• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Crafts Are Very Popular Among Suratis, From Kashmiri Brothers To Rajkot Couple Became A Name And Price Platform Of Hunar Hat

હુનર હાટમાં 'હુનર':કાશ્મીરી ભાઈઓથી લઈને રાજકોટના દંપતી માટે નામ અને દામ આપતું પ્લેટફોર્મ બન્યું, હસ્તકલા સુરતીઓને ખૂબ પસંદ આવી

સુરતએક મહિનો પહેલા
સુરત હુનર હાટમાં આવેલા કાશ્મીરી ભાઈઓ અને રાજકોટનું પરિવાર.
  • 8 દિવસમાં હસ્તકલાના ઉત્પાદનોનું વેચાણ કરીને રૂ.6 લાખની કમાણી કરીઃ કાશ્મીરી ભાઈઓ
  • KBCના સ્ટેજ પર અમિતાભ બચ્ચન દ્વારા રાજકોટ દંપતિની પ્રોડક્ટ્સની સરાહના કરવામાં આવી હતી

સુરતના 'હુનર હાટ'માં સરકારના 'વોકલ ફોર લોકલ' તેમજ 'આત્મનિર્ભર ભારત'ના સંકલ્પને નવી દિશા તરફ લઈ જતા દેશ-વિદેશના હુનરબાજોએ બનાવેલી માટીની વસ્તુઓ, એમ્બ્રોઈડરી, ઈન્ટીરિયર, પ્લાસ્ટિકફ્રી પેપર બેગ જેવી અનેકવિધ વસ્તુઓ સુરતીઓની પ્રિય બની છે. આ કલાકારોનું હુનર અદ્દભુત અને કાબિલેદાદ છે. આવા જ કાશ્મીરી ભાઈઓ અને રાજકોટના દંપતી માટે હુનર હાટ નામ અને દામ આપતું પ્લેટફોર્મ બન્યું છે.

સુરતના હુનર હાટમાં વિવિધ પ્રકારની પશ્મિના શાલનું વેચાણ
'હું કાશ્મીરના શ્રીનગરથી મારા ભાઈ શાકિર કરીમ સાથે અહીં સુરતમાં કાશ્મીરની જગવિખ્યાત પશ્મિના શાલ, ક્રેવ સાડી, ડ્રેસ મટિરિયલ લઈને આવ્યાં છીએ. 'હુનર હાટ'માં સુરતીઓનો ધાર્યો ન હોય એવો પ્રતિસાદ મળી રહ્યો છે. અમે 8 દિવસમાં અમારા હસ્તકલાના ઉત્પાદનોનું વેચાણ કરીને રૂ.6 લાખની કમાણી કરી છે.' આ શબ્દો છે કાશ્મીરના શ્રીનગરથી આવીને ભાગ લઈ રહેલા સ્ટોલધારક આદિલ અહમદ ડારના. 20 વર્ષીય આદિલ અહમદ તેમના મોટા ભાઈ શાકિર કરીમ સાથે સુરતના હુનર હાટમાં વિવિધ પ્રકારની પશ્મિના શાલનું વેચાણ કરી રહ્યાં છે. તેઓ આનંદ વ્યક્ત કરતાં કહે છે કે, પહેલાં અમે માત્ર કારીગર હતા, પણ હવે 'હુનર હાટ'ના માધ્યમથી અમે અમે વિશાળ બજારમાં પ્રવેશ્યા છીએ. 'હુનર હાટ' થી અમને ખબર પડી કે બજારમાં શું ચાલી રહ્યું છે. લોકોની શું માંગ છે? કલર કોમ્બિનેશન કેવું હોવું જોઈએ? 'હુનર હાટ' અમારા માટે નામ અને દામ આપતું પ્લેટફોર્મ બન્યું છે'

