તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

7 દિવસ માટે અમે આવીએ છીએ:વતનની વ્હારે સુરતના સૌરાષ્ટ્રવાસીઓ, ઉદ્યોગપતિઓ-યુવાનો કોરોના સંક્રમિત ગામડાઓની મદદે, 500 જેટલા વાહનો સૌરાષ્ટ્ર જશે

સુરત4 મહિનો પહેલાલેખક: દેવેન ચિત્તે
સેવા સંસ્થા દ્વારા શરૂ કરાયેલી ઝુંબેશમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા.
  • ગ્રામીણ વિસ્તારમાં લોકો ખૂબ જ ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે
  • ભાવનગર, અમરેલી, જુનાગઢમાં આઇસોલેશન સેન્ટર ઉભા કરાયા

"ચાલો જઈએ વતનની વ્હારે ચાલો સૌરાષ્ટ્ર" ઝુંબેશ સુરત શહેરમાં શરૂ થઈ છે. સૌરાષ્ટ્રમાં કોરોના સંક્રમણ વધતા માદરે વતનની સેવા માટે સેવાયજ્ઞ શરૂ કરવાની હાકલ થતાં મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ-યુવાનો સૌરાષ્ટ્ર તરફ પ્રયાણ કર્યું છે. આગામી સાત દિવસ કોરોના સંક્રમિત ગામડાઓમાં મેડિકલથી લઈને તમામ સુવિધાઓ પૂરી પાડશે. દરમિયાન ભાવનગર, અમરેલી અને જુનાગઢ જિલ્લામાં તાત્કાલિક આઇસોલેશન સેન્ટરની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. આજે સાંજે 500 જેટલા વાહનો સૌરાષ્ટ્ર તરફ જશે.

સૌરાષ્ટ્રથી ઘણા પોઝિટિવ લોકોએ સુરત તરફ દોટ મૂકી
કોરોના સંક્રમણ હવે ગામડાઓની અંદર પણ વ્યાપક પ્રમાણમાં પ્રસરી ગયું છે. ગામડાઓમાં છેલ્લા એક મહિનામાં મૃત્યુઆંક પણ ઊંચો ગયો છે. પરિણામે ગ્રામીણ વિસ્તારમાં લોકો ખૂબ જ ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે. તાજેતરમાં જોવા મળ્યું કે સૌરાષ્ટ્રથી ઘણા લોકો સુરતમાં કોરોના ની સારવાર લેવા માટે આવી રહ્યા છે. સૌરાષ્ટ્રની હોસ્પિટલોમાં ઓક્સિજનનો અભાવ મેડિકલ સ્ટાફ પણ પૂરતા પ્રમાણમાં ન હતી. સુરત શહેરમાં રહેતા લોકો માટે જ સુરતની મેડિકલ વ્યવસ્થા પડી ભાંગે તેવી સ્થિતિમાં હતી ઉપરથી મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સુધીના લોકો સુરતમાં સારવાર લેવા આવી રહ્યા હતા. વધુમાં સૌરાષ્ટ્રમાં લોકો પણ જ્યારે સુરતમાં સારવાર લેવા માટે દોટ મુકતા સ્થિતિ વધુ વણસી હતી.

સુરતમાં રહેતા સૌરષ્ટ્રવાસીઓની ચિંતામાં વધારો
ભાવનગર, અમરેલી, જુનાગઢ તરફના ગામોના લોકો સતત સુરતમાં પુણામાં સારવાર લેવા માટે આવવાનું શરૂ કરતાં સૌરાષ્ટ્રવાસીઓ કે જે સુરતમાં રહે છે તેમની ચિંતામાં વધારો થયો હતો. જેને ધ્યાનમાં રાખીને સુરતની સેવા સંસ્થા દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી પોતાના માદરે વતનને જઈને ત્યાં જ કોરોના સારવાર દર્દીઓને મળી રહે અને સ્વજનો સાથે ભયનું વાતાવરણ ઊભું થયું છે તેને દૂર કરવાનો પ્રયાસ કરીએ. સુરતમાં રહેતા સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિઓ મેડિકલ સ્ટાફ તેમજ યુવાનોની ટીમ દ્વારા સૌરાષ્ટ્ર તરફ જવાનું શરૂ કરાયું છે. સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓ અને તાલુકાઓમાં મેડિકલ સુવિધાઓ ઉભી કરવા માટેની કવાયત શરૂ કરાઇ છે. સુરતથી નિકળેલી ઉદ્યોગપતિઓ અને સેવા સંસ્થાના સ્વયં સેવક દ્વારા તાત્કાલિક અસરથી દર્દીઓને તમામ સેવા મળી રહે તે માટે વ્યવસ્થા ઉભી કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

એક ટીમ સુરતથી સૌરાષ્ટ્ર તરફ જવા રવાના થઈ ચૂકી છે.
એક ટીમ સુરતથી સૌરાષ્ટ્ર તરફ જવા રવાના થઈ ચૂકી છે.

