દુર્ઘટના:સુરતના ડુમસમાં ભરતીના મોજામાં કાકા-ભત્રીજી તણાયા, કાકાની નજર સામે 17 વર્ષીય ભત્રીજી ડૂબી જતાં મોત

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રોશની સોલંકી - મૃતક - Divya Bhaskar
રોશની સોલંકી - મૃતક
  • રામપુરાનો સોલંકી પરિવાર સાંજે દરિયાઈ ગણેશ બીચ પર ફરવા ગયો હતો ત્યારે ઘટના બની
  • મોજામાં ડૂબકી મારી કાકા બહાર આવતા બચી ગયા

ડુમસ ફરવા ગયેલા રામપુરાના એક પરિવારના કાકા-ભત્રીજી દરિયામાં ન્હાવા પડ્યા બાદ મોટુ મોજુ આવતા કાકાની નજર સામે જ ભત્રીજી દરીયામાં તણાઈ ગઈ હતી. ભત્રીજી શોધખોળ બાદ મળતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડાતા તબીબે મૃત જાહેર કરી હતી.રામપુરા ગાર્ડન ફેક્ટરી 44 ચાલમાં રહેતા મહેશ સોલંકી હીરા કારખાનામાં સફાઈ કામ કરે છે. તેમની 17 વર્ષીય પુત્રી રોશની ધો.11માં અભ્યાસ કરતી હતી.

મોટુ મોજુ આવતા રોશની દરિયામાં ખેંચાઈ
રવિવારે બપોરે મહેશ તેમના ભાઈ જિજ્ઞેશ અને પરિવાર સાથે ડુમસ ગણેશ બીચ પર ફરવા ગયા હતા. 4 વાગ્યે મહેશની પુત્રી રોશની તેના કાકા જિજ્ઞેશ સાથે દરિયામાં ન્હાતા હતા. ત્યારે મોટુ મોજુ આવતા જિજ્ઞેશ અને રોશની મોજાની સાથે દરિયામાં ખેંચાયા હતા. કાકા જિજ્ઞેશ મોજામાં ડૂબકી મારી કિનારે આવી ગયા હતા.

તબીબે મૃત જાહેર કરી
જ્યારે રોશની મોજાની સાથે અંદર તણાઈ ગઈ હતી. નજર સામે જ ભત્રીજી તણાતા જિજ્ઞેશે બુમાબુમ કરી હતી. જેથી સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને રોશનીની શોધખોળ કરી હતી. 20 મીનીટ બાદ રોશની મળતા કારમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાઈ હતી. જ્યાં તબીબે મૃત જાહેર કરી હતી. ડુમસ પોલીસે હોસ્પિટલ દોડી જઈ તપાસ શરૂ કરી હતી. પોલીસે અકસ્માત મોતની નોંધ કરી છે.