પાલિકાના વૉર્ડ નં-20 ખટોદરા-મજૂરા-સગરામપુરાના કોર્પોરેટર જયેશભાઇ જરીવાલાનું ગઇ તા. 22મી મે-2022ના રોજ હાર્ટએટેકના લીધે અવસાન થયું હતું. જેના લીધે વૉર્ડ નં-20માં કોર્પોરેટરના ખાલી પડેલા પદ માટે નિયમ પ્રમાણે 6 મહિનાની અંદર પેટા ચૂંટણી યોજવાની હતી. જોકે, હાલ સુધી આ પ્રક્રિયા પૂર્ણ થઇ શકી નથી. આ અંગે શાસક પક્ષ નેતાએ જણાવ્યું કે, પાલિકાના સેક્રેટરી વિભાગે રાજ્યના ચૂંટણી આયોગને પેટા ચૂંટણી યોજવા ત્રણ વખત રિમાઇન્ડર મોકલ્યા છે. નજીકના દિવસોમાં નિર્ણય લેવાય તેવી સંભાવના વ્યક્ત કરી હતી.
કોર્પોરેટરના અવસાનને પગલે આશરે 8 મહિનાથી તેમનું પદ ખાલી હોવાના લીધે વિકાસ કામો અટવાઈ રહ્યાં હોવાના ગણગણાટ વચ્ચે કોર્પોરેટર તરીકે ખાલી પડેલા પદ પર પેટા ચૂંટણી યોજવામાં આવી રહી નથી. નિયમ પ્રમાણે અવસાન થયા પછીના 6 મહિનાની ભીતર પેટા ચૂંટણી યોજવી પડે. જોકે, 8 મહિનાનો સમય વીતી ગયા છતાં હજુ સુધી વૉર્ડ નં-20માં ખાલી પડેલા કોર્પોરેટરના પદ માટે પેટા ચૂંટણી યોજવાનું કોઇ આયોજન હજુ સુધી નક્કી થઇ શક્યું નથી.
આ અંગે શાસક પક્ષ નેતા અમીતસિંહ રાજપૂતે કહ્યું કે, પાલિકાના સેક્રેટરી વિભાગે અગાઉ રાજ્યના ચૂંટણી આયોગને વૉર્ડ નં-20માં એક સભ્યની પેટા ચૂંટણી થકી નિમણૂંક કરવા લેખિત રજૂઆત કરી હતી. અલગ-અલગ તબક્કામાં પેટા ચૂંટણી માટે ત્રણ વખત રિમાઇન્ડર પણ કરાયું છે. જોકે, ચૂંટણી વિભાગ ગત વિધાનસભા ચૂંટણી કામગીરીઓમાં વ્યસ્ત હોવાથી આ પ્રક્રિયા નક્કી થઇ શકી ન હોવાનું જાણવા મળ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.