શહેરમાં એક સોપારી વિક્રેતાના બે ઠેકાણે સ્ટેટ જીએસટી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન અધિકારીઓએ હિસાબી દસ્તાવેજ જપ્ત કર્યા હતા. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે વેપારીએ બિલ વગર માલ વેચ્યો છે અને કિંમતનું અન્ડર વેલ્યુએશન કર્યું છે.
સ્ટેટ જીએસટીની ટીમ દ્વારા માર્ચ મહિનો નજીક આવતા દરોડા શરૂ કરી દેવાયા છે. શહેરમાં સોપારીનો વેપાર વધુ હોય અને શહેરની ગલી-ગલીમાં આવેલા ગલ્લાઓ પર સોપારી સપ્લાય થતી હોય. અધિકારીઓને નક્કર માહિતી મળી હતી કે, કોટ વિસ્તારના એક સોપારીના મોટા ગજાના વેપારીને ત્યાં માલ જેટલો આવે છે તેટલો ચોપડે બતાવાતો નથી અને પરિણામે એટલો ટેક્સ પણ આવતો નથી.
આથી અધિકારીઓએ એક તપાસ ટુકડી ગોડાઉન અને શોપ પર મોકલી હતી અને ત્યાં તપાસ દરમિયાન બેનંબરના વ્યવહાર મળી આવ્યા હતા.આગામી સમયમાં ડોક્યુમેન્ટની તપાસ બાદ કરચોરી સામે આવી શકે છે એમ તપાસ સાથે સંકળાયેલાં એક અધિકારીએ કહ્યું હતું.
મોટાભાગની સોપારી કોલકાતાથી આવતી હતી
રૂપિયા દોઢ કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા સોપારીના વેપારીને ત્યાં મોટાભાગનો માલ કોલકાતાથી આવતો હતો. સોપારી પર 18 ટકા જેટલો ટેક્સ લાગતો હોવા છતાં વેપારી દ્વારા તે પુરેપુરો ભરવામાં આવતો નહતો. ઉપરાંત જે માલ આવતો હતો તે ઓછી કિંમતનો બતાવીને અન્ડર વેલ્યુએશન પણ કરવામાં આવતું હતું. આ તમામ કામગીરીની નોંધ સેન્ટ્રલ જીએસટી વિભાગે પણ લીધી છે એટલે આવનારા સમયમાં સીજીએસટી પણ આ વેપારીને ત્યાં ત્રાટકી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.