આખો પરિવાર હસ્તકલાથી પશ્મિના શાલ બનાવવાના પરંપરાગત વ્યવસાય સાથે જોડાયેલો
એક સુંદર પશ્મિના શાલ બતાવતા આદિલ અહમદ કહે છે કે, 'આ શાલ બનાવતા ચાર મહિનાનો સમય લાગે છે. અમારી પાસે રૂ.550થી શરૂ કરીને રૂ.3.50 લાખની શાલ ઉપલબ્ધ છે. અમે હાથેથી બનતી પશ્મિના શાલની વિવિધ વેરાયટી જેવી કે, કની, સોજની, તિલ્લા વર્ક, પેપર માશી, આરી એન્ડ નીડલ વર્કથી બનતી હાફ શાલ બનાવીએ છીએ. એક શુદ્ધ પશ્મિના શાલ બનાવતા ચાર મહિના જેટલો સમય લાગે છે. અહીં સુરતીઓનો ખુલ્લો મિજાજ જોવા મળ્યો છે. અહીં આવતાં ગ્રાહકો મનભરીને ખરીદી કરે છે. આદિલ જણાવે છે કે, 'શ્રીનગરના ઈદગાહ વિસ્તારમાં રહેતો મારો આખો પરિવાર હસ્તકલાથી પશ્મિના શાલ બનાવવાના પરંપરાગત વ્યવસાય સાથે જોડાયેલો છે. મારા દાદા અને પરદાદા પણ આ વ્યવસાય સાથે જોડાયેલા હતાં. અમને આ કલાકૌશલ્ય પૂર્વજો તરફથી વારસામાં મળ્યા છે. અમારા જેવા નાના અને પરંપરાગત કારીગરોને હુનર હાટથી રાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મળી છે. "અમે અમારા પૂર્વજોની કારીગરી જાળવી રાખી છે. આ જ કારણ છે કે અમે જ્યાં પણ જઈએ છીએ ત્યાં તમામ વર્ગના લોકો અમારા ઉત્પાદનોને પસંદ કરે છે અને અપનાવી લે છે' એમ તેઓ ઉમેરે છે.

સુરતમાં કાશ્મીરની જગવિખ્યાત પશ્મિના શાલ, ક્રેવ સાડી, ડ્રેસ મટિરિયલ લઈને આવ્યાં.
સુરતમાં કાશ્મીરની જગવિખ્યાત પશ્મિના શાલ, ક્રેવ સાડી, ડ્રેસ મટિરિયલ લઈને આવ્યાં.

હુનર હાટથી હવે ભરપૂર ઓર્ડર મળી રહ્યા છે
વનિતા વિશ્રામના 'હુનર હાટ'માં સ્ટોલ નં.186માં તેમનો સ્ટોલ છે. 'આત્મનિર્ભર ભારત' અને 'વોકલ ફોર લોકલ' સૂત્રોની તમારા જીવન પર શું અસર થઈ? એમ પૂછતા તેઓ કહે છે કે, 'સ્વદેશીના ઉત્તેજનથી અમને ઘણો નફો મળી રહ્યો છે. 'હુનર હાટ'ને કારણે મારા પરિવારની આર્થિક સ્થિતિમાં ઘણો સુધારો થયો છે. એક નીડલ અને આરી વર્કથી બનેલી શાલ દર્શાવી તેઓ કહે છે કે, અમારો સામાન પહેલા વિદેશમાં કે અન્ય રાજ્યોમાં જતો ન હતો, પરંતુ હુનર હાટથી હવે અમને ભરપૂર ઓર્ડર મળી રહ્યા છે. લોકો અમારી પાસેથી સીધી ખરીદી કરી રહ્યા છે, અને હોલસેલ પણ લઈ રહ્યા છે. અમે કેન્દ્રીય મંત્રીશ્રી મુખ્તાર અબ્બાસ નકવી અને વડાપ્રધાનશ્રી મોદીજીના આભારી છીએ જેમના થકી અમને નવી તકો મળી છે.'

રાજકોટના દંપતી છેલ્લા 15 વર્ષથી હસ્તકલાના ક્ષેત્રમાં કાર્યરત
રાજકોટના એક હુનરબાજ દંપતી 44 વર્ષીય ભાવેશભાઈ દોશી અને 42 વર્ષીય મિનલબેન દોશી સુરત આવીને પોતાની કલાકૃતિઓનું વેચાણ કરી રહ્યાં છે. આ દંપતી છેલ્લા 15 વર્ષથી હસ્તકલાના ક્ષેત્રમાં કાર્યરત છે. જેમણે આજ દિન સુધી દેશના વિવિધ 60થી 70 એક્ઝિબીશનમાં ભાગ લઈ તેમની કલાનું પ્રદર્શન કર્યું છે. જેમની પ્રોડક્ટસને 'કૌન બનેગા કરોડપતિ'-કે.બી.સી ના સ્ટેજ પર બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન દ્વારા પણ સરાહના કરવામાં આવી હતી.

