આક્રોશ:સુરતના સુંવાલી ગામ પાસે ડમ્પિંગ સાઈટ બનાવવાની હિલચાલથી ગામજનોમાં રોષ, કલેક્ટરને આવેદનપત્ર આપી યોગ્ય નિરાકરણની માગ કરી

સુરત3 મહિનો પહેલા
ગ્રામજનો દ્વારા મનપાને સુંવાલી ખાતે ડમ્પિંગ સાઈટ માટે જમીન ફાળવણીનો વિરોધ કરવામાં આવ્યો.
  • મહાનગરપાલિકા દ્વારા ડમ્પિંગ સાઈટ માટે સરકાર પાસે સુંવાલી પાસે 50 હેક્ટર જમીનની માગ કરાઈ છે

સુરત મહાનગર પાલિકા હદ વિસ્તારમાં રોજે રોજ નીકળતો સેંકડો ટન ઘન કચરાના નિકાલ માટે તંત્ર દ્વારા સુંવાલી ગામ પાસે ડમ્પિંગ સાઈટ બનાવવાની માગણી રાજ્ય સરકારના દરબારમાં હજી વિચારાધીન છે. ત્યારે હવે સુંવાલી સહિત આસપાસના ગ્રામજનો આ મુદ્દે આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. આજે સુંવાલી સહિત રાજગરી અને શિવરામપુરના ગ્રામજનો દ્વારા સુંવાલી પાસે ડમ્પિંગ સાઈટ માટે જમીન ફાળવણીની હિલચાલના વિરોધ સાથે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપીને આ સંદર્ભે યોગ્ય નિરાકરણની માગ કરી હતી.

સુંવાલી સહિત આસપાસના નાગરિકો દ્વારા વિરોધ
વિકાસની હરણફાળ દોડ ભરી રહેલા સુરત શહેરમાં ઘન કચરાના નિકાલ માટે મહાનગરપાલિકા દ્વારા આગામી 20 વર્ષની સ્થિતિને ધ્યાને રાખીને ડમ્પિંગ સાઈટ માટે રાજ્ય સરકાર સમક્ષ સુંવાલી ગામ નજીક 50 હેક્ટર જમીન તથા સુકા કચરાને પ્રોસેસ કરીને ખાતર બનાવવા માટે 25 હેક્ટર જમીનની માગણી કરવામાં આવી છે. આ સંદર્ભે સુરત મહાનગરપાલિકા તજવીજ હાથ ધરવામાં આવતાં હવે સુંવાલી સહિત આસપાસના નાગરિકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે.

સ્થાનિકો દ્વારા બેઠકોનો દૌર શરૂ કરીને લડી લેવાની તૈયારી
હાલમાં જ સુંવાલી નજીક ડમ્પિંગ સાઈટના વિરોધ સંદર્ભે સ્થાનિકો દ્વારા બેઠકોનો દૌર શરૂ કરીને આ મુદ્દે લડી લેવાની તૈયારી દાખવી હતી. જેના ભાગરૂપે આજે સુંવાલી સહિત રાજગરી અને શિવરામપુરના સરપંચો મોટી સંખ્યામાં ગ્રામજનો સાથે જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. જ્યાં તેઓએ સુંવાલી ખાતે ડમ્પિંગ સાઈટ માટે જમીન ફાળવણીના નિર્ણયનો વિરોધ કરીને આવેદન પત્ર પાઠવ્યું હતું.

ડમ્પિંગ સાઈટ બનાવવાને પગલે સ્થાનિકોના પશુપાલન-ખેતી અને માછીમારી જેવા વેપા૨-ધંધાને પણ પ્રતિકૂળ અસર પહોંચી શકે.
ડમ્પિંગ સાઈટ બનાવવાને પગલે સ્થાનિકોના પશુપાલન-ખેતી અને માછીમારી જેવા વેપા૨-ધંધાને પણ પ્રતિકૂળ અસર પહોંચી શકે.

વેપા૨-ધંધાને પણ પ્રતિકૂળ અસર પહોંચી શકે
આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર હાલ સુંવાલી અને તેની આસપાસના વિસ્તારની મોટા ભાગની જમીન હજીરાના ઉદ્યોગો માટે સંપાદન કરવામાં આવેલ છે. હવે જે બાકી રહેતી જમીન ડમ્પિંગ સાઈટ માટે ફાળવી દેવાશે તો સ્થાનિક જનતા પાસે કશું વધશે નહીં. આ સિવાય ડમ્પિંગ સાઈટ બનાવવાને પગલે સ્થાનિકોના પશુપાલન-ખેતી અને માછીમારી જેવા વેપા૨-ધંધાને પણ પ્રતિકૂળ અસર પહોંચી શકે છે.

ડમ્પિંગ સાઈટ માટે જમીન ફાળવણીનો વિરોધ
મનપા દ્વારા જે જમીન માગવામાં આવી છે તેની આસપાસ આવેલી શાળાઓમાં 3500થી વધુ બાળકો અભ્યાસ કરે છે અને જેને પગલે તેઓના સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસર થઈ શકે છે. આ સિવાય અન્ય મુદ્દાઓના આધારે ગ્રામજનો દ્વારા મનપાને સુંવાલી ખાતે ડમ્પિંગ સાઈટ માટે જમીન ફાળવણીનો વિરોધ કરવામાં આવ્યો હતો.