તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિંસક વિરોધ:તાપીના ડોસવાડામાં હિંદુસ્તાન ઝીંક કંપનીના વિરોધમાં હિંસક પ્રદર્શન, પોલીસ પર પથ્થરમારો, ટીયર ગેસના સેલ છોડાયા

તાપી22 દિવસ પહેલા
રોષે ભરાયેલા લોકોએ પોલીસ વાહનો પર પથ્થરો ફેંક્યાં હતાં.
  • પ્રદૂષણ તેમજ જમીનના હક્કોના મામલે ઉગ્ર વિરોધ પ્રદર્શન

રાજ્યના આદિવાસી જિલ્લા તાપીમાં હિંદુસ્તાન ઝીંક કંપની મામલે આજે ડોસાવાડામાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) દ્વારા લોક સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં આ કંપની દ્વારા ઝીંક કંપનીનો પ્લાન્ટ સ્થાપવામાં આવનાર છે. આ અંગે આજે લોક સુનાવણી હાથ ધરાઈ હતી. જોકે, આદિવાસી સમાજ દ્વારા પ્રદૂષણ તેમજ જમીનના હક્કોના મામલે આજે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને સુનાવણી મોકૂફ કરવાની માંગ કરવામાં આવી હતી.હિંસક પ્રદર્શનમાં પોલીસ પર પથ્થરમારો કરવાની સાથે ગાડીઓ ઉંધી વાળી દેવાતા એક પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયો છે. પોલીસે ટોળાને કાબૂમાં લેવા ટીયરગેસના સેલ છોડ્યાં હતાં.

લોકોએ પોલીસની ગાડી પર પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.
લોકોએ પોલીસની ગાડી પર પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

પોલીસનો લાઠી ચાર્જ
ઝીંક કંપનીના વિરોધમાં આદિવાસી પ્રજા હિંસક વિરોધ કર્યો હતો. બેકાબૂ બનેલા ટોળાને વિખેરવા માટે પોલીસે લાઠી ચાર્જનો સહારો લીધો હતો. જોકે, લોકોમાં એટલો બધો આક્રોશ હતો કે, પોલીસની ગાડીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.બેકાબૂ ટોળાને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના રાઉન્ડ છો઼ડ્યા હતાં. ત્યારબાદ પોલીસ પર પથ્થરમારો થતા પોલીસની ગાડી ઉંધી વાળી દેવામાં આવી હતી. રસ્તા પર હજારોની સંખ્યામાં ઉતરી આવેલા ટોળાએ ઉગ્ર વિરોધ કર્યો હતો.

પોલીસ કર્મચારીને પથ્થર વાગતા ઈજાગ્રસ્ત થયો હતો.
પોલીસ કર્મચારીને પથ્થર વાગતા ઈજાગ્રસ્ત થયો હતો.

અફરાતફરી સર્જાઈ
આદિવાસીઓની માંગ હતી કે જીપીસીબીની લોક સુનાવણી મોકૂફ રાખવામાં આવે અને આ વિસ્તારમાં પર્યાવરણને નુકસાન પહોંચે નહીં એટલે આ પ્લાન્ટ અહીંયા સ્થાપવામાં ન આવે. જોકે, મામલો થાળે ન પડતા હિંસક પ્રદર્શન થયું હતું.એક બાજુ રાજ્યમાં માંડ માંડ કોરોનાના કેસ કાબૂમાં આવી રહ્યા છે ત્યારે હજારોની સંખ્યામાં લોકો એકઠા થતા સોશિયલ ડિસ્ટન્સનો નર્યો ભંગ થયો હતો. જ્યાં જુઓ ત્યાં અફરાતફરાની દૃશ્યો સર્જાયા હતા.

લોકોએ રસ્તા પર ઉતરીને હિંસક દેખાવો કર્યા હતાં.
લોકોએ રસ્તા પર ઉતરીને હિંસક દેખાવો કર્યા હતાં.

પોલીસ બંદોબસ્ત વધારી દેવાયો
સંભવિત વિરોધના પગલે પોલીસે પણ અગાઉથી મોટો બંદોબસ્ત રાખ્યો હતો છતાં પોલીસ સાથે આદિવાસી સમાજના ઘર્ષણના ભારે દૃશ્યો સામે આવ્યા હતા.જોકે, આદિવાસી સમાજ દ્વારા આ વિરોધ અને બહિષ્કાર કરાતા તંત્ર દ્વારા આ સુનાવણી મોકૂફ રખાઈ હોવાનું સુમાહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું પરંતુ જીપીસીબીના અધિકારીઓએ આ અંગે કઈ પણ કહેવાનું ટાળ્યું હતું. તો તાપી જિલ્લાના નવનિયુક્ત કલેકટર પણ આ અંગે કઈ સત્તાવાર નિવેદન આપ્યું નહોતું.

વિરોધ પ્રદર્શનમાં મહિલાઓ પણ જોડાઈ હતી.
વિરોધ પ્રદર્શનમાં મહિલાઓ પણ જોડાઈ હતી.