રાજકોટના દંપતીની કલાની કૌન બનેગા કરોડપતિના સ્ટેજ પર બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન દ્વારા પણ સરાહના કરવામાં આવી હતી.
રાજકોટના દંપતીની કલાની કૌન બનેગા કરોડપતિના સ્ટેજ પર બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન દ્વારા પણ સરાહના કરવામાં આવી હતી.

10થી 12 મહિલાઓ જોડાઈ સ્વનિર્ભર બની
વેસ્ટ ઝોન કલ્ચર (ઉદયપુર અને ગોવા), ઇન્ડેક્સ-સી તેમજ ગુજરાત મહિલા આર્થિક નિગમના અનેક એક્ઝિબીશનમાં ભાગ લેનાર મિનલબેન જણાવે છે કે, વર્ષ 2016માં દિલ્હી ખાતે મેં અને મારા પતિએ પ્રથમવાર 'હુનર હાટ'માં ભાગ લીધો હતો, આજે સુરતમાં અમારો આ 11મો 'હુનર હાટ' છે. મારા સાસુ-સસરા દ્વારા મને કલાનો વારસો મળ્યો છે એમ જણાવતાં તેઓ ઉમેરે છે કે, 'સાસુ-સસરા માટીના કોડીયા બનાવી દિવાળીમાં વેચાણ કરતાં હતા. તેમના આ વ્યવસાયને વર્ષ 2006માં અમે બંનેએ આગળ વધારતા માટીની બીજી પ્રોડક્ટ જેવી કે તોરણ, શો-પીસ, ઘર સજાવટની વસ્તુઓ, ફ્લેક્સિબલ વોટર ફાઉન્ટનને સ્ટોન અને કલર દ્વારા તૈયાર કરી વેચીએ છીએ. છેલ્લા 9 વર્ષથી અમારા વ્યવસાય સાથે અન્ય 10થી 12 મહિલાઓ જોડાઈ સ્વનિર્ભર બનીને રોજગારી મેળવી રહી છે એમ તેઓ જણાવે છે.

તેજસ્વી અને કલાપ્રેમી આયુષી માતા-પિતાને ફ્રી સમયમાં કામમાં મદદરૂપ થાય છે.
તેજસ્વી અને કલાપ્રેમી આયુષી માતા-પિતાને ફ્રી સમયમાં કામમાં મદદરૂપ થાય છે.

જેટલો સ્ટડી સાથે પ્રેમ છે, એટલો જ ઝૂકાવ કલા પ્રત્યે
વર્ષ 2020માં 10માં ધોરણમાં 89 ટકા મેળવનાર મિનલબેનની 17 વર્ષીય પુત્રી આયુષી દોશી હાલ ધો.11 સાયન્સ (બાયોલોજી)માં અભ્યાસ કરે છે. તેજસ્વી અને કલાપ્રેમી આયુષી માતા-પિતાને ફ્રી સમયમાં કામમાં મદદરૂપ થાય છે. આયુષી જણાવે છે કે, 'મને જેટલો સ્ટડી સાથે પ્રેમ છે, એટલો જ ઝૂકાવ કલા પ્રત્યે પણ છે. અભ્યાસ સિવાયના સમયમાં હું માતા-પિતાને કામમાં હેલ્પ કરૂ છું. આ સાથે મને પેઈન્ટિંગ, ટ્રાવેલિંગ અને ડાન્સનો પણ શોખ છે. હું છેલ્લા 5 વર્ષથી કથ્થક ડાન્સ કરી રહી છું, તેમજ શાળાના એન્યુઅલ ફંકશનમાં પણ કથ્થક નૃત્ય રજૂ કરૂ છું. ભવિષ્યમાં પણ નેશનલ-ઈન્ટરનેશનલ સ્પર્ધાઓમાં ભાગ લેવાનું અને બાયોલોજીના પ્રોફેસર બનવાનું સ્વપ્ન છે તેમ આયુષીએ ઉમેર્યું હતું.