સ્થાનિક સ્વરાજની ચૂંટણી:સુરતમાં કાર્યકરોએ જ ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીનો ઉધડો લેતા વીડિયો વાઇરલ, કહ્યું-કાર્યકર તરીકે અમારે ઘરે ઘરે સ્લીપ જ પહોંચાડવાની

સુરત10 મહિનો પહેલા
ધારાસભ્ય સમજાવવા આવતા લોકો ઘેરી વળ્યા.
  • ચૂંટણીમાં પાર્ટીને નુકસાન નહિ થાયે તે માટે ભાજપે ડેમેજ કંટ્રોલ કરવાનું શરૂ કર્યું
  • ભાજપના કાર્યકરે અપક્ષમાંથી ઉમેદવારી કરતા ધારાસભ્ય સમજાવવા ગયા હતા

સુરતમાં હાલમાં ચાલી રહેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારોને લઈને અનેક કાર્યકર અને અનેક સમાજ ભાજપથી નારાજ છે, ત્યારે સુરતના વોર્ડ નંબર-9 રાંદેર, પાલનપુર, જહાંગીરપુરાના ભાજપના કાર્યકરો સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીનો ઉધડો લેતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. ૩૬ વર્ષથી ભાજપના કાર્યકર તરીકે અમારે સ્ટેપ્લર મારી ઘરે ઘરે સ્લીપ જ પહોંચાડવાની છે એવો આક્રોશ ધારાસભ્ય પૂર્ણેશ મોદી સમક્ષ ઠાલવવામાં આવ્યો હતો. થોડા દિવસ પહેલા ધારાસભ્ય પૂર્ણેશ મોદી કાર્યકર્તાઓને રીઝવવા ગયા હતા, ત્યારનો વીડિયો છે જે આજે વાઇરલ થયો છે.

વર્ષોથી પાર્ટી માટે કામ કરતા કાર્યકરો નારાજ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ પાર્ટી દ્વારા 3 નિયમોને લઈને ટિકિટ આપવામાં આવી છે. જેને લઈને વર્ષોથી પાર્ટી માટે કામ કરતા કાર્યકરો નારાજ થયા છે, ત્યારે આ ચૂંટણીમાં પાર્ટીને નુકસાન નહિ થાયે તે માટે ભાજપે ડેમેજ કંટ્રોલ કરવાનું શરૂ કર્યું છે. ભાજપે વોર્ડ નંબર -9 રાંદેર, પાલનપુર, જહાંગીરપુરામાં માજી કોર્પોરેટર બકુલ પટેલના પુત્ર રાજન પટેલ અને માજી કોર્પોરેટર કમલેશ સેલરના પુત્ર કૃણાલ સેલરને ટિકિટ આપી છે. આ વોર્ડમાં સામાન્ય બેઠક કણબી પટેલ સમાજના ચંદ્રેશ પટેલને ટિકિટ માંગી હતી, પરંતુ ભાજપે ટિકિટ આપી નહીં. તેથી ચંદ્રેશ પટેલે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે.

ધારાસભ્ય સામે 2 કલાક લોકોએ આક્રોશ ઠાલવ્યો.
ધારાસભ્ય સામે 2 કલાક લોકોએ આક્રોશ ઠાલવ્યો.

અપક્ષ ઉમેદવારી પરત ખેંચવા સમજાવવા પ્રયાસ
ચંદ્રશ પટેલની ઉમેદવારી પાછી ખેંચાવવા ધારાસભ્ય પૂર્ણેશ મોદી રાંદેર જઈ સમજવાનો પ્રયાસ કર્યો હતો. કણબી પટેલ સમાજના ભાજપના કાર્યકરો તથા રહીશોએ ધારાસભ્યનો બરોબરનો ઉધડો લઇ નાખ્યો હતો. દેવેશ પટેલ તથા અન્ય કાર્યકરોએ ભાજપના ધારાસભ્યને સંભળાવી દીધું હતું કે, ઉમેદવારોની પસંદગી પક્ષના સિદ્ધાંત પ્રમાણે થઇ નથી. ચારે બેઠક સામાન્ય હોવા છતાં સગાવાદના આધારે ઉમેદવાર માથે ઠોકી દેવાયા છે. જોકે વિધાનસભા અને લોકસભામાં આ કણબી સમાજ કઈ બોલ્યો નથી પણ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કાર્યકરો જેને ઈચ્છે તેમને ટિકિટ આપો જેમને કોઈ ઓળખતું નથી અને આવા ઉમેદવારોને ઠોકી બેસાડો છો, તેમને અમરે જીતાડીને મોકલવાના ના હોય.

ચંદ્રશ પટેલની ઉમેદવારી પાછી ખેંચાવવા ધારાસભ્ય પૂર્ણેશ મોદી રાંદેર જઈ સમજવાનો પ્રયાસ કર્યો હતો.
ચંદ્રશ પટેલની ઉમેદવારી પાછી ખેંચાવવા ધારાસભ્ય પૂર્ણેશ મોદી રાંદેર જઈ સમજવાનો પ્રયાસ કર્યો હતો.

35 વર્ષથી સ્ટેપ્લર મારી ઘરે સ્લીપ જ પહોંચાડવાની છે?
4માંથી 2 ઉમેવાર ને કોઈ ઓળખતું નથી. ભાજપ માટે નિષ્ઠાથી કામ કરનાર કાર્યકરને ટિકિટ આપો. 35 વર્ષથી અમારે ફક્ત સ્ટેપ્લર મારી ઘરે સ્લીપ જ પહોંચાડવાની છે ? ભાજપના કાર્યકરો તથા કણબી પટેલ સમાજના લોકોના આક્રોશને શાંત પાડવા ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ પ્રયાસ કર્યો હતો, પરંતુ લોકોએ એકધારું બે કલાક રજૂઆતો કરી આક્રોશ ઠાલવ્યો હતો. જોકે આ આક્રોશનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે, ત્યારે આજ રીતનો માહોલ મોટાભાગના વોર્ડમાં જોવા મળી રહ્યો છે.