હવામાન વિભાગની માવઠું થવાની આગાહી:આગામી બે દિવસ શહેરમાં કમોસમી વરસાદની આગાહી

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માવઠું થાય તો કેરીના પાકને ગંભીર અસર થઈ શકે

સોમવારે અને મંગળવારે હોલિકા દહન વચ્ચે સુરત સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રવિવારે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને લઇ લાખો ખેડૂતોની ચિંતા વધી છે. વરસાદ આવે તો કેરીના પાકને નુકસાન થવાની સંભાવના છે.

આ અંગે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે સુરત શહેરનું મહત્તમ તાપમાન 37.6 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી નોંધાયું હતું. શનિવારની સરખામણીએ રવિવારે મહત્તમ તાપમાનમાં 0.6 ડિગ્રીનો અને લઘુત્તમ તાપમાનમાં 1.2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. આ સાથે જ વાતાવરણમાં વહેલી સવારે ભેજનું પ્રમાણ 61 ટકા અને સાંજે 43 ટકા જેટલું નોંધાયું હતું. શહેરમાં ઉત્તર-પશ્ચિમ દિશાથી 5 કિલોમીટરની ગતિએ પવનો ફૂંકાયા હતા.

અત્રે નોંધનીય છે કે, શહેરમાં કમોસમી વરસાદને લઇ વાતાવરણમાં પલટો આવ્યો છે. રવિવારે દિવસભર આકાશમાં આંશિક વાદળો ઘેરાતા જોવા મળ્યા હતા. ખાસ કરીને બપોરે વાતાવરણ એકદમ વાદળછાયું બની ગયું હતું. હમણા વરસાદ પડશે એવી સ્થિતિ સર્જઈ ગઈ હતી. વાદળોને લઇ મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. જો કે, બે દિવસ બાદ ફરી ગરમીનું જોર વધશે અને મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાનમાં વધારો થઇ શકે છે. ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થવાની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...