પુણામાં સોમવારની મધરાત્રે હિટ એન્ડ રનની ઘટના બની હતી. બુલેટ સવાર બે પોલીસવાળાને અડફેટે લઈ ટેમ્પો ચાલક નાસી ગયો હતો. બંને પોલીસવાળાને ઇજા થતા સારવાર માટે દાખલ કરાયા છે. ડિંડોલીમાં છઠ તળાવ પાસે કૈલાશનગરમાં રહેતા આનંદ કિશોરભાઈ રાણા મૂળ ભાવનગરના વતની છે. તેઓ પુણા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. આનંદનો મિત્ર મયુરસિંહ જાડેજા એસઆરપી ગોંડલ ખાતે ફરજ બજાવે છે. મયુરસિંહની હાલમાં ફરજ પુણા પોલીસ સ્ટેશનની હદમાં દેવધ ચેક પોસ્ટ ખાતે છે.
સોમવારની મધરાત્રે આનંદ તેના મિત્ર મયુરસિંહ સાથે બુલેટ પર બેસીને આઈમાતા ચોક વિસ્તારમાં રહેતા તેમના મિત્ર પિયુષ પ્રજાપતિને મળવા જતા હતા. તેઓ આઈમાતા ચોક બ્રિજ નીચેથી પસાર થતા હતા ત્યારે સહારા દરવાજાથી કડોદરા તરફ એક ટેમ્પો પુરપાટ ઝડપે જતો હતો. ડ્રાયવરે બેદરકારીથી ટેમ્પો ચલાવીને આનંદની બુલેટને અડફેટે લીધી હતી. બંને જણા નીચે ફંગોળાયા હતા. આનંદ અને મયુરસિંહ બંનેને ઇજા થઈ હતી. ટેમ્પો ડ્રાયવર ત્યાંથી પુરપાટ ઝડપે નાસી ગયો હતો. તે સમયે તે વિસ્તારમાંથી પુણા પોલીસની વેન પ્રસાર થતા તેઓએ આનંદ અને મયુરસિંહને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો છે.
આનંદને માથામાં ઇજા છે અને ડાબા હાથે ખભાના ભાગે ઇજા છે. મયુરસિંહને માથામાં ઇજા છે અને ડાબા હાથે ફ્રેક્ચર છે. આનંદે અજાણ્યા ટેમ્પો ડ્રાયવર વિરુદ્ધ પુણા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તપાસમાં ટેમ્પો હરિયાણાનો હોવાનું જણાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.