સુરત નેગેટિવ રિપોર્ટ કાંડ:યુનિટી લેબે ખોટા સેમ્પલ મોકલનારા વચેટિયાનું માફીનામું લખાવ્યું, છતાં કહે છે જીનમાં ક્યાંથી ગયા તે ખબર નથી

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ટેસ્ટ વિના રિપોર્ટ માગ્યો તો એક લેબે ના પાડી, અડધા કલાકમાં એ લેબના રેફરન્સથી સામેથી જ વચેટિયાએ ડીલ કરી. - Divya Bhaskar
ટેસ્ટ વિના રિપોર્ટ માગ્યો તો એક લેબે ના પાડી, અડધા કલાકમાં એ લેબના રેફરન્સથી સામેથી જ વચેટિયાએ ડીલ કરી.
  • કોરોના ટેસ્ટિંગ માટે ખાનગી લેબોમાં કોઈ ધારાધોરણ જ નથી

સુરતની ખાનગી લેબોરેટરીઝમાં કોરોનાના ટેસ્ટિંગ માટે કોઈ ધારાધોરણ જ ન હોવાનું ભાસ્કરના સ્ટીંગ ઓપરેશન પરથી ખૂલ્યું છે. જીનલેબવાળા કહે છે કે યુનિટી લેબે સેમ્પલ મોકલ્યા હતા. યુનિટી લેબ કહે છે કે, અમે સેમ્પલ મોકલ્યા જ નથી. કોઈ વચેટિયો યુનિટીના નામ, સહી-સિક્કાનો ઉપયોગથી બોગસ સેમ્પલ જીન લેબમાં આપી આવ્યો અને જીન લેબે પણ કોઈ ચકાસણી કર્યા વગર જ રિપોર્ટ વોટ્સએપ કરી દીધા હતા. યુનિટી લેબે મહેશ નામના વચેટિયા પાસે માફીનામું પણ લખાવ્યાનો એકરાર કરે છે એટલે જે ખોટું થયું તે યુનિટીના નામે જ થયું હોવાનું તપાસમાં ખૂલ્યું છે.

