વિકાસની ભેટ:મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરતની મુલાકાતે, CMના હસ્તે શહેરના 115મા બ્રિજનું લોકાર્પણ, 'આપ' અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા

સુરત3 મહિનો પહેલા
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લોકાર્પણ કરાયા.
  • 1280 કરોડના કાર્યોની ભેટને વિકાસપર્વ તરીકે ઉજવાયો
  • શહેરના 115મા બ્રિજનું લોકાર્પણ કરશે

શહેરમાં મુખ્યમંત્રીના હસ્તે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રીના હસ્તે સુરત સિટીના 115માં બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ડ્રો કરવામાં આવ્યો હતો. દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ઉપર શાબ્દિક પ્રહારો કર્યા હતા. ત્યારબાદ ખજોદ ખાતે ડાયમંડ બુર્સની મુલાકાત લીધી હતી. આ સાથે ઉમરા-પાલ બ્રિજ તથા પાલિકાના સુએઝ પ્લાન્ટ સહિતના લોકાર્પણના કામો નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીના આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર પ્રહાર
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ઉપર શાબ્દિક પ્રહારો કર્યા હતા. કોરોનાકાળ દરમિયાન મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને જે સહાય આપે છે તે અંગે જે ફુલ પેજ જાહેરાતો આપી તે અંગે કહ્યું કે કેટલાક લોકો માત્ર જાહેરાતો આપી રહ્યા છે પરંતુ અમે ખરા અર્થમાં કામ કરી રહ્યા છે. માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર આ બાળકોને અમે મહિને 4000 રૂપિયા આપી રહ્યા છીએ. કોંગ્રેસ દ્વારા ભૂતકાળમાં ઘરનું ઘર આપવાની જાહેરાતો કરીને માત્ર ફોર્મ છપાવીને સંતોષ માની લીધો હતો. જ્યારે વડાપ્રધાન આવાસ યોજના અંતર્ગત અનેક લોકોને આવાસ આપીને પોતાના ઘરનું સપનું સાકાર કર્યું છે.

મુખ્યમંત્રીએ ડાયમંડ બુર્સની મુલાકાત લીધી.
મુખ્યમંત્રીએ ડાયમંડ બુર્સની મુલાકાત લીધી.

ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ બનશે
મુખ્યમંત્રીએ ડાયમંડ બુર્સની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, સૌથી મોટો સોલાર રિન્યુએબલ એનર્જી પાર્ક, સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ જેવા અનેક આયામોથી ગુજરાતની આગવી ઓળખ બની છે, એ જ રીતે હવે સુરતનું ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ બનશે. અહિયાં દેશવિદેશના ડાયમંડ વેપારીઓને વિશ્વ કક્ષાનું એક નવું વ્યાપાર કેન્દ્ર મળશે. જેનો સીધો લાભ રાજ્ય અને દેશના અર્થતંત્રને થવાની સાથે હજારો લોકોને રોજગારીના અવસરો પણ મળશે.

આવાસનું લોકાર્પણ
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જરૂરિયાતમંદોને 'ઘરનું ઘર' મળશે. જેમાં ઉત્રાણ પાવર સ્ટેશનની સામે, મોટા વરાછા ખાતે EWS-II પ્રકારના તમામ આંતરિક સુવિધાઓ સાથેના 520 આવાસો, સુમન આસ્થા એસ્સાર પેટ્રોલ પંપની બાજુમાં, ભીમરાડ ખાતે EWS-II 304 આવાસો, સુમન સંજીવની, મહિલા આઈટીઆઈની બાજુમાં, ભીમરાડ ખાતે EWS-II પ્રકારના 360 આવાસો, સુમન ભાર્ગવ, ભગવાન મહાવીર કોલેજની બાજુમાં, ભરથાણા-વેસુ ખાતે EWS-II પ્રકારના 1148 આવાસો, કતારગામમાં સુમન સારથી, રવજી ફાર્મની બાજુમાં, સિદ્ધિવિનાયક સોસાયટીની બાજુમાં, વેડરોડ ખાતે EWS-II પ્રકારના 203 આવાસો તેમજ વરીયાવમાં સુમન સાધના, શીતલ રેસિડેન્સી પાસે 518 આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી વિજય રૂપાણીનું સુરત એરપોર્ટ પર સ્વાગત કરાયું.
મુખ્યમંત્રી વિજય રૂપાણીનું સુરત એરપોર્ટ પર સ્વાગત કરાયું.

