• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Vapi Woman Dies Without Treatment In Surat After Chest Pain In Train, Woman Screaming To Call Doctor And Death In Front Of Her Husband

સારવાર વગર મોત:ચાલુ ટ્રેનમાં છાતીમાં દુખાવા બાદ સુરતમાં સમયસર સારવાર ન મળતા વાપીની મહિલાનું મોત, ડોક્ટરને બોલાવોની બૂમો પાડતી મહિલાનો પતિની નજર સામે જ જીવ ગયો

સુરત10 મહિનો પહેલા
મૃતક પત્નીની ફાઇલ તસવીર અને શોકમાં ગરકાવ પતિ. - Divya Bhaskar
મૃતક પત્નીની ફાઇલ તસવીર અને શોકમાં ગરકાવ પતિ.
  • લોકડાઉન બાદ મહિલાની વતન તરફની પહેલી સફર અંતિમ સફર બની

વિકાસનાં શિખરો સર કરતાં ભારતમાં પશ્ચિમ રેલવેની બાંદ્રા-ગોરખપુર ટ્રેનમાં વાપીની મહિલાનું છાતીમાં દુખાવા બાદ સારવાર વગર મોત નીપજ્યું હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. વહેલી સવારે 5 વાગે બનેલી આ ઘટના બાદ સુરતના ભેસ્તાન રેલવે સ્ટેશન પર ટ્રેનને સ્ટોપેજ આપી 108માં સારવાર માટે સિવિલ લઈ આવતાં ડોક્ટરોએ મીરાબેન માળી નામની મહિલાને મૃત જાહેર કરતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

બે બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી.
બે બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી.

ટ્રેનમાં રિઝર્વેશન કરાવી મુસાફરી કરતા પ્રવાસીને સમયસર સારવાર ન મળી
વાપીથી જલગાંવ જઇ રહેલાં મૃતક મીરાબેનનાં માસૂમ બાળકોએ કહ્યું હતું કે મમ્મીને છાતીમાં દુખાવો ઊપડ્યા બાદ અન્ય મુસાફરો ખેંચ આવી છે કહી કાંદા-ચપ્પલ સુગાડવાની સલાહ આપતા હતા. જ્યારે મમ્મી ડોક્ટર કો બુલાવોની બૂમો પાડતી હતી. પત્નીના મોતને નજરે જોનારા પીડિત પતિએ કહ્યું હતું કે જો ટ્રેનમાં રિઝર્વેશન કરાવી મુસાફરી કરતા પ્રવાસીઓ માટે ઇમર્જન્સી સેવામાં આવતી તબીબી સેવા સમયસર ન મળે તો દેશનો આ વિકાસ કોઈ કામનો ન કહેવાય.

પરિવાર સામાન સાથે મહિલાનું પોસ્ટમોર્ટમ કરાવવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યું.
પરિવાર સામાન સાથે મહિલાનું પોસ્ટમોર્ટમ કરાવવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યું.

કોઈ મદદ ન મળી એ જ પત્નીનું મોતનું કારણઃ પતિ
વાપી-સેલવાસના બ્રહ્માંડ એપાર્ટમેન્ટમાં મૂળ મહારાષ્ટ્રના જલગાંવના મીરાબેન અશોકભાઈ માળી (ઉં.વ.42) પરિવાર સાથે રહેતાં હતાં. પરિવારમાં બે બાળકો અને પતિ છે. પતિ વાપીની કંપનીમાં નોકરી કરે છે. લોકડાઉન બાદ પહેલીવાર 10 દિવસ માટે વતન જવાનું આયોજન કર્યું હતું, જેથી બાંદ્રા-ગોરખપુર ટ્રેનમાં રિઝર્વેશનમાં એસ-4 કોચમાં ટિકિટ બુકિંગ કરી હતી. વાપીથી સવારે 3:30 વાગે ટ્રેનમાં બેઠા હતા. દરમિયાન સુરતનું ભેસ્તાન રેલવે સ્ટેશન આવવાની 15 મિનિટ પહેલાં છાતીમાં દુખાવો ઊપડ્યો હતો. ભેસ્તાન સ્ટેશન પર ઊતર્યા બાદ 10 મિનિટ પછી 108 આવી હતી. પતિએ કહ્યું હતું કે કોઈ મદદ ન મળી એ જ પત્નીનું મોતનું કારણ છે.

હૃદયરોગના હુમલાની શક્યતા
ડો. દિનેશ મંડલ (પોસ્ટમોર્ટમ કરનાર તબીબ, સુરત સિવિલ હોસ્પિટલ)એ જણાવ્યું હતું કે હૃદયરોગના હુમલાની જ શક્યતા છે. જોકે હિસ્થોપેથોના સેમ્પલ લઈ લેબમાં મોકલ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ કહી શકાશે.

સ્ટેશન પર અગાઉ જાણ કરાયેલી
વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રિલેશન ઓફિસર સુમિત ઠાકુરએ જણાવ્યું હતું કે, મહિલાની તબિયત ખરાબ થતાં જ તાત્કાલિક આગળના સ્ટેશન પર જાણ કરી દેવાઈ હતી. જેથી ત્યાંથી 108 એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી હતી. ટીટી પણ સતત સંપર્કમાં હતાં. બાદમાં બેભાન અવસ્થામાં મહિલાને એમ્બ્યુલન્સમાં સિવિલ ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું મોત થયું હતું.