તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વર્ચસ્વની લડાઈ:સુમુલ ડેરીની સુરત-તાપી જિલ્લાની 14 બેઠકો પર ચેરમેન પદની ચૂંટણીનું મતદાન

સુરતએક વર્ષ પહેલા
સુરત સુમુલ ડેરી ખાતે કોવિડની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન
  • સુરત-તાપી જિલ્લાની 14 બેઠકો પર 797 મતદારો
  • ચૂંટણીમાં નિયમનું ઉલ્લંઘન કરનાર સામે પગલાં લેવાશે

સૌથી વધુ ટર્નઓવર ધરાવતી દક્ષિણ ગુજરાતની સહકારી મંડળી એવી 4500 કરોડના વહીવટના ધણી બનવા માટેની ચાલી રહેલી સુમુલ ડેરીના બે જૂથો વચ્ચે લડાઈનો આજે અંતિમ તબક્કો છે. સુમુલ ડેરીના ચેરમેન પદની ચૂંટણીનું સુરત-તાપી જિલ્લાની 14 બેઠકો પર મતદાન યોજાયું છે. આજે 797 મતદાતાઓ મતદાન કરીને ભાવિ શાસકને સત્તા અપાવશે.

કોવિડ-19ની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન
સુમુલ ડેરીના ચેરમેન પદ માટેની ચૂંટણીનું મતદાન સવારે 9 વાગ્યાથી સુમુલ ડેરી સહિતની 14 વિવિધ બૂથ પર યોજાયું છે. કોવિડ-19ની ગાઈડલાઈનનું પાલન કરવા માટે સૂચના આપવામાં આવી છે. આજે થનારી ચૂંટણીનું મત કાઉન્ટીંગ તા.9મી ઓગસ્ટે સવારે 9 વાગ્યાથી સુમુલ ડેરીમાં શરૂ કરાશે. ત્યારબાદ ત્યાં જ પરિણામ પણ જાહેર કરાશે. ઉલ્લેખનીય છે કે, કોઈ કોરોના પોઝિટિવ દર્દી જો નિયમનું ઉલ્લંઘન કરીને મત આપવા પહોંચશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે સારવારમાંથી મુક્ત થયેલા મતદાતાઓને મતદાન કરવા દેવું કે નહીં તે માટેના નિર્ણયની સત્તા પ્રિસાઈડીંગ ઓફિસરને આપવામાં આવી છે.

સત્તાધારી પક્ષના બે જૂથ સામસામે
એક માસથી સુમુલના સત્તાધારી પક્ષ એવા રાજુ પાઠક જૂથ અને માનસિંહ પટેલ-ગણપત વસાવા જૂથ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યો છે. 2 કેન્દ્રીય મંત્રી, 2 સાંસદો અને સુગર તથા સહકારી બેંકના આગેવાનો દ્વારા હાલના સત્તાધારી પક્ષ સામે ભ્રષ્ટાચારનો આરોપ મુખ્યમંત્રી વિજય રૂપાણીને કરવામાં આવ્યો હતો. તે પછી સુરત અને બારડોલીમાં ભાજપ પ્રદેશ અને જિલ્લા પ્રમુખની આગેવાનીમાં રાજુ પાઠક અને માનસિંહ-ગણપત વસાવા જૂથની સમાધાન મિટિંગો મળી હતી.

બે બેઠક બિનહરીફ, 5માં ટેકો જાહેર, ખરો જંગ 9 બેઠકો પર
ચૂંટણી ટાળી દેવા માટે હાલના સત્તાધારી પક્ષના પ્રયાસોની ચર્ચા વચ્ચે ચૂંટણી ટાળી નહીં શકાય. સુમુલની 16 બેઠકોમાંથી 2 બિનહરીફ થઈ ચૂકી છે. જ્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના પ્રયાસોથી 5 બેઠક પર સમાધાનરૂપે એક જૂથે બીજા જૂથની તરફેણમાં ફોર્મ ઉમેદવારો પાસેથી ટેકો જાહેર કરાવી દેવાયો છે. આજે ખરો જંગ 9 બેઠકો પર જોવા મળશે. જેમાં 5 બેઠક પર ભાજપ વિરુધ્ધ ભાજપ અને 4 બેઠક પર ભાજપના ઉમેદવારો અપક્ષ-કોંગ્રેસી ઉમેદવારો છે.