તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:સુરતમાં તાપી નદી પરનો કોઝ વે ઓવરફ્લો થતાં મોટી સંખ્યામાં લોકો લટાર મારવા નીકળતા સોશિયલ ડિસ્ટન્સનો ભંગ

સુરત4 મહિનો પહેલા
રવિવારની રજામાં સુરતીઓ જાણે મોજ-મસ્તી સાથે નિયમ ભંગ કરી ટહેલતા જોવા મળ્યા હતાં.
  • ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા કોઝ વે ઓવરફ્લો થતાં લોકો મજા માણવા આવ્યા

સુરત શહેરમાં ધીરે ધીરે કોરોના સંક્રમણ ઉપર અંકુશ આવવાના સમાચાર વહેતા થતાંની સાથે જ લોકો ફરી ગંભીર રહેવાને બદલે બેદરકારી દાખવી કોરોના ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરતા જોવા મળી રહ્યા છે. તાપી નદી પરના વિયર કમ કોઝવે પર લોકો મોટી સંખ્યામાં લટાર મારવા નીકળી પડ્યા હતાં. રવિવારની રજામાં સુરતીઓ જાણે મોજ-મસ્તી કરવાના મૂડમાં હોય તેમ વિયર કમ કોઝ -વે પર મિત્રો સાથે ફરી રહ્યા હતાં. સુરતીઓ સ્વભાવ પ્રમાણે હરવા-ફરવાનું અને મોજમસ્તી કરવાની તક મળે તો તેને તે જોખમ લઈને પણ એ માણી લેતા હોય છે.જે હાલના સમયમાં જોખમ કારક સાબિત થઈ શકે છે.

જોખમ ઉઠાવીને સુરતીઓએ રવિવારની રજામાં મજા માણી હોય તેવા દ્રશ્યો સામે આવ્યાં છે.
જોખમ ઉઠાવીને સુરતીઓએ રવિવારની રજામાં મજા માણી હોય તેવા દ્રશ્યો સામે આવ્યાં છે.

ઉકાઈમાંથી પાણી છોડાયુ હતુ
વહીવટી તંત્ર દ્વારા વિયર કમ કોઝવેમાં ઉકાઇ ડેમમાંથી 17000 ક્યૂસેક કરતાં વધારે પાણી છોડવામાં આવ્યું હતું. પાણી છોડાતા કોઝવેમાંથી ગંદુ પાણી ધોવાઇ ગયું હતુ અને નવા નીર કોઝવેમાં આવ્યા હતા. સામાન્ય રીતે ચોમાસા દરમિયાન ઓવરફલો થતા કોઝવે ભર ઉનાળે ઓવરફલો થઇ જતા લોકોમાં ભારે કુતૂહલ જોવા મળ્યું હતું. ચોમાસા દરમિયાન પણ જ્યારે ઉકાઈ ડેમમાં પાણીનું સ્તર વધતું હોય છે ત્યારે ઉકાઇ ડેમમાંથી છોડવામાં આવતા પાણી ને કારણે કોઝ-વે ઓવરફ્લો થઈ જતો હોય છે.તમામ કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરી દેવામાં આવતા હતા. તેમજ કોઝવેની આસપાસ પણ લોકોને ન જવા માટે ચેતવણી આપવામાં આવતી હતી. પરંતુ એવી સ્થિતિમાં પણ જોખમ ખેડીને કોઝવેના દ્રશ્યો જોવા માટે સુરતીઓ ઉમટી પડતા હતા.

તાપી નદીના કિનારે લોકો બાળકોને લઈને દોડી આવ્યાં હતાં.
તાપી નદીના કિનારે લોકો બાળકોને લઈને દોડી આવ્યાં હતાં.

બેફિકર ટોળા દેખાયા
કોરોના સંક્રમણના કેસો થોડે ઘણે અંશે ઘટી રહ્યા છે. પરંતુ જો સુરતીલાલાઓ બેફિકરાઈથી ટોળાની જેમ એકત્રિત થતા રહેશે તો ફરીથી એપ્રિલ મહિના જેવી સ્થિતિ સુરતમાં ઉભી થઇ શકે છે. કોર્પોરેશન દ્વારા અત્યારે પણ ટેસ્ટિંગની પ્રક્રિયા યથાવત રાખી છે. એવા સમયે જ્યારે થોડા પણ અનુશાસનમાં રહીને ગાઈડ લાઈનનું પાલન કરે તો શહેરની સ્થિતિ હજુ પણ સુધરી શકે છે. કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા કોઝ-વે પર લોકોની ભીડ એકત્રિત ન થાય તેના માટે પોલીસ સાથે રહીને સંયુક્ત રીતે કામગીરી બજાવવાની જરૂર જણાઈ રહી છે.