વિશેષ:બે હજાર ગંગાસ્વરૂપ બહેનો અને પરિવારને 5 લાખ સુધીની સારવારમાં 90 ટકા રાહત અપાશે

સુરત11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કિરણ હોસ્પિ.ના 5 વર્ષ પૂર્ણ થતા વિધવા સહાય યોજના અમલમાં મુકાશે

સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ આરોગ્ય સમિતિ સંચાલિત કતારગામની કિરણ હોસ્પિટલના 5 વર્ષ પૂર્ણ થતા વિધવા સહાય યોજના અમલમાં મુકાઈ રહી છે. ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારને આરોગ્ય સેવા માટે મોટો ખર્ચ આવી પડે તો મુશ્કેલી ઉભી થતી હોય છે તેવા સંજોગોમાં જે બહેનોના પતિ હયાત નથી બાળકો નાના છે પોતે જ પોતાનું અને બાળકોનું ગુજરાન ચલાવતા હોય તેવી સ્થિતિમાં આરોગ્ય આ બાબતમાં કોઈ મોટો ખર્ચ આવી પડે તો તેઓના માટે કિરણ હોસ્પિટલ આરોગ્ય સમિતિ દ્વારા ગંગાસ્વરૂપ મહિલાઓ માટે યોજના શરૂ કરાઈ છે.

જેમાં 2000 ગંગાસ્વરૂપ બહેનોને આવરી લેવાશે તેમને તથા તેમના પરિવારના સભ્યોને 5 લાખ સુધીની સારવાર માત્ર 10 ટકા ટોકન ફી લઈને, એટલે કે 90 ટકા રાહત આપી કરાશે. કિરણ હોસ્પિટલમાં 5 વર્ષમાં 16 લાખ લોકોએ સારવારનો લાભ લીધો છે. કિરણ હોસ્પિટલ દ્વારા તમામ સારવાર તેમજ સરકારી યોજનાઓનો લાભ પણ દર્દીઓ લઈ શકે છે. ઉપરાંત છેલ્લા કેટલાક સમયથી કિરણ હોસ્પિટલ સંચાલિત બ્લડ બેન્ક દ્વારા દર્દીઓને નિ:શુલ્ક બ્લડ પુરુ પાડવામાં આવી રહ્યું છે.

સંતાન પગભર થાય ત્યાં સુધી રાહત દરે સારવાર
કિરણ હોસ્પિટલના પાંચ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં શરૂ થતી વિધવા મહિલા સહાય યોજનામાં ગંગા સ્વરૂપ બહેનોના સંતાનો કમાતા થઈ જાય ત્યાં સુધી તેને કિરણ હોસ્પિટલમાં સારવારની સહાય આપવામાં આવશે. કોઈ બહેનનાે પુત્ર 25 વર્ષનાે થાય અને ભણી-ગણીને કમાતાે થઈ જાય અને પરિવાર પગભર થાય ત્યાં સુધી કિરણ હોસ્પિટલ તેના પરિવારને 90% રાહત દરે સારવાર આપશે.

કોઈ પણ જાતિ ધર્મના દર્દી યોજનાનો લાભ લઈ શકે
પાંચ વર્ષના કાર્યકાળમાં કિરણમાં બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ, લીવર ટ્રાન્સપ્લાન્ટ જેવા જટીલ ઓપરેશન થયા છે. સૌથી મહત્ત્વની બાબત એ છે ધર્મ જ્ઞાતિ-જાતિ જોવામાં આવતા નથી દરેક વ્યક્તિને માનવતાના ધોરણે સારવાર અપાઈ છે. વિધવા મહિલા સહાય યોજનામાં પણ કોઈપણ વ્યક્તિ તેનો લાભ લઈ શકશે. > મથુરભાઈ સવાણી, ચેરમેન, કિરણ હોસ્પિટલ

અન્ય સમાચારો પણ છે...