રહીશોમાં આક્રોશ:વેસુના પામ એવન્યુની મહિલાનું ડેન્ગ્યૂથી મોત

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પામ એવન્યુની બાજુની સાઇટ પર લાંબાં સમયથી પાણીનો ભરાવો છે. - Divya Bhaskar
પામ એવન્યુની બાજુની સાઇટ પર લાંબાં સમયથી પાણીનો ભરાવો છે.
  • મચ્છરજન્ય રોગચાળો વકર્યો છતાં તંત્ર પગલાં લેતું નથી
  • પાણીના ભરાવાની ફરિયાદનો નિકાલ ન કરાતાં લોકોની સ્થિતિ કફોડી

વેસુના પામ એવન્યુ ખાતે રહેતી એક મહિલાનું ડેન્ગ્યૂમાં સપડાયા બાદ મોત નિપજ્યું છે. મહત્વની વાત એ છે કે પામ એવન્યુની નજીકમાં જ કન્સટ્રક્શન સાઈટ પર લાંબા સમયથી પાણીનો ભરાવો હોવા અંગે ફરિયાદ કરવા છતાં પાલિકાનું આરોગ્ય વિભાગ નિરસ રહ્યું અને મહિલાએ જીવ ગુમાવ્યો હોવાનો સ્થાનીકોએ રોષ વ્યકત કર્યો છે.

વેસુ વીઆઈપી રોડ પામ એવન્યુ ખાતે રહેતા મેનાદેવી અમૃતલાલ જૈન(૪૪)ને સોમવારના રોજ તાવ આવ્યા બાદ સારવાર શરૂ કરી હતી. જોકે બુધવારે તેમની તબિયત વધુ લથડી ગઈ હતી. જેથી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી તપાસ કરાવતાસારવાર શરૂ કરી હતી. જ્યાં તેમને ડેન્ગ્યૂ હોવાનું નિદાન થયું હતું. ડેન્ગ્યૂની સારવાર દરમિયાન મેનાદેવીનું મોત નિપજ્યું હતું. પામ એવન્યુના રહીશોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે નજીકમાં એક ખાનગી હોસ્પિટલનું કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે.

આ કન્સટ્રક્શન સાઈટ પર લાંબા સમયથી વરસાદી પાણીનો ભરાવો થયો છે અને તેના કારણે મચ્છરોનો ઉપદ્રવ ખૂબજ વધુ છે. જે બાબતે રહીશો દ્વારા પાલિકામાં ઓનલાઈન ફરીયાદ પણ કરી હતી. જોકે તેમ છતા પાલિકા દ્વારા કોઈ પગલા ન લેવાયા નથી અને તેના કારણે જ રહીશોનું જીવવુ દુષ્કર થઈ ગયું છે.