શું રમે ગુજરાત?...:વરાછાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બન્યું ભંગારનું ગોડાઉન, રમતના મેદાનમાં પ્રસંગો થાય છે

સુરત24 દિવસ પહેલા
  • કૉપી લિંક
તૂટેલી સ્કેટિંગ રિંગમાં ક્રિકેટ રમવાની નોબત - Divya Bhaskar
તૂટેલી સ્કેટિંગ રિંગમાં ક્રિકેટ રમવાની નોબત
  • જીમ-બાસ્કેટ લોનના સભ્યો ન મળતા સાધનો પણ ધૂળ ખાય છે
  • કરોડોની જમીન પર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઝોને નિભાવ ન કરતાં મેમ્બરો પણ શોધ્યે જડતા નથી

પાલિકાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સભ્યો માટે તરસી રહ્યાં છે. કેટલાકમાં ક્રિકેટ મેદાન ભંગાર હાલતમાં છે તો સ્કેટિંગ રિંગ પણ તૂટી ગઇ છે. 75 લાખની વસતી વચ્ચે 15 સ્પોર્ટ્સ સંકુલ, 3 તો PPP પર સોંપાયા છે. શહેરમાં 14 માર્ચથી બોર્ડ પરીક્ષા ચાલુ થઇ આ મહિનાના અંત સુધીમાં પુર્ણ થશે. સાથે-સાથે હવે ઉનાળા વેકેશનને પણ ગણતરીના દિવસો બાકી છે ત્યારે વિદ્યાર્થીઓ માટે ક્રિકેટ સહિતની રમતો માટે પર્યાપ્ત ગ્રાઉન્ડ બચ્યા નથી.

શેરી મહોલ્લામાં તો ખેલકૂદ મેદાનોનો અભાવ છે તેવામાં પાલિકાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ધૂળ-ધાણી સ્થિતિમાં માત્ર શોભાના ગાંઠિયા સાબિત થઇ રહ્યાં છે. વિવિધ ઝોનમાં 6 રમત મેદાન સાથે કુલ 15 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે તેમાંય વરાછા, કતારગામ અને રાંદેરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને તો પાલિકાએ PPP ધોરણે સોંપી દેવાયા છે.

ઉધના સ્પોર્ટ્સ સંકુલ સ્ટ્રીટલાઇટ ભંગારના ગોડાઉનમાં ફેરવાયું
મુખ્ય સ્પોર્ટ્સ સંકુલની યાદીમાં ઉધનાના વિજયાનગર સંકુલનો પણ સમાવેશ થાય છે. જોકે, પાલિકાના આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ખેલાડીઓની વ્યવસ્થા માટે રાખેલી કચેરીમાં સ્ટ્રીટ લાઇટનું ગોડાઉન ચાલી રહ્યું છે.

ઉધના વિજયા નગરનું ક્રિકેટ મેદાન પ્રસંગમાં અપાઈ રહ્યું છે

ઉધના વિજયા નગરના સ્પોર્ટ્સ સંકુલ ખાતેનું ક્રિકેટ મેદાન વિવિધ પ્રસંગો અને કાર્યક્રમો માટે આપવામાં આવી રહ્યું છે. પીચ છતાં ક્રિકેટ રમી શકતા નથી. તૂટેલી સ્કેટિંગ રિંગનો ઉપયોગ ન હોવાથી લોકો ક્રિકેટ રમે છે.

સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં જીમના સભ્યો ન મળતા તાળાં લટકે છે
વરાછા સ્થિત જળ ક્રાંતિ મેદાનના કોમ્પ્લેક્સમાં જીમ પર લાંબા સમયથી ખંભાતી તાળાં લટકી રહ્યાં છે. સ્થિતિ એવી છે કે જીમમાં સભ્ય પદ મેળવવું હોય તો વરાછા ઝોનની 102 નંબરની કચેરીમાં પાલિકા ક્લાર્ક પાસે ફોર્મ-ફી સબમિટ કરવી પડે છે. જોકે, તે પહેલાં જ ક્લાર્ક બીજા 15 સભ્યો પણ સાથે લાવો તો સારું કહી જીમમાં સભ્યો નથી મળી રહ્યાં હોવાથી હાલ બંધ છે તેવું નિખાલસતાથી કહી દે છે.

સ્પોર્ટ્સ સંકુલોની દશા સુધારવા નોંધ મુકાશે, અગાઉ અધિકારીઓને સૂચના અપાઈ હતી
શહેરના પાલિકા સંચાલિત સ્પોર્ટ્સ સંકુલોના મેદાનોનું યોગ્ય નિભાવ થઇ રહ્યું ન હોવાની સાથે બિલ્ડિંગ પણ મેઇન્ટેનન્સ ન થતું હોવાની બાબત ધ્યાને આવી હતી. આ અંગે અગાઉ ઝોન અધિકારીઓને સૂચના અપાઇ હતી. જોકે હવે લેખિત નોંધ મુકી તમામ સ્પોર્ટ્સ સંકુલની માવજાત કરી ખેલાડીઓને ઘર આંગણે ખેલકૂદ માટે પ્લેટફોર્મ મળી રહે તેવા આયોજન કરાશે. > પૂર્ણિમા દાવલે, ચેરમેન, આનંદ પ્રમોદ સમિતિ, પાલિકા

અન્ય સમાચારો પણ છે...