સુરતના વરાછામાં ઓફિસમાં ઘૂસી બે લૂંટારૂએ તિક્ષ્ણ હથિયારની અણીએ 2.20 લાખના હીરાની લૂંટ ચલાવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ લૂંટ બાદ બે લૂંટારૂ ભાગતા સીસીટીવીમાં કેદ થઈ ગયા છે. જેથી પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવી આધારે તપાસ હાથ ધરી છે.
હીરા જોવાના બહાને આવેલા બે ઈસમોએ લૂંટ ચલાવી
મૂળ ભાવનગરના અને વરાછા વિસ્તારમાં આવેલી સ્વસ્તિક સોસાયટીમાં પરષોતમભાઈ શામજીભાઈ પરમાર(ઉ.વ.57) પરિવાર સાથે રહે છે અને હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમની વરાછામાં જ વર્ષા સોસાયટીમાં ઓફિસ આવેલી છે. જેમાં ગત રોજ રાત્રે 8 વાગ્યા આસપાસ બે અજાણ્યા ઈસમો હીરા જોવાના બહાને આવ્યા હતા. ત્યારબાદ તેમના હાથમાં રહેલા હીરાના પેકેટ લઈને ભાગી ગયા હતા. 25 જેટલા હીરાના પેકેટની લૂંટ કરી લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતા. બંને લૂંટારૂ ભાગતા સીસીટીવીમાં કેદ થઈ ગયા છે.
હીરાની લૂંટમાં આંકડો વધવાની શક્યતા
પરસોતમભાઈના જણાવ્યા પ્રમાણે, તેમના હાથમાં રહેલા એક પેકેટમાં 10 હજારના ભાવના 22.3 કેરેટ હીરા હતા.જેની કિંમત 2.20 લાખ છે. જ્યારે અન્ય 24 પેકેટમાં કેટલા હીરા હતા તેની માહિતી નથી. જોકે, આ પેકેટમાં પણ જો હીરા હોય તો લાખો રૂપિયાના હીરાની લૂંટ થવાની શક્યતા છે. જોકે, પરસોતમભાઈએ બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ હાલ 2.20 લાખના હીરા સ્નેચિંગની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ અને સીસીટીવી આધારે વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.