તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાષ્ટ્રભાવના:સુરતના આઈસોલેશન સેન્ટરમાં ફરજ નિભાવતી બે બહેનોએ પગારના રૂા.51 હજાર શહીદ જવાનોના પરિવારોને અર્પણ કર્યા

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
સહાય માટે રકમ અર્પણ કરતા મિત્તલબેન અને દક્ષિતાબેન. - Divya Bhaskar
સહાય માટે રકમ અર્પણ કરતા મિત્તલબેન અને દક્ષિતાબેન.

કોરોનાના મહાસંકટમાં પણ લોકોમાં માનવતા અને રાષ્ટ્રભાવનાના કિસ્સા ઉજાગર થઈ રહ્યાં છે. સુરતના પુણા ગામ આઈસોલેશન સેન્ટરમાં સેવા આપતી બવાડિયા પરિવારની બે બહેનોએ પોતાના મહેનતાણાના રૂા. 51 હજાર શહીદ જવાનોના પરિવાજનોને મદદરૂપ થવાં 'જય જવાન નાગરિક સમિતિ-સુરત' ને આજે અર્પણ કરી અનેરી રાષ્ટ્રભાવના અને દરિયાદિલીના દર્શન કરાવ્યા હતાં.

પુણા ગામની પટેલ સમાજની વાડી ખાતે ખોડલધામ સમિતિ દ્વારા કોવિડ આઈસોલેશન સેન્ટર શરૂ કરાયું છે, જેમાં મિત્તલબેન ભાવેશભાઈ બવાડિયા અને તેમની સગી બહેન દક્ષિતાબેન આ કોવિડ સેન્ટરના પ્રારંભથી જ દર્દીઓની સેવામાં 24 કલાક ફરજ બજાવે છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના અમૃતવેલ ગામના વતની અને હાલ સુરતમાં રહેતાં ભાવેશભાઈ બવાડિયાની બે યુવા પુત્રીઓમાં મિત્તલબેન અમદાવાદ, બોપલની કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સીસ એન્ડ રિસર્ચ સેન્ટરમાં બી.ડી.એસ. કરી રહી છે, જ્યારે દક્ષિતાબેન વડોદરાની હોમિયોપેથી કોલેજમાં અભ્યાસ કરે છે. તેમણે સમાજ માટે પ્રેરણારૂપ પગલું ભરતાં કોવિડ સેન્ટરમાં એક મહિનાની ફરજ પેટે મળેલા વેતનને શહીદ જવાનોના પરિવારને અર્પણ કરી સંવેદનાની સુવાસ ફેલાવી છે.

મિત્તલબેન અને તેમની સગી બહેન દક્ષિતાબેન કોવિડ સેન્ટરના પ્રારંભથી ફરજ બજાવે છે.
મિત્તલબેન અને તેમની સગી બહેન દક્ષિતાબેન કોવિડ સેન્ટરના પ્રારંભથી ફરજ બજાવે છે.

બન્ને દિકરીની શહીદ પરિવારો પ્રત્યેની સંવેદનશીલતા અને રાષ્ટ્રપ્રેમ બદલ જય જવાન નાગરિક સમિતિએ તેમની રાષ્ટ્રભાવનાને બિરદાવી હતી. સમિતિના ચેરમેન અને વરાછા કો.ઓપ.બેંકના ચેરમેનશ્રી કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યુ હતું કે, ભાવેશભાઈ બવાડિયા છેલ્લા 20 વર્ષથી સુરતમાં રહે છે, અને હેન્ડવર્કનું કામ કરી ગુજરાન ચલાવે છે. હજુ સુધી કયારેય હોટલમાં ભોજન માટે ગયા નથી. દિકરાના બર્થડેની ઉજવણી કરી નથી. સમગ્ર સાદાઈ અને સાત્વિકતાભર્યું જીવન જીવે છે. પોતાના બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય એ માટે સતત કાળજી લેતા આ સમજણા પરિવારે સમાજને દાખલો પૂરો પાડયો છે.

કાનજીભાઈએ વધુમાં જણાવ્યું કે, સમગ્ર બવાડિયા પરિવારે કોરોના દર્દીઓની સેવાચાકરી કરી છે. પિતા ભાવેશભાઈએ પણ સેન્ટરમાં સ્વયંસેવક તરીકે ફરજ બજાવી છે. જ્યારે તેમના પત્ની પણ ઘરે જ્યુસ, ખીચડી, નાસ્તો બનાવીને દર્દીઓ સુધી પહોંચાડે છે. માનવતા અને રાષ્ટ્રપ્રેમથી છલકાતા બવાડિયા પરિવારને તેમણે અભિનંદન પાઠવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...