સુરતીઓ તંદુરસ્ત રહેવાની સાથે વજન ઘટાડવા કાચા અને લીલા શાકભાજી એટલે કે સલાડ ખાઈ રહ્યા છે. પરંતુ વીર નર્મદ યુનિવર્સિટીની વિદ્યાર્થિની ડો. પ્રો. હિરલ રાવલે પીએચડીના અભ્યાસમાં સુરતીઓ જે કાચું અને લીલું શાકભાજી ખાઈ રહ્યા છે, તેનાથી ગેસ્ટ્રો અને ટાઇફોઇડ થઈ રહ્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
તપાસમાં સાલ્મોનેલાના બેક્ટેરિયા મળી આવ્યા
આ રિસર્ચ બી.પી. બારીયા સાયન્સ કોલેજના વાઇસ પ્રિન્સિપાલ ડો. અલ્કેશ શાહના માર્ગદર્શન હેઠળ કર્યું છે. રિપોર્ટમાં લખાયું છે કે, શહેરના 8 ઝોનમાંથી ટામેટા,કાકડી,કોબીજ,પાલક અને ગાજરના 550 નમૂના લીધા હતા. જેની તપાસમાં સાલ્મોનેલાના બેક્ટેરિયા મળ્યા હતા. જેમાં પાલકમાં સૌથી વધારે બેક્ટેરિયા મળ્યા હતા. જોકે, આ બેક્ટેરિયા ગેસ્ટ્રો- ટાઇફોઇડની બિમારી માટે જવાબદાર છે.
પાલક અને ટામેટામાંથી સૌથી વધારે સોલ્મોનેલા બેક્ટેરિયા
ઉધના, વરાછા, અમરોલીમાં શાકભાજીમાં સૌથી વધારે સાલ્મોનેલા બેક્ટેરિયા મળ્યા
ઓક્ટોબર-ફેબ્રુ.માં સૌથી વધુ શાકભાજીમાં બેક્ટેરિયા મળ્યા
વર્ષ | ક્વાર્ટર | મહિનો | પોઝિટિવ |
2019 | 2 | જૂન | 6 |
2019 | 3 | જૂલાઇ | 4 |
2019 | 3 | ઓગસ્ટ | 1 |
2019 | 3 | સપ્ટેમ્બર | 3 |
2019 | 4 | ઓક્ટોબર | 9 |
2019 | 5 | નવેમ્બર | 3 |
2020 | 1 | જાન્યુઆરી | 5 |
2020 | 1 | ફેબ્રુઆરી | 8 |
2020 | 1 | માર્ચ | 4 |
2020 | 2 | એપ્રિલ | 1 |
શાકભાજીને પાણીથી ધોવાથી માત્ર બહારના બેક્ટેરિયા સાફ થાય છે, અંદરની પેશી નહીં
રિપોર્ટ મુજબ શાકભાજી બહારથી ધોવાથી બહારના બેક્ટેરિયા સાફ થાય છે, પણ અંદર પેશીમાં રહેલા બેક્ટેરિયા સાફ થતા નથી. ગરમ કરે તો પોષકતત્વો નાશ પામે છે. જેથી ખેતીમાં જ સુધારાની જરૂર છે.
સુરતથી દિલ્હી સુધીની લેબમાં શાકભાજીના સેમ્પેલના 25 પ્રકારના વિવિધ ટેસ્ટિંગ કરાવ્યા
ડો. પ્રો. હિરલે સુરતથી દિલ્હી સુધીની લેબમાં શાકભાજીના સેમ્પલ મોકલ્યા હતા. જેમાં બેક્ટેરિયલ કલ્ચર ટેસ્ટિંગ, ગ્રામ અભિરંજન, જૈવ રસાયણિક કસોટી, સહિતના 25 પ્રકારના ટેસ્ટિંગ કરાવ્યા હતા.
પ્રાણીના મળમૂત્રથી બેક્ટેરિયા શાકભાજીની પેશીમાં જાય છે
ગટરના પાણીનો ઉપયોગ કે પછી કુતરા, બિલાડી સહિતના પ્રાણીના મળ મૂત્રથી બેક્ટેરિયા શાકભાજીની પેશીમાં જાય છે. જેથી શહેરમાં પાલિકા અને ગામમાં જિ.પંચાયતે ખેતી પર ધ્યાન આપવું જોઈએ.
રિસર્ચમાં સાલ્મોનેલના 6 નવા સ્ટ્રેનના બેક્ટેરિયા મળી આવ્યા
રિસર્ચમાં ડો. પ્રો. હિરલને નવા પ્રકારના 6 સાલ્મોનેલ બેક્ટેરિયા મળ્યા છે. જે નવી સ્ટ્રેનના છે. જેના ડેટા ઇન્ટરનેશનલ જનીન બેંકમાં જમા કરાવ્યા હતા. આ નવા બેક્ટેરિયાથી પણ ગેસ્ટ્રો- ટાઇફોડ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.