અઠવા સબ રજીસ્ટ્રાર કચેરીમાં પારસીઓની કરોડોની કિંમતના દસ્તાવેજ સાથે ચેડા કરીને આચરવામાં આવેલા કૌભાંડ કેસમાં જમીનના દસ્તાવેજમાં બોગસ માલિક બનાવવામાં આવેલા છીબુ પટેલના વારસદાર આરોપી વિજય પટેલના રિમાન્ડ પૂરા થતા પોલીસે તેને જેલમાં મોકલી આપ્યો છે.
અત્યંત ટેક્નિકલી અને ઝીણવટભરી કાળજી રાખીને અઠવા સબ રજીસ્ટ્રાર કચેરીમાં રહેલા 1961ના વેસુ, સિંગાણપોર, ડુમર, ખજોદની મૂળ પારસીઓની જમીનના દસ્તાવેજ બહાર કઢાવી તેમાં ચેડા કરવામાં આવ્યા હતા. આ કૌભાંડમાં દસ્તાવેજ બહાર કાઢનાર પટાવાળા પ્રકાશ રાઠોડ અને બોગસ માલિકાના વારસદાર એવા વલસાડના વિજય પટેલની પોલીસે ઘરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા.
આજે વિજયના રિમાન્ડ પૂરા થતા પોલીસે તેને જેલમાં મોકલી આપ્યો છે. જ્યારે રિમાન્ડ પર રહેલા પ્રકાશની પૂછપરછ ચાલી રહી છે. તેની તપાસ બાદ આ દસ્તાવેજ કેવી રીતે બહાર કાઢ્યા કેટલો સમય બહાર રહ્યા અને બાઇડિંગ સહિતમાં કેટલા ફેરફાર છે તે બહાર આવવાની શક્યતા રહેલી છે.
આ કૌભાંડમાં કોઇ કચાસ નહીં રહી જાય તે માટે પોલીસ દ્વારા આરોપીઓ ઉપરાંત સાક્ષીઓના નિવેદનો લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. જો કે, આ નિવેદન બાદ મોટા માથાઓ બહાર આવી તેવી શક્યતા પણ જોવા મળી રહી છે. તેમજ આ કેસમાં હજી વધુ આરોપીને ઝડપી પાડવા અંગે પોલીસ કાર્યવાહી ચાલી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.