દર્દીઓની સંખ્યા વધતા ચોક્કસપણે ચિંતાનો માહોલ
સેવા સંસ્થાના મુખ્ય કમિટી મેમ્બર એવા ઉદ્યોગપતિ મહેશ સવાણીએ જણાવ્યું કે, ઘણા દિવસોથી સતત સૌરાષ્ટ્રથી સુરતમાં સારવાર મળી રહેશે કે કેમ તે અંગે ફોન આવવાના શરૂ થયા હતા. જેથી મારી ચિંતામાં વધારો થયો કે ત્યાં આગળ જ દર્દીઓને સેવા મળે તેવી સ્થિતિ કેમ નથી. હું પોતે સૌરાષ્ટ્ર તરફ ગયો અને અલગ-અલગ જિલ્લામાં જોયું તો મને વ્યક્તિગત રીતે એવું લાગ્યું કે અહીં સારવાર માટે પૂરતી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. પરંતુ દર્દીઓની સંખ્યા વધતા ચોક્કસપણે ચિંતાનો માહોલ દેખાઈ રહ્યો છે તેથી સુરતની અમારી સેવા સંસ્થાની ટીમ સાથે સંકલન કરીને ડોક્ટરો તેમજ યુવાનોની ટીમ તૈયાર કરી તાત્કાલિક અસરથી અલગ અલગ જિલ્લાઓમાં તાલુકામાં ઓક્સિજન બેડ સાથેની આઇસોલેશન સેન્ટર ઊભા કરવાનું આયોજન કરાયું છે. ભાવનગર થી અમે સૌરાષ્ટ્રમાં ઓક્સિજન પૂરું પડે તે માટેની વ્યવસ્થા હાલ શરૂ કરી છે.

500 જેટલા વાહનો સૌરાષ્ટ્ર તરફ જશે
વિપુલ તાલવીયાએ જણાવ્યું કે આજે સવારે યુવાનોની ટીમ સૌરાષ્ટ્ર તરફ રવાના થઇ છે અને મોડી સાંજે 500 જેટલા વાહનો સૌરાષ્ટ્ર તરફ જશે. યુવાનોએ સોશિયલ મીડિયામાં કેમ્પેઈન પણ શરૂ કર્યું છે " ચાલો જઈએ વતનની વાહ રે ચાલો સૌરાષ્ટ્ર ". જેના થકી અનેક યુવા કાર્યકરો અમારી સાથે જોડાયા છે. તમામ દર્દીઓને મેડિકલ સ્ટાફ ઉપલબ્ધ રહે તે માટે અલાયદી વ્યવસ્થાનો પણ અમે આયોજન કરી રહ્યા છે. સાંજે સુરત ખાતેથી મોટી સંખ્યામાં યુવાનો સૌરાષ્ટ્રમાં એક સપ્તાહ સુધી રહેશે તેવું આયોજન કર્યું છે. અલગ અલગ રોટેશન મુજબ સૌરાષ્ટ્રમાં એક એક સપ્તાહ સુધી કામગીરી કરશે.

કાર પર તમામ સ્લોગનો પણ લખવામાં આવ્યા છે.
કાર પર તમામ સ્લોગનો પણ લખવામાં આવ્યા છે.

સેવા સંસ્થાએ લીધેલા સંકલ્પો

  • હું મારા ગામના લોકોમાં રહેલો કોરોના પ્રત્યેનો ડર દૂર કરીશ
  • યોગ્ય સારવાર માટે મદદરૂપ બનીશ
  • ગામના દરેક ઘરે ઘરે જઈ સાચી માહિતી આપી કોરોનાથી જાગૃતિ કરી
  • ગામના સેવાભાવી સભ્યોના સાથે રાખી નજીકના તેમજ યોગ્ય સારવાર પૂરી કરીશ

આઇસોલેશન સેન્ટરની વ્યવસ્થા તાત્કાલિક ઉભી કરવામાં આવી
ભાવનગર: ગારીયાધાર, પાલીતાણા, વલ્લભીપુર, ટીંબી
અમરેલી: બગસરા, સાવરકુંડલા, શેડુભાર, ભાડેર, લાઠી ,ધારી
જુનાગઢ: વિસાવદર, ભેસાણ