સુરતમાં હવે નવી મોર્ડન ટેકનોલોજી સાથેની ફેબ્રિક્સ રિસર્ચ લેબની માંગણી ઉઠી છે. આ માગણી બાદથી મંત્રા (મેન મેઈડ ટેક્સટાઈલ રિસર્ચ એસોશિએશન) હરકતમાં આવ્યું છે. 6 વર્ષ પૂર્વે ટેક્સટાઈલ ઉદ્યોગ માટે રૂપિયા 40 કરોડના ખર્ચે અદ્યતન ટેકનોલોજીવાળી ટેસ્ટિંગ લેબ અને રિસર્ચ-ડેવલોપમેન્ટ સેન્ટર બનાવવા ટેક્સટાઈલ મંત્રાલય દ્વારા થયેલી જાહેરાતનો અમલ કરવાની માગણી થઈ રહી છે. સુરતમાં અન્ય લેબ તૈયાર કરવાની જગ્યાએ મંત્રાને અપગ્રેડ કરવા માગણી ઉઠી છે.
ફેબ્રિક્સના સર્ટીફિકેશન માટે કોઈમ્બતુર સુધી લાંબા થવાની નોબત
કોરોનાના કારણે એક તરફ ટેક્સટાઈલ ઉત્પાદનને મોટી અસર થઈ છે પરંતુ ઘણાં ઉદ્યોગકારો એવા પણ છે કે જેઓ દેશ-દુનિયાની માંગ પ્રમાણે નવા ફેબ્રિક્સનું ડેવલોપમેન્ટ કરતા થયા છે. કોરોનાની સ્થિતિની જ વાત કરીએ તો મેડીકલ સ્ટાફ માટે કોરોનાના દર્દીઓની સારવાર દરમિયાન સંક્રમણથી રક્ષણ પુરુંપાડતી પીપીઈ કીટનું સુરતના ઘણાં ઉદ્યોગકારો દ્વારા મોટા જથ્થામાં ઉત્પાદન કરવામાં આવ્યું હતું. જોકે, તેના સર્ટીફિકેશન માટે સિટ્રા(સાઉથ ઈન્ડિયા ટેક્સટાઈલ રિસર્ચ એસોસિએશન) કોઈમ્બતુર સુધી લાંબાં થવાની નોબત આવતી હતી. જેમાં સમય અને ખર્ચ વધુ થતો હોવાની ફરિયાદ ઉઠી હતી.
ફેબ્રિક્સ ડેવલોપમેન્ટ અને રિસર્ચ સેન્ટર બને તેવા પ્રયાસો શરુ
હજુ પણ કોરોનાની અસર ઓછી થઈ નથી ત્યાં દેશ-વિદેશમાં એન્ટી વાયરલ ફેબ્રિક્સની ડિમાન્ડ વધી છે, ત્યારે તેના સટીફિકેશનના અભાવે ચેમ્બર ઓફ કોમર્સ સહિતની સંસ્થા દ્વારા સુરતમાં ઉદ્યોગોમાં સીએફસી(કોમન ફેસિલિટી સેન્ટર)ની સાથો-સાથ અદ્યતન ટેકનોલોજીવાળું ફેબ્રિક્સ ડેવલોપમેન્ટ અને રિસર્ચ સેન્ટર બને તેવા પ્રયાસો શરુ કરાયા છે. જેની સાથે હવે ટેક્સટાઈલ મંત્રાલય દ્વારા 6 વર્ષ પૂર્વે જાહેર ટેસ્ટિંગ સંસ્થાઓને વિકસાવવાની થયેલી જાહેરાતને પૂરી કરવા માટે મંત્રાના પદાધિકારીઓએ મુદ્દો ઉંચક્યો છે.
નવી લેબ બને તેના કરતાં 15થી 20 કરોડના ખર્ચે મંત્રાને અપગ્રેડ કરવા રજૂઆત
મંત્રાના પદાધિકારીઓ દ્વારા યોજવામાં આવેલી પત્રકાર પરિષદમાં મંત્રાના ચેરમેન રજનીકાંત બચકાનીવાલા જણાવે છે કે, 6 વર્ષ પૂર્વે ટેક્સટાઈલ મંત્રાલય દ્વારા અંદાજે 2.40 થી 50 કરોડના ખર્ચે ટેક્સટાઈલ લેબ સ્થાપવા જાહેરાત કરી હતી. તેની સામે સુરતમાં નવી લેબ બને તેના કરતાં 15થી 20 કરોડના ખર્ચે મંત્રાને અપગ્રેડ કરવામાં આવે તે માટે વખતો વખત પ્રેઝેન્ટેશન બનાવીને રજૂઆત થઈ છે. સુરતમાં હાલ નવી લેબ સ્થપાય તેના કરતાં પહેલાથી એડવાન્સ ફેસિલિટીવાળી સંસ્થા છે તેને અપગ્રેડ કરવા માગ છે.
મંત્રાને અપ્રગેડ માટે સરકાર અથવા ઉદ્યોગકારો સમર્થન આપે તેવી આશા
મંત્રાના પદાધિકારીઓ જણાવે છે કે, વર્ષે 6500-7000 જેટલા વાર્ષિક ટેસ્ટ મંત્રામાં થાય છે. થોડા સમય પૂર્વે પ્રોસેસિંગ સેક્ટરમાં કપડા પર લાગતા ડાઘને દૂર કરવા હેવી રસાયણ વપરાતું તેની જગ્યાએ ઓઝોન વાપરવાનો પ્રયોગ મંત્રા દ્વારા જ સૂચવવામાં આવ્યો છે. કોરોના પછી ફેબ્રિક્સ માટે એન્ટી વાયરલ ટેસ્ટિંગની ડિમાન્ડ વધી છે, તેને વિકાસ કરવાનો પ્રયાસ છે. જેના માટે સરકાર અથવા ઉદ્યોગકારો સમર્થન આપે તેવી આશા પણ વ્યક્ત કરાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.