સરથાણામાં થયેલી રૂપિયા 73 લાખની ચીટિંગના કેસમાં ટ્રાયલ દરમિયાન પોતાની જુબાની માટે કોર્ટમાં હાજર નહીં રહેતા એક સમયના સરથાણા પીઆઇ આર.એમ. સરોદે સામે કોર્ટે આખરે ધરપકડ વોરન્ટ ઇશ્યૂ કર્યું છે. પીઆઇ સામે અગાઉ બેલેબલ વોરન્ટ ઇશ્યૂ કરવામાં આવ્યુ હતંુ. તેમ છતાં તેઓ હાજર રહ્યા નહતા. મૂળ ફરિયાદીના વકીલ પિયુષ માંગુકિયાનું કહેવુ છે કે, સમગ્ર ઘટનાના ફૂટેજ જે પેનડ્રાઇવમાં હતા તે પણ પીઆઇએ કોર્ટમાં રજૂ કર્યા ન હતા.
સરથાણાની સોના- ચાંદીની દુકાનધારક પાસેથી આરોપી બહાદુર દુધાત રૂ.73 લાખનું સોનુ લઇ ગયો હતો અને બાદમા મોબાઇલ ફોન બંધ કરીને ફરાર થઇ ગયો હતો. આ કેસની સુનાવણી કોર્ટમાં ચાલી જતા તપાસકર્તા અધિકારીએ ચાર્જશીટ રજૂ કરી હતી. ટ્રાયલ અગાઉ પીઆઇની બદલી થઈ ગઈ હતી અને જુબાની માટે તેને વારંવાર બોલાવવામાં આવ્યો હોવા છતાં પીઆઇ કોર્ટમાં આવ્યા ન હતા. કોર્ટે બેલેબલ વોરન્ટ ઇશ્યૂ કર્યો છતાં પીઆઇ આવ્યા ન હતા અને છેવટે કોર્ટે નોન બેલેબલ વોરન્ટ ઇશ્યૂ કરવાની ફરજ પડી હતી.
પુરાવાના કાગળો સહિતની વિગતો રજૂ ન કરી
ફરિયાદ પક્ષ કહે છે કે ચિટિંગની જે સમગ્ર ઘટના બની છે તેમાં મહત્વની કહી શકાય એવી પેનડ્રાઇવ ખુદ ફરિયાદીએ પોલીસને આપી હતી. આ પેનડ્રાઇવમાં આરોપી સહિતની વિગતો હતી, પરંતુ આ પેનડ્રાઇવ અને કેટલાંક કાગળો કોર્ટ સમક્ષ રજૂ જ કરવામાં આવ્યા ન હતા.
ફરિયાદ પક્ષને શંકા છે કે આ પુરાવાઓ ખોઇ નાંખવામાં આવ્યા છે. એટલે જ પીઆઇ કોર્ટ સમક્ષ હાજર થતા નથી. હવે નોંધનીય છે કે ધરપકડ વોરન્ટ ઇશ્યુ થયા બાદ પીઆઇ જાતે હાજર થશે કે પોલીસ પકડીને લાવશે એ જોવા જેવું રહેશે. ધરપકડ વોન્ટ એટલે કે નોન બેલેબલ વોરન્ટ ઈશ્યૂ થતાં હવે પીઆઇએ જામીન પર છુટકારો મેળવવો પડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.