સુરતમાં આજે વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. મોડી સાંજે સુરતના ઉધના વિસ્તારમાં બે યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. હત્યાની આ ઘટના સાથે શહેરમાં છેલ્લા 48 કલાકની અંદર જ 4 હત્યાના બનાવો સામે આવ્યા છે, જેને લઈ રાજ્યના ગૃહ રાજ્યમંત્રીના જ શહેરમાં કાયદો વ્યવસ્થા સામે અનેક સવાલો ઊઠી રહ્યા છે.
સુરતમાં 48 કલાકમાં 4 હત્યાની ઘટના
સુરત શહેરમાં છેલ્લા 48 કલાકની અંદર જ હત્યાની ચાર ઘટના પ્રકાશમાં આવી ચૂકી છે. ગત રોજ ડિંડોલી વિસ્તારમાં બે અને લીંબાયત વિસ્તારમાં હત્યાનો એક બનાવ સામે આવ્યો હતો. પોલીસ દ્વારા હજુ તો એક ગુનાનો ભેદ ઉકેલાયો નથી ત્યાં હત્યાની બીજી ઘટનાઓ સામે આવી રહી છે. ગતરોજ બાદ વધુ એક હત્યાનો બનાવ પ્રકાશમાં આવતાં શહેરમાં ચકચાર મચી જવા પામી છે. અત્યારના એક પછી એક બનાવો સામે આવતાં શહેરના કાયદો વ્યવસ્થા સામે પણ અનેક સવાલ ઊઠી રહ્યા છે. શહેરમાં ઉધના વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે, જેને લઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
ઉધનામાં બે યુવક પર હુમલો, એકનું મોત
ઘટનાસ્થળેથી મળતી માહિતી મુજબ, સુરતના ઉધના ઝાંસીની રાણી પાસે બે યુવક પર જાહેરમાં હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાની આ ઘટના જાહેરમાં બનતાં અહીં અફરાતફરી મચી જવા પામી હતી. બંને યુવક પર ચારથી પાંચ જેટલા ઈસમોએ તીક્ષ્ણ હથિયાર વડે જાહેરમાં હુમલો કરાયો હતો. બંને યુવકો પર જીવલેણ હુમલો કરી હુમલાખોરો ફરાર થઇ ગયા હતા. બીજી તરફ, ઇજાગ્રસ્ત બંને યુવકોને સારવાર અર્થે 108 બોલાવી એમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન એકનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
હથિયારો મૂકી હુમલાખોરો ફરાર
ઉધના ઝાંસી કી રાણી ગાર્ડન પાસે હુમલાખોરો બંને યુવક પર હુમલો કરતાં તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. આ ઘટનામાં પઠાણ સાકીર ફારુક ખાન નામના યુવકનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. હુમલાખોરો જાહેરમાં હુમલો કરીને રેમ્બો ચાકુ સહિતનાં તીક્ષણ હથિયારો પણ ઘટનાસ્થળે ફેંકીને નાસી છૂટ્યા હતા. ત્યારે બીજી તરફ બનાવની જાણ પોલીસને થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
છોકરીની બાબતમાં હત્યા થઈ હોવાનું અનુમાન
બે યુવક પર જે પ્રકારે જીવલેણ હુમલો કરાયો છે એમાં એકનું મોત નીપજ્યું છે. ત્યારે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી. દરમિયાન આ ઘટના પાછળ છોકરીને લઈ અદાવત ચાલી રહી હોય એવી પ્રાથમિક વિગત જાણવા મળી રહી છે. છોકરીને લઈ બે યુવક વચ્ચે ચાલી રહેલી તકરાર હત્યા સુધી પરિણામી છે. જોકે હત્યા કરવા પાછળનું ચોક્કસ કારણ શું છે એને પોલીસ તપાસ કરી રહી છે. હાલ તો પોલીસ હુમલો કરનાર તમામને શોધવા પોલીસ ટીમ કામે લગાડી દીધી છે અને તેમને પકડવાનાં ચક્રો ગતિમાન કરી દીધાં છે.
કાયદો વ્યવસ્થા સામે ઊભા થયા સવાલ
ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં હત્યાની આ ચોથી ઘટના છેલ્લા 48 કલાકની અંદર જ પ્રકાશમાં આવી છે. ગતરોજ જ ડિંડોલીમાં બે અને લિંબાયત પોલીસ મથકની હદમાં એક હત્યાનો બનાવ સામે આવ્યો હતો. આ ગુનાના ભેદ ઉકેલાયા નથી ત્યાં ઉધના વિસ્તારમાં હત્યાના બનાવ સામે આવતાં પોલીસ દોડતી થઈ ગયી હતી. જે રીતે સુરતમાં એક પછી એક હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે, એને લઈ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના શહેરમાં કાયદો વ્યવસ્થા સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. આખા રાજ્યની કાયદો વ્યવસ્થા જાળવી રાખવાની જવાબદારી જેણે પોતાના ખભે ઉપાડી આગળ વધી રહ્યા છે. ત્યારે તેમના શહેરમાં જ આજે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ બગડી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.