કોરોના સુરત LIVE:ઓમિક્રોનના ફફડાટ વચ્ચે પાલિકા દ્વારા વેક્સિનેશનની કામગીરી તેજ કરાઈ, આજે 168 સેન્ટર પર રસીકરણ

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાલિકા દ્વારા તમામ લોકોને રસી મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
પાલિકા દ્વારા તમામ લોકોને રસી મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.(ફાઈલ તસવીર)
  • શહેર જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને 49 થઈ

ઓમિક્રોનની દહેશતને પગલે સિવિલ-સ્મીમેરમાં 140 બેડના અલાયદા ઓમિક્રોન વોર્ડ શરૂ કરનાર પાલિકાએ છેલ્લા 10 દિવસમાં જ 90 હજાર ટેસ્ટિંગ કર્યાં છે. આ સંખ્યા દિવાળી પહેલાં 3 હજાર હતી. જે વધારીને દૈનિક 9 હજાર ટેસ્ટિંગ કરાઇ છે. એટલું જ નહીં પણ શહેરના પ્રવેશ દ્વારો પર રોજ 2500 મુસાફરોનું ટેસ્ટિંગ કરાઇ રહ્યું હતું. આરોગ્ય વિભાગે કહ્યું કે, એરપોર્ટ પર મોટા ભાગના પ્રવાસીઓ 72 કલાકની મર્યાદા વાળા RTPCR ટેસ્ટિંગ રિપોર્ટ લઇને પણ આવી રહ્યાં છે. તે સિવાયના મુસાફરોનું ઓમિક્રોનની દહેશતને પગલે સઘન ચેકિંગના ભાગરૂપે રોજ 300 મુસાફરોનું કોરોના ટેસ્ટિંગ કરાઇ રહ્યું છે.વેક્સિનેશનની કામગીરી પણ આગળ વધારતાં આજે 168 સેન્ટર પર રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે.

પોઝિટિવ કેસનો આંક 1,44,121 પર પહોંચ્યો
શહેરમાં શુક્રવારે વધુ 11 અને જિલ્લામાં 00 કેસ સાથે કુલ 11 નવા કેસ સામે આવ્યાં છે.આ સાથે શહેર જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1,44,121 થઈ છે. શુક્રવારે શહેર જિલ્લામાં એક પણ દર્દીનું મોત નીપજ્યું ન હતું. જ્યારે શહેરમાંથી 04 દર્દીઓ અને જિલ્લામાંથી 00 દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. જેથી ડિસ્ચાર્જની સંખ્યા વધીને 1,41,955 થઈ ગઈ છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 49 થઈ છે.

રસીકરણની કામગીરી તેજ કરાઈ
પાલિકા દ્વારા તમામ લોકોને રસી મળી રહે તે માટે પ્રયાસો તેજ કરી દેવામાં આવ્યાં છે. આજે પાલિકા દ્વારા રસીકરણના પ્રથમ ડોઝ માટે 30 સેન્ટર અને બીજા ડોઝ માટે 125 સેન્ટર શરૂ કરવામાં આવ્યાં છે. જ્યારે વિદેશ જવા ઈચ્છતા લોકો માટે 2 સેન્ટર શરૂ કરવામાં આવ્યાં છે. આ સાથે જ કોવેક્સિન રસી માટે 11 સેન્ટર શરૂ કરવામાં આવ્યાં છે. જેથી કુલ આજે 168 સેન્ટર પર વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...