ગૌશાળાના સંચાલકો સામાજિક આગેવાનો અને ધાર્મિક વડાઓ અને જુદી જુદી સંસ્થા દ્વારા વૈદિક હોળી પ્રગટાવવા અંગે જનજાગૃતિનો પ્રયાસ કરાઈ રહ્યો છે. શહેરમાં લગભગ 300થી વધુ જગ્યાએ ગૌ ગોબરની સ્ટિકની હોળી પ્રગટાશે. 10 હજાર સ્થળે હોળી પ્રગટાવાશે. જેમાં ઝાડના થડ અને જંગલી લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે.
સમગ્ર શહેરમાં લગભગ 40 હજાર કિલો લાકડું વપરાશે. એની સામે માત્ર 300 સ્થળોએ વૈદિક હોળીમાં 110 ટન જેટલી ગોબરની સ્ટિકનો ઉપયોગ થશે. છેલ્લા પાંચ વર્ષથી પ્રયાસ થતો હોવા છતાં પણ માત્ર પાંચથી સાત ટકા જેટલી જાગૃતિ જોવા મળે છે. મૂળ પરંપરા, ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ મુજબ પણ ગાયના છાણામાંથી પ્રગટાવેલી હોળીને ઉત્તમ ગણવામાં આવે છે.
સણિયા કણદેમાં પાંચ ટન ગોબર સ્ટિકની હોળી પ્રગટાવશે
300 જેટલી જગ્યાએ ગૌ-ગોબરની સ્ટિક માટેના ઓર્ડર ગૌશાળાને મળ્યા છે. જેમાં 110 ટન જેટલી સ્ટિક વપરાશે સૌથી મોટી હોળી સણિયા કણદે ગામમાં પાંચ ટન ગોબર સ્ટિકની થશે. - બટુક ચોવટીયા, ગૌશાળા સંચાલક
નેગેટિવ એનર્જી દૂર થાય છે
આપણા દરેક વાર તહેવારો સાથે વિજ્ઞાન સંકળાયેલું છે. ધર્મની સાથે વિજ્ઞાનને જોડીને આપણા ઋષિઓએ ધાર્મિકતાનું મહત્વ બતાવ્યું છે. હોળીમાં ગાયોના છાણાં વાપરવાથી નેગેટિવ એનર્જી દૂર થાય છે. - ડો. કાંતિભાઈ ભટ્ટ, પ્રધાનાચાર્ય સૂર્યપુર સંસ્કૃત પાઠશાળા
પર્યાવરણનું જતન કરવું જોઈએ
આપણે કાયમ જ પર્યાવરણની ચિંતા કરીએ છીએ વૃક્ષોનું જતન કરીએ છીએ. હોળી પ્રગટાવવામાં ગાયના છાણમાંથી બનેલા મટીરીયલ ઉપયોગમાં લઈને પર્યાવરણનુ જતન કરવું જોઈએ. -પદ્મશ્રી મથુરભાઈ સવાણી, ચેરમેન, કિરણ હોસ્પિટલ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.