'આપ'ના નેતાઓની બેઠક:ગાંધીનગરની ચૂંટણીમાં મળેલા 22 ટકા મત એ વાત પુરવાર કરે છે કે ભાજપથી લોકોને અસંતોષ છેઃ કેજરીવાલ

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગરના ચૂંટણી પરિણામ બાદ દિલ્હી ખાતે અરવિંદ કેજરીવાલે આપના ગુજરાતના હોદ્દેદારો સાથે કરી બેઠક
  • કાર્યકર્તાઓએ ચૂંટણી પ્રચારમાં અથાક પરિશ્રમ કરીને 22 ટકા મત મેળવતા કેજરીવાલે અભિનંદન પાઠવ્યા

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના આવેલા પરિણામ બાદ આમ આદમી પાર્ટીના ગુજરાતના હોદ્દેદારો દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને મળવા દિલ્હી પહોંચ્યા હતા. કેજરીવાલ સાથે હોદ્દેદારોની સાંજે 4થી 6 સુધી બે કલાકની મેરેથોન મિટિંગ થઇ હતી. જેમાં અનેક મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં કેજરીવાલે જણાવ્યું હતું કે, ગાંધીનગર મહાનગરપાલિકામાં મળેલા 22% મત એ વાત પુરવાર કરે છે કે ભાજપથી લોકોને અસંતોષ છે અને આમ આદમી પાર્ટી જેવા પક્ષને વિકલ્પ તરીકે જૂએ છે.

ગાંધીનગરમાં કોંગ્રેસને માત્ર 27% ટકા જ વોટ મળ્યા
કેજરીવાલ સાથે યોજાયેલી બેઠકમાં હાજર તમામ આમ આદમી પાર્ટી ગુજરાતના હોદ્દેદારોને કેજરીવાલે સાંભળ્યા હતા. ચૂંટણી દરમિયાન તેમને થયેલા અનુભવો વિશે વિસ્તૃત વાતો કરી હતી. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 22 ટકા મત મેળવીને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને હોદ્દેદારોએ પોતાની ક્ષમતાનો પરચો આપ્યો હોવાની વાત કેજરીવાલે સ્વીકારતા તમામ હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા. કોંગ્રેસ જેવી વર્ષો જૂની પાર્ટી અને ગાંધીનગરમાં કોંગ્રેસ પોતાની મજબૂત પકડ ધરાવતી હોવા છતાં માત્ર 27% ટકા જ વોટ મેળવી શકે છે. તેની સામે આમ આદમી પાર્ટીએ માત્ર 15 જ દિવસના ગાંધીનગર મહાનગરપાલિકામાં કરેલા સખત પુરુષાર્થનું પરિણામ અને લોકોએ તેને આપેલું સ્થાનનું પરિણામ છે કે 22 ટકા જેટલા વોટ આમ આદમી પાર્ટી મેળવી શકે છે.

આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી ગુજરાતના મતદારોની પહેલી પસંદ હશે
અરવિંદ કેજરીવાલે કહ્યું કે ગુજરાતની પ્રજા સારો વિકલ્પ શોધી રહી છે. જો 15 દિવસમાં આપણે 22 ટકા મત મેળવી શકતા હોઈએ તો વિધાનસભાના ઇલેક્શન માટે હજી પણ 15 મહિના જેટલો સમય બાકી છે અને મને આશા છે કે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતની અંદર અથાક પરિશ્રમ કરીને પ્રજા સુધી પહોંચવામાં સફળતા મેળવશે. આવનાર દિવસોમાં ગુજરાતની રાજનીતિમાં ધરખમ ફેરફાર થશે એવું મારું અંગત રીતે માનવું છે અને હાલની પરિસ્થિતિ જોતા અને ચૂંટણી પરિણામો જોતા મને વિશ્વાસ છે કે આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી ગુજરાતના મતદારોની પહેલી પસંદ હશે.

આગામી 2022ની વિધાનસભાની ચૂંટણીને લઈને તૈયારી શરૂ કરવા માટેનું આયોજન કરવા માટે મિટિંગમાં ચર્ચા.
આગામી 2022ની વિધાનસભાની ચૂંટણીને લઈને તૈયારી શરૂ કરવા માટેનું આયોજન કરવા માટે મિટિંગમાં ચર્ચા.

ફરીથી મહેનત કરવા માટે આહવાન કર્યું
સુરતના આમ આદમી પાર્ટીના નેતા મહેશ સવાણીએ Divyabhaskar.com સાથે ખાસ વાતચીત કરી હતી. મહેશ સવાણીએ જણાવ્યું કે આમ આદમી પાર્ટીએ ચૂંટણીમાં જે પ્રકારે ઓછા સંસાધન હોવા છતાં પણ લોકો સુધી પહોંચવામાં સફળતા મળી છે તેના અરવિંદ કેજરીવાલે અભિનંદન પાઠવ્યા હતાં. અરવિંદ કેજરીવાલે ગુજરાતના સંગઠનની ક્ષમતા પારખીને વિધાનસભાના ઇલેક્શનમાં ખૂબ જ સારું પરિણામ લાવવા માટે ફરીથી મહેનત કરવા માટે આહવાન કર્યું હતું.

ઉદાસ થયા વગર ઉત્સાહભેર આગામી ચૂંટણી માટે સજ્જ થવા આહવાન
મહેશ સવાણીએ વધુમાં જણાવ્યું હતું કે, સત્તા પક્ષને લઈને પ્રજામાં ખૂબ જ રોષ છે. વિશેષ કરીને ગુજરાતની પ્રજા હવે પરિવર્તન ઇચ્છે રહી છે માટે વિધાનસભામાં સમગ્ર ગુજરાતના લોકો સુધી પહોંચીને આમ આદમી પાર્ટી પ્રામાણિકતા અને નિષ્ઠાપૂર્વક સેવા કરવા માંગે છે, એ સંદેશો પહોંચાડવાનો છે. તેમણે આગામી 2022ની વિધાનસભાની ચૂંટણીને લઈને તૈયારી શરૂ કરવા માટેનું આયોજન કરવા માટે કહ્યું છે. જરાં પણ ઉદાસ થયા વગર એટલા જ ઉત્સાહભેર આગામી વિધાનસભાની ચૂંટણી માટે સંગઠન વધુ મજબૂત કરવા અને પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે તમામ કાર્યકર્તાઓ અને નેતાઓ સજ્જ થઈ જવા માટે કહ્યું હતું.

ગુજરાતની પ્રજાની અપેક્ષા પૂરી કરવા માટે પ્રયાસ કરશે
મહેશ સવાણીએ વધુમાં જણાવ્યું હતું કે, બે કલાક સુધી કેજરીવાલે બેઠકમાં હાજર તમામ હોદ્દેદારોને ખુબ જ શાંતિથી સાંભળ્યા હતા. દરેકના પ્રશ્નોના ઉત્તર તેમણે ખૂબ જ વિસ્તૃત રીતે આપ્યો હતો. આમ આદમી પાર્ટીએ ગાંધીનગર મહાનગરપાલિકામાં જે રીતે તનતોડ મહેનત કરી છે. તેવી જ રીતે વિધાનસભામાં પણ આમ આદમી પાર્ટીનું સંગઠન ઝંપલાવીને ગુજરાતની પ્રજાની અપેક્ષા પૂરી કરવા માટે પ્રયાસ કરશે.