એજ્યુકેશન:યુનિ.નો યુ-ટર્ન, હવે MCQ પદ્ધતિથી પરીક્ષા નહીં લેવાય

સુરત20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિવાદ થતાં સિન્ડિકેટે નિર્ણય બદલ્યો

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ ફરી એક વખત પોતાનો નિર્ણય ફેરવી તોળ્યો છે. એમસીક્યુ બેઇઝ પરીક્ષા લેવાના નિર્ણય સામે પસ્તાળ પડતા તેમજ આ મામલે વિવાદ વકરતા ગુરૂવારે મળેલી સિન્ડિકેટની બેઠકમાં એમસીક્યુ બેઇઝ પરીક્ષા લેવાના નિર્ણયને રદ કરીને ઓફ લાઇન વર્ણનાત્મક પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો છેલ્લા કેટલાક સમયથી વાસ્તવિકતા તપાસ્યા વગર જ નિર્ણય લેવામાં આવતો હોવાના કારણે પોતાના નિર્ણયો જ બદલવાનો વારો આવી રહ્યો છે. હાલમાં જ એલએલબીના પ્રશ્નપત્રોમાં થયેલી ભુલ અંગે મોડો નિર્ણય લેવામાં આવતા ભારે વિવાદ સાથે વિદ્યાર્થીઓને પરેશાની વેઠવી પડી હતી. ત્યારે હાલમાં જ સિન્ડિકેટની બેઠકમાં આર્ટસ અને કોમર્સના અભ્યાસક્રમોમાં એમસીક્યુ પદ્ધતિથી પરીક્ષા લેવાનો નિર્ણય લેવામાં આવતા વિવાદ થયો ઉભો થયો હતો.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા એમસીક્યુ પદ્ધતિથી પરીક્ષામાં લેવા સામે શિક્ષણજગતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. વિદ્યાર્થીઓને ભવિષ્યમાં પડનારી મુશ્કેલી અને એકાઉન્ટ જેવા વિષયમાં પરીક્ષાનો મુદ્દા સાથે આ નિર્ણય સામે વિવાદ થયો હતો. ગુરૂવારે મળેલી સિન્ડિકેટની બેઠકમાં નવો ઠરાવ કરીને યુનિવર્સિટી સંલગ્ન કોલેજ અને ડિપોર્ટમેન્ટના તમામ અભ્યાસક્રમોમાં કોરોના પહેલા જે રીતે પરીક્ષા લેવામાં આવતી હતો તેવી ઓફ લાઇન વર્ણનાત્મક રીતે પરીક્ષા લેવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. જોકે, થોડા દિવસોમાં જ સેમેસ્ટર ૩ની પરીક્ષા લેવાની હોય, અને કાર્યક્રમ પણ જાહેર થયો હોવાથી આ પરીક્ષા એમસીક્યુ બેઇઝ પરીક્ષા લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...