માઈન્સનો પણ વિરોધ થયેલો
ઉલ્લેખનીય છે કે ઝીંક કંપનીનો એક પ્લાન્ટ આવો રાજસ્થાનના ઝાવર માઇન્સમાં પણ આવેલો છે. અહીંયા પણ આવો વિરોધ અગાઉ થયો હતો પરંતુ આજે તેના વિકાસના દૃશ્યો જોતા તમને લાગશે નહીં કે ખરેખર આ રણપ્રદેશમાં ડુંગરાળ વિસ્તારનો ભાગ છે. આવી કંપનીઓનાં આવવાથી સ્થાનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થાય છે તેમાં પણ બે મત નથી.

જનતાનો પ્રચંડ વિરોધ
સોનગઢના ડોસવાડા ગામે હિંદુસ્તાન ઝિંક લિમિટેડ દ્વારા મોટા ખર્ચ સાથે કારખાનું શરૂ કરવા માટે ગુજરાત સરકાર સાથે એમઓયુ કરાયા હતા, જેની લોક સુનાવણીનો કાર્યક્રમ તાપી કલેકટર અને જીપીસીબીના અધિકારીની હાજરીમાં શરૂ કરાઇ હતી. જો કે ત્યાં ઉપસ્થિત જુદા જુદા સંગઠનના સભ્યો અને આગેવાનોએ પ્રોજેક્ટનો વિરોધ કરી સૂત્રોચ્ચાર કરતા એકાદ કલાકની મથામણ બાદ લોક સુનાવણી મોકૂફ રાખવાની જાહેરાત જીપીસીબી દ્વારા કરાઇહતી. આ જાહેરાત બાદ સ્થળ પર ઉપસ્થિત લોકો સુનાવણી કેન્દ્રની બહાર નીકળવા માંડ્યા હતા. કેટલાક લોકો નજીક આવેલ નેશનલ હાઇવે પર બેસી ગયા હતા, અને ચક્કાજામ કરી દેતા હાઈવે પર વાહનોની લાંબી કતાર થઈ ગઈ હતી. પોલીસે હાઇવે ખોલાવવાના પ્રયાસમાં હળવો લાઠીચાર્જં કરતા રોડની આસપાસ ઉભેલા લોકોએ રસ્તા નજીક પડેલા પત્થરો ઉંચકી પોલીસ પર ફેંકવાનું શરૂ કર્યું હતું અને નાસભાગ મચી હતી.આખરે પોલીસે ટિયરગેસ નો મારો ચલાવી સ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો. એકાદ કલાક ના સમયગાળા સુધી પોલીસ અને તોફાનીઓ વચ્ચે ઘર્ષણ ચાલ્યું હતું બાદમાં ટોળા વિખેરાઈ ગયા હતા.

પથ્થરમારામાં નવસારી DYSP ઈજાગ્રસ્ત
ડોસવાડા ખાતે પોલીસ પર થયેલા પથ્થરમારામાં એસસી એસટી સેલના ડીવાયએસપી બી બી મોરી ને પગમાં પત્થર વાગતાં ઇજા થઇ હતી.એ સાથે જ એક પોલીસકર્મીના માથામાં ગંભીર ઇજા થઇ હતી જ્યારે નવસારી ના જ એક મહિલા પોલીસ ને પણ ઇજા થતા એમને પણ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.એ સિવાય પણ અન્ય કેટલાક પોલીસકર્મીઓ ને નાની મોટી ઇજા થઇ હતી.

પહેલા કહ્યું સુનાવણી પૂર્ણ, બાદમાં કહ્યું મોકૂફ રખાઇ
​​​​​​​લોક સુનાવણી દરમિયાન સરપંચો સહિત ના આગેવાનો એ સુનાવણી રદ કરવાની સતત માંગણીઓ કરતા અંતે જિલ્લા કલેકટરે આજની લોક સુનાવણી અહીં પૂરી થઇ છે એવું જાહેર કર્યું હતું.જો કે સુનાવણી થઇ નથી તો પૂર્ણ કઈ રીતે થઈ એવાં સવાલો સાથે ફરી વિરોધ થતાં આખરે જીપીસીબીના અધિકારી એ સુનાવણી મોકૂફ રાખવાની જાહેરાત કરતા મામલો ઠેકાણે પડ્યો હતો.

અગાઉ 15 ગામના સરપંચે ઠરાવ રદ કરવા કહ્યું હતું
આ લોક સુનાવણી દરમિયાન અધિકારીઓ દ્વારા લોકોની જે કઈ રજૂઆત હોય એ સાંભળવા માટે ની તૈયારી દર્શાવી હતી અને એ સંદર્ભે કાર્યવાહી કરવા આશ્વાસન આપ્યું હતું.આ બાબતે જ્યાં કારખાનું આવવાનું છે એવાં ડોસવાડા ગામ ની આસપાસ આવેલ 15 ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચોએ ગ્રામ સભામાં ઠરાવ કરી સરકારે કંપની સાથે કરેલ કરાર રદ કરવાની માંગ સાથે નો પત્ર અધિકારીઓને સોંપવામાં આવ્યો હતો.