‘હું ચાઈનામાં હીરાનો વેપાર કરૂં છું, 60 દિવસમાં તમારા પૈસા મળી જશે’ એમ કહી વીડિયો કોલથી વાત કરી સરથાણાના હીરાના દલાલને વિશ્વાસમાં લઈ લેભાગુ દંપતી 3.16 કરોડનો હીરાનો માલ ચાઈનામાં વેચવા નામે લઈ રફુચક્કર થઈ ગયા છે. આ અંગે સરથાણાના હીરાદલાલ બ્રિજેશ મનસુખ વેકરીયાએ સરથાણા પોલીસમાં ફરિયાદ આપી છે.
પોલીસે હીરાદલાલની ફરિયાદના આધારે લેભાગુ હીરા વેપારી દેવેન્દ્રસિંઘ મદન બોરા અને તેની પત્ની અમિતા દેવેન્દ્ર બોરા (બન્ને રહે, શ્યામ લક્ઝરી એપાર્ટમેન્ટ, વેસુ) સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે. હાલમાં બન્ને વેસુનો ફ્લેટ પણ ખાલી કરીને ફરાર થઈ ગયા છે. દંપતી વિદેશમાં ભાગી ગયા હોવાની આશંકા છે.
વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, હીરાદલાલ બ્રિજેશ વેકરીયાના એક મિત્રના રેફરન્સથી આરોપી દેવેન્દ્રસિંઘએ વીડિયો કોલથી વાત કરી હતી. એટલું જ નહીં આરોપી દેવેન્દ્રસિંઘએ ચાઈનામાં હીરાનો માલ વેચી 60 દિવસમાં પેમેન્ટ કરી દેવાની વાત કરી પત્ની અમિતા હીરાનો માલ લેવા આવશે એમ કહ્યું હતું.
દેવેન્દ્રસિંઘની પત્ની હીરા દલાલની ઓફિસ પર 5મી સપ્ટેમ્બર-21 થી 24 ઓક્ટોબર-21 સુધીમાં 1335 કેરેટના હીરા રૂ. 3.16 કરોડની કિંમતના ક્રેડિટ પર લઈ ગઈ હતી. વળી આ હીરાનો માલ દલાલે બજારમાંથી અન્ય વેપારીઓ પાસેથી લઈ લેભાગુ વેપારીને આપ્યો હતો. બે મહિનામાં હીરાનું પેમેન્ટ ન આવતા દલાલે વેપારીને વીડિયો કોલ કરી ઉઘરાણી શરૂ કરી હતી.
જો કે વેપારી વાયદાઓ કરી ઉડાઉ જવાબ આપતો હતો. પછી દલાલે વેપારીની પત્ની અમિતા જ્યાં રહે છે તે ફલેટ પર તપાસ કરતા ઘર બંધ હતું. હીરાદલાલ સિવાય અન્ય વેપારીઓ પાસેથી લેભાગુ દંપતીએ કરોડોના હીરા ક્રેડિટ પર લઈ બારોબાર વેચી મારી રોકડી કરી હોવાની વાત પણ માર્કેટમાં ચાલી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.