વચેટિયો મહેશ અમારે ત્યાં અગાઉ વિઝિટ પર્સન તરીકે કામ કરતો હતો : યુનિટી
રિપોર્ટર : જીન લેબ તો કહે છે કે યુનિટિ લેબમાંથી સેમ્પલ આવ્યા હતા, શું તમારે ત્યાંથી જ સેમ્પલ જીનમાં ગયા છે?
ડો. જુગલ :
ના. મારી જાણ બહાર, મારા ડોક્યુમેન્ટનો મીસયુઝ કરીને મહેશભાઈએ આપ્યા છે.
રિપોર્ટર : આ મહેશ કોણ છે?
ડો. જુગલ :
કોરોનાકાળમાં જ્યારે બહુ કામ રહેતું હતું ત્યારે તેઓ વિઝિટ પર્સન હતા.
રિપોર્ટર : કોઈ વ્યક્તિ જીન લેબમાં જાય અને કહે કે આ સેમ્પલો લો, હું યુનિટિમાંથી આવ્યો છું તો ટેસ્ટ કરી આપે?
ડો. જુગલ :
હા. લઈ જ લે ને... એ જ તો જોવાનું છે. મેં અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
રિપોર્ટર : કોરોનાના નેગેટિવના ત્રણ રિપોર્ટ જે નીકળ્યા છે, તેનું રજીસ્ટ્રેશન તમારી લેબમાં થયું છે?
ડો. જુગલ :
ના. જીન લેબમાં એવી સિસ્ટમ છે કે તમે ત્યાં જઈને સેમ્પલ આપી આવો એટલે અમને કોઈ મેસેજ મળતો નથી, સીધો પેશન્ટને જ રિપોર્ટ વોટ્સએપ પર મળી જાય છે.
રિપોર્ટર : તો પછી જીન લેબે રિપોર્ટમાં કેવી રીતે લખ્યું કે, રેફરન્સ બાય યુનિટિ લેબ.
ડો. જુગલ :
એક સિમ્પલ ફોર્મ આવે છે, તેમાં મારી લેબનું નામ લખી દો એટલે તેઓ સ્વીકારી લે છે. હું તો ત્રણ મહિનાથી આરટીપીસીઆર ટેસ્ટ કરતો જ નથી.
રિપોર્ટર : તમે જે ફરિયાદ કરી છે તેની નકલ મોકલાવોે.
ડો. જુગલ :
જીન લેબમાં તો સેમ્પલ આવ્યું અને તેમણે રિપોર્ટ આપ્યો છે. મારે ત્યાંથી ગયું નથી.
(ડો. જુગલે ફરિયાદની કોઈ નકલ મોકલી નહી)
રિપોર્ટર : ભાસ્કરના ત્રણ રિપોર્ટરોએ કોઈ સેમ્પલ આપ્યા નથી ને અમારા નામનો રિપોર્ટ નેગેટિવ બને છે, જે જીન લેબ આપે છે. જવાબદાર કોણ?
ડો. જુગલ :
મને અંધારામાં રાખવામાં આવ્યો છે. મહેશભાઈ જીન લેબમાં સેમ્પલ આપી આવ્યો હતો.
રિપોર્ટર : મહેશે તમારું રેફરન્સ કેવી રીતે આપ્યું?
ડો. જુગલ :
યુનિટિ લેબના સિક્કા મારી દીધા હશે અથવા તો અમારી લેબનો કોડ નંબર લખ્યો હશે. તેણે ખરેખર શું કર્યું છે તે હજી મને ખબર નથી. મારા માણસે સહી-સિક્કા કરી આપી આવ્યો હોય તો તે પણ મને ખબર નથી.
રિપોર્ટર : આ તો ખોટું છે ને, તમારી લેબમાંથી જ ખોટું થયું કહેવાય ને?
ડો. જુગલ :
મારી સ્ટેશનરીનો ઉપયોગ કરીને જે ખોટું થયું છે તે બાબતે મહેશભાઈ મારી પાસે સ્વીકાર્યું છે અને મને માફીનામું પણ લખી આપ્યું છે.
રિપોર્ટર : યુનિટિ લેબ તો તમારી છે ને મહેશ તમારી પાસે માફી માગે એનાથી શું ફરક પડે?
ડો. જુગલ :
મેં તો કશું કર્યું જ નથી.

બંને લેબની પાલિકાએ તપાસ શરૂ કરી
જીન લેબે કહ્યું... અમારે ત્યાં કોરોનાનો RTPCR ટેસ્ટ કરાવવા માટે યુનિટિ લેબમાંથી સેમ્પલ આવ્યા હતા. જે ત્રણ સેમ્પલ મોકલ્યા હતા તેના આધારે અમે રિપોર્ટ આપ્યો હતો.

યુનિટિ લેબે કહ્યું... અમારી સ્ટેશનરીનો દુરપયોગ થયો હોય તેમ અમને શંકા છે. કોરોના સેમ્પલ લીધા પછી જે તૈયાર ફોર્મ હોય છે તેમાં જે તે વ્યકિતના નામ અને સેમ્પલ લઈને કોઈએ જીન લેબમાં મોકલી આપ્યા હતા. અમને જીન લેબે પણ જાણ કરી નથી અને જે તે વ્યકિતને સીધો રિપોર્ટ આપી દેવાયો છે. અમને મહેશ પર શંકા છે જે એક ખાનગી હોસ્પિટલમાં કામ કરે છે. એટલે પોલીસમાં ફરિયાદ આપી છે. અમે કંઈ ખોટું કર્યું નથી.

ભાસ્કરના સવાલ?
1 યુનિટિ અને જીન લેબ વચ્ચે સેમ્પલ અંગે સંકલન કેમ ન રાખવામાં આવ્યું ?

2 યુનિટિ લેબે સેમ્પલ આપ્યા હતા તો રિપોર્ટની કોપી યુનિટી લેબને કેમ ન અપાઈ અને રિપોર્ટ સીધો ભાસ્કરના રિપોર્ટરને મોકલી આપ્યો ?

3 યુનિટી લેબની જાણ બહાર સેમ્પલ લેવાતા હોય તે માની લેવું અઘરું છે, કેમ કે રેફરન્સ સેમ્પલ્સનું લેબ મુજબ ઓડિટ થતું જ હોય છે.

અન્ય સમાચારો પણ છે...