ચોરી:પુણામાં હીરા જોવાને બહાને 3 લૂંટારૂઓ વેપારીને ચપ્પુ મારીને હીરા લૂંટી ફરાર

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક

પુણામાં 3 લૂંટારૂઓ હીરા કારખાનદાર પાસે હીરા જોવાના બહાને આવી તેને ચપ્પુ મારીને રોકડા 45 હજાર રૂપિયા અને હીરાની લૂંટ કરીને નાસી ગયા હતા. હીરા વેપારીને છાતી, પેટ અને ખભાના ભાગે ઇજા થઇ હતી.

પોલીસથી મળેલી માહિતી મુજબ મૂળ અમરેલીના ચલાળા ગામના વતની વિજયભાઈ અરજણભાઈ મોર હાલમાં સારોલીગામ સણિયા રોડ પર ન્યુ સારોલીનગરમાં રહે છે. તેઓ હીરાનો વ્યવસાય કરે છે. પુણાના ગીતાનગરમાં એક મકાનમાં વિજયભાઇ હીરાનું કારખાનું ચલાવે છે અને ત્યાં જ ઓફિસ પણ આવેલી છે.

મંગળવારે સાંજે બનેલી ઘટનામાં વિજયભાઈ તેમની ઓફિસમાં એકલા બેઠા હતા. ત્યારે બે જણા ઓફિસમાં હીરા ખરીદવાના બહાને આવ્યા હતા. બે લોકોએ હીરા જોવા લીધા બાદ તે હીરાનું પેમેન્ટ પછીથી આપવાનું કહ્યું હતું. ત્યારે વિજયભાઈએ ઉધારમાં હીરા આપવાની ના પાડી બતાવવા આપેલા હીરા પરત લેવાની કોશિશ કરતા બૈ પૈકી એક ઇસમે વિજયભાઈને ચપ્પુ મારી હાથના ભાગે,છાતીના ભાગે પેટના ભાગે અને જમણા ખભાની નીચે ઇજા પહોંચાડી હતી. તેઓએ ટેબલના ડ્રોઅરમાંથી 45 હજાર રૂપિયા રોકડા ઉપરાંત હીરા લૂંટ્યા હતા. તેઓ ભાગીને બહાર પહેલાથી ઉભી રિક્ષામાં બેસીને નાસી ગયા હતા.

રિક્ષા ડ્રાયવર પણ તેમની સાથે મળેલો હતો. રિક્ષા પર આગળપાછળ નંબર પણ ન હતો. વિજયભાઈ લોહીલુહાણ હાલતમાં બહાર નીકળ્યો હતા. બાજુમાં સાડી કટિંગનું કામ કરતા મુકેશભાઈ વિજયભાઈને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. વિજયભાઈ મોરે અજાણ્યા આરોપી વિરુદ્ધ પુણા પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...