોટા ઉપાડે જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકારે તમામ કર્મચારીઓના ગ્રુપ ઇન્શ્યોરન્સ વીમા કંપની પાસેથી લીધા હતા, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે કેન્દ્ર સરકારે 24 માર્ચ 2021 દરમિયાન પોલિસીની મુદત પૂર્ણ થઇ હતી ત્યાર બાદ કેન્દ્ર સરકારે પ્રીમિયમ ભરવાનું બંધ કરી દીધું હતું. બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રીએ મૃત્યુ પામેલા કર્મચારીઓને 25 લાખ ચૂકવવાની જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકારની સહાય ચૂકવાઇ નથી, પરંતુ હજી સુધી રાજ્ય સરકારની જાહેરાત કરવામાં આવેલી રકમ પણ ચૂકવવામાં આવી નથી.

41 પરિવાર સહાયની આશા લઈને બેઠા છે
41 જેટલા પરિવારો મુખ્યમંત્રી દ્વારા કરાયેલી જાહેરાતની રકમને આશા લઈને બેઠા છે. મોટા ભાગના પરિવારે પોતાના મોભીને ગુમાવ્યા બાદ આર્થિક સંકટમાં આવી ગયા છે. સરકારે કરેલી જાહેરાતની રકમ આપવામાં કેમ વિલંબ થઈ રહ્યો છે એને લઈને પરિવારને કોઇ ચોક્કસ જવાબ આપવામાં આવી રહ્યો નથી, જેને કારણે પરિવારના લોકોની મૂંઝવણ દિવસે ને દિવસે વધી રહી છે. કોરોના સંક્રમણ દરમિયાન નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ અદા કરતા પરિવારે પોતાના સ્વજન ગુમાવ્યા છે. આવી સ્થિતિમાં સરકારે સંવેદનશીલતા દાખવીને પરિવારોને આર્થિક સ્થિતિમાંથી ઉગારી લેવાની તાતી જરૂરિયાત જણાઈ રહી છે.