90 કરોડના ખર્ચે તૈયાર થયેલા બ્રિજનું લોકાર્પણ
બ્રિજ સિટીની ઓળખ ધરાવતા સુરત શહેરમાં 115મો અને તાપી નદી પરના 14મા પાલ-ઉમરા બ્રિજનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. અંદાજે 10 લાખ લોકોને આ બ્રિજનો ફાયદો થશે. 90 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ બ્રિજને તૈયાર થતાં 16 વર્ષ લાગી ગયા. 2005માં ઉમરા ગામથી પાલ ગામને જોડતો રિવર બ્રિજ બનાવવા નિર્ણય કરાયો હતો. ભાઠા-ઇચ્છાપોર અને હજીરાને પણ આ બ્રિજનો લાભ મળશે. તેમજ અઠવાલાઇન્સ અને પીપલોદ વિસ્તારનું અંતર ઘટશે. ડુમસ અને પીપલોદમાં અવર-જવર કરતા અંદાજે 10 લાખ લોકોને આ બ્રિજનો લાભ થશે.

પાલ-ઉમરાબ્રિજ, ગરીબ આવાસ સહિતના 1280 કરોડના વિકાસકામોનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ.
પાલ-ઉમરાબ્રિજ, ગરીબ આવાસ સહિતના 1280 કરોડના વિકાસકામોનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ.

સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નવીનીકરણ તથા ક્ષમતા વિસ્તૃતિકરણ
અમૃત યોજના અંતર્ગત કતારગામ ઝોન વિસ્તારમાં રૂા.229.80 કરોડના ખર્ચે હયાત સિંગણપોર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નવીનીકરણ તથા ક્ષમતા વિસ્તૃતિકરણ (155 એમ.એલ.ડી. ક્ષમતાથી 255 એમ.એલ.ડી. ક્ષમતા સુધી) સહિતના તથા રાંદેર ઝોન વિસ્તારમાં રૂ।.189.35 કરોડના ખર્ચે હયાત ભેંસાણ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નવીનીકરણ તથા ક્ષમતા વિસ્તૃતિકરણ (100 એમ.એલ.ડી. ક્ષમતાથી 200 એમ.એલ.ડી. ક્ષમતા સુધી) અને જહાંગીરાબાદ સુએઝ પંપીંગ સ્ટેશનના ઇલેકટ્રીકલ-મિકેનીકલ વિસ્તૃતિકરણ સહિતના પ્રકલ્પનું લોકાર્પણ કરાયું હતું.

ટર્શરી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત લિંબાયત ઝોન વિસ્તારમાં રૂા. 256.31 કરોડના ખર્ચે હયાત ડિંડોલી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નવીનીકરણ તથા ક્ષમતા વિસ્તૃતિકરણ (66 એમ.એલ.ડી. ક્ષમતાથી 167 એમ.એલ.ડી. ક્ષમતા સુધી) તથા પાંડેસરા સ્થિત ઔદ્યોગિક એકમોને ઈન્ડસ્ટ્રીયલ ગ્રેડ પાણી તૈયાર કરી પુરૂ પાડવા 40 એમ.એલ.ડી. ક્ષમતાનો ટર્શરી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરાયું હતું.

કોરોનામાં સરકારે 5 હજાર કરોડ ખર્ચ્યા
સરકારે કોરોના પાછળ લગભગ 5 હજાર કરોડ રૂપિયા ખર્ચ્યા છે. સવા આઠ લાખ લોકોને સારવાર કરીને સાજા કર્યા છે, 1 લાખથી વધુ ઓક્સિજન બેડ ઉભા કરાયા છે. સામાન્ય સંજોગોમાં જે 70 મેટ્રિક ટન ઓક્સિજન વપરાતો હતો તે હવે 1200 મેટ્રિક ટન ઓક્સિજન આપી ને લોકોના જીવ બચાવ્યા છે. વડાપ્રધાન બીજા દિવસે આવી 1 હજાર કરોડ રાહતની જાહેરાત કરી અને પૈસા પણ મળી ગયા. આપત્તિમાંથી લોકો નિકળી ગયા એની ચિંતા સરકારે કરી છે. આવા સમયે પણ વિકાસ કામો જારી રાખ્યાં છે. લગભગ 30 હજાર કરોના વિકાસ કામો છેલ્લા દોઢ વર્ષમાં થયાં છે.