બાળકોને ઓનલાઇન એજ્યુકેશમાં સમજણ નહીં પડતા વશિષ્ઠ વિદ્યાલયે બે વિદ્યાર્થીઓ સામે એક શિક્ષક મૂકવાની ફરજ પડી છે. સ્કૂલના ચેરમેન રમણિક ડાવરિયા તેમજ ડિરેક્ટર વિજય અને રવિ ડાવરિયાએ કહ્યું હતું કે, નાના બાળકોને પ્રેમ, હૂંફ કે સહકાર જેવો માહોલ નહીં મળતાં તેઓ પ્રગતી સાધી શકતા નથી અને પોતાને ઠોઠ તથા નબળા સમજતા જાય છે.
ઉપરાંત તેઓ જાહેરમાં બોલી શકતા નથી કે અન્ય વિદ્યાર્થીઓ સાથે ભળી શકતા નથી. હાલમાં ઓનલાઇન એજ્યુકેશનથી બાળકોને અનેક સમસ્યા આવી રહી છે. જેથી બાળકોના હિતને ધ્યાને રાખીને જુનિયર કે.જી.થી ધોરણ-8ના બાળકોને સ્પેશ્યિલ એજ્યુકેશન અપાઈ રહ્યું છે, જેમાં બાળકોને ભાવનાત્મક સ્પર્શ પણ મળી રહે તે માટે એક શિક્ષક-એક બાળક તેમજ એક શિક્ષક-બે બાળક એ પદ્ધત્તિથી અભ્યાસ કરાવાઈ રહ્યો છે.
85 બાળક-85 શિક્ષક, સપ્તાહના 400 લેક્ચર
આ સ્કૂલમાં કુલ 85 બાળકો ઓનલાઇન એજ્યુકેશન લઈ રહ્યા છે, જેમને માટે સ્કૂલે 85 શિક્ષકો ફાળવ્યા છે, જેઓ પ્રત્યેક વિદ્યાર્થીના અઠવાડિયાના 6 લેક્ચર લઈને બાળકોનું વાચન, ગણન અને લેખનની સ્કિલ પણ ડેવલોપ કરી રહ્યા છે. તમામ શિક્ષકો અઠવાડિયાના 400થી વધુ લેક્ચર લઈ રહ્યા છે.
સેવન સ્ટેપ્સના શિક્ષકો પોસ્ટરો પહેરીને ભણાવે છે
અડાજણની સેવન સ્ટેપ્સ સ્કૂલના શિક્ષકો જે તે ટોપિકને લગતા પોસ્ટરો પહેરીને વિદ્યાર્થીઓને ભણાવે છે. એટલું જ નહીં, વીડિયોના બેક ગ્રાઉન્ડમાં કાર્ટૂનના ચિત્રો પણ હોય છે, જેથી વિદ્યાર્થીઓને અભ્યાસમાં રસ પડે.
ધો. 1થી 9ના વર્ગો ઓફલાઇન શરૂ કરવા સંચાલકોની માંગ
હાલમાં કોરોના કાળ વચ્ચે ઓનલાઇન એજ્યુકેશનથી વિદ્યાર્થીઓમાં ગેમ્સ, સોશિયલ મીડિયા અને મોબાઇલનું વળગણ દેખાવાની સાથે ચીડિયાપણું અને એકલતાપણું પણ દેખાયું છે. જેથી સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે શિક્ષણમંત્રીને પત્ર લખી આગામી 1 ફેબ્રુઆરીથી ફરીથી ધોરણ-1થી 9માં ઓફલાઇન એજ્યુકેશન શરૂ કરવાની માંગ કરી છે.
પ્રવક્તા ડો. દીપક રાજ્યગુરૂ કહે છે કે, કોરોનાની ત્રીજી લહેર કાબૂમાં છે. સૌથી વધારે કેસ જ્યાં હતા એ મહારાષ્ટ્ર સરકારે પણ 24 જાન્યુઆરીથી સ્કૂલોમાં ઓફલાઇન એજ્યુકેશન શરૂ કરી દીધું છે તો પછી ગુજરાતમાં જ્યાં કોઇ ગંભીર સ્થિતિ જ નથી ત્યાં સ્કૂલ પૂર્વવત કરી દેવી જોઇએ. રાજ્યની મોટા ભાગની સ્કૂલોમાં 94 ટકા બાળકોને રસી અપાય